ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા બેઠક ઉપરથી પરબત પટેલ, પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ અને પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડૂકના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે જ બનાસકાંઠા બેઠક પરથી કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી હરિભાઇ ચૌધરીનું પત્તું કપાઇ ગયું છે અને હાલ રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે. પરબત પેટલ થરાદના ધારાસભ્ય અને પાણી પુરવઠા વિભાગના મંત્રી છે. જ્યારે તેઓ કોંગ્રેસ અને ભાજપમાંથી કુલ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.
પરબત પટેલ ચૌધરી સમાજ સહિત દરેક સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. સાથે જ સહકાર ક્ષેત્રે પણ તેઓ વર્ચસ્વ ધરાવે છે. 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવવા અને બે વખત રાજ્ય કક્ષાા મંત્રી રહી ચૂકેલા પરબત પટેલ થરાદ માર્કેટયાર્ડ ચેરમેન, બનાસડેરી ડિરેક્ટર, સહકારી સંઘમાં પણ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં પરબત પટેલનો થરાદ બેઠક પરથી 11,773 મતોથી વિજય થયો હતો. પરબત પટેલે BA-LLB સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે 71 વર્ષીય પરબત પટેલે વર્ષ 2017ની ચૂંટણી સમયે કુલ 2.85 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.