પોતાના પુત્રને હોસ્પિટલમાં યોગ્ય ભોજન ન મળતા આ સેવાના કાર્યની શરૂઆત..
બનાસકાંઠા જિલ્લાનો એક યુવક 2015 થી ગરીબ લોકોને નિઃશુલ્ક પૌષ્ટિક અને શુદ્ધ ભોજન આપી અનોખી સેવા કરી રહ્યો છે.દરરોજના 300 લોકોને નિ:શુલ્ક બે ટાઈમ ભોજન આપી એક સેવાનું અનોખું કાર્ય કરી રહ્યો છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાનો એક યુવક 2015 થી ગરીબ લોકોને નિઃશુલ્ક પૌષ્ટિક અને શુદ્ધ ભોજન આપી અનોખી સેવા કરી રહ્યો છે.આ યુવક પોતાની એકટીવા મારફતે દરરોજના 300 લોકોને નિ:શુલ્ક બે ટાઈમ ભોજન આપી એક સેવાનું અનોખું કાર્ય કરી રહ્યો છે.આ યુવકની અનોખી સેવાને જિલ્લાના લોકો બિરદાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો સેવાના કાર્ય સાથે સંકળાયેલા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ડીસા શહેરમાં કરુણા ભક્તિ પરિવાર સાથે સંકળાયેલા ઠક્કર ભરતભાઈ 2015થી લોકોને નિ:શુલ્ક ભોજન અને પોષ્ટીક આહાર આપી રહ્યા છે. ડીસા ના સિંધી કોલોની ખાતે રહેતા ઠક્કર ભરતભાઈ વાડીલાલ જેમની ઉંમર 56 વર્ષ છે.
ડીસામાં આ ભરતભાઈને લોકો ભરતભાઈ ભાગ્યશાળી નામથી ઓળખે છે. આ ભરતભાઈ દ્વારા 2015થી કરુણા ભક્તિ પરિવાર દ્વારા આ અનોખા સેવાના કાર્યની શરૂઆત કરી છે. સવારે વહેલા ઉઠી નિત્ય પ્રમાણે લોકો માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન બનાવી પોતાની એકટીવા પર ગરીબ અને સિવિલમાં દાખલ દર્દીઓને નિ:શુલ્ક ભોજન જમાડવા માટે ઘરેથી નીકળી જાય છે અને આખો દિવસ આ નિ:સ્વાર્થ સેવાનું કાર્ય કરી રહ્યા છે.
પુત્ર હોસ્પિટલમાં દાખલ પુત્રને યોગ્ય ભોજન ન મળતા ભગીરથ સેવા કરવાનું બીડું ઉપાડ્યું
પોતાના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ યોગ્ય ભોજન ન મળતા ભરતભાઈએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ ગરીબો માટે અનોખી સાત્વિક ભોજનની સેવા ચાલુ કરી છેલ્લા દસ વર્ષથી સતત સેવા યજ્ઞ ધમધમતો રાખી લાખો લોકોને લાભાન્વિત કર્યા છે.
ડીસામાં કરુણા ભક્તિ પરિવાર નામનું સેવા ટ્રસ્ટ ચલાવતા ભરતભાઈ ભાગ્યશાળી ના પુત્રને થોડા વર્ષો અગાઉ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે જ્યાં જમવાની સારી સુવિધા ન મળતા તેઓએ દરેક દર્દીઓને સાત્વિક ભોજન મળી રહે. તેવો સંકલ્પ કરી ડીસા સિવિલ હોસ્પિટલ થી સૌપ્રથમ દર્દીઓ માટેની ભોજન સેવા શરૂ કરી હતી. ત્યારબાદ આ સેવા અવિરત ચાલુ રાખી તેઓએ ગરીબો માટે ભોજનશાળા, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ તેમજ આપત્તિ સમયે અનેકવિવિધ સેવા કાર્યો થકી લોકોની મદદ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.તેઓની આ નિ:સ્વાર્થ સેવાને 3,000 દિવસ પૂર્ણ થયા છે.
રાજસુંદર રાજપુણ્યવિજયજી મહારાજ સાહેબની શુભ નિશ્રાથી શરૂ થયેલો આ સેવા યજ્ઞ આજે હજારો દર્દીઓ તેમજ ગરીબોની જઠરાગ્નિ ઠારવી રહ્યો છે. નિસ્વાર્થ સેવા ચલાવતા ભરતભાઈના જણાવ્યા મુજબ કરુણા ભક્તિ પરિવાર અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે. જેમાં દાતાઓનો સારો સહયોગ પણ મળી રહે છે. ડીસા સિવિલમાં દર્દીઓને જમાડવાના એક દિવસનો નકરો રૂપિયા 2500 રાખવામાં આવ્યો છે. જેથી લોકો પોતાના જન્મદિવસની ઉજવણી,સ્વજનની તિથિ જેવા દિવસોએ પોતાનો નકરો નોંધાવી આ સેવાકીય પ્રવૃત્તિમાં લાભ લઇ રહ્યા છે.