ડીસાના કલ્પેશ પરમારે ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. એટલું જ નહીં કલ્પેશ પરમારની સતત મહેનત જોઈ તેમની પત્નીએ 30 કિલો વજન ઘટાડ્યું છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કલ્પેશ પરમારે આણંદ ખાતે યોજાયેલી ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આગામી સમયમાં નેશનલ કક્ષાએ સારું પરફોર્મન્સ બતાવી સમગ્ર દેશનું નામ રોશન કરવાની ઈચ્છા છે.
બનાસકાંઠાના ડીસા શહેરના પાટણ હાઇવે ઉપર આવેલા શ્યામ બંગ્લોઝમાં રહેતા કલ્પેશ કુંદનલાલ પરમારને નાનપણથી કસરતનો ખૂબ જ શોખ હતો. કલ્પેશ પરમાર પોતાની બોડીનેફિટ રાખવા ચંદ્રલોક રોડ ઉપર આવેલા ફિટનેસ વલ્ડ જીમમાં આજથી ચાર વર્ષ અગાઉ જવાની શરૂઆત કરી હતી અને તેનું એક સપનું હતું કે, બોડી બિલ્ડિંગમાં શહેર અને સમાજનું નામ રોશન કરે.
જેથી તે દરરોજ નિયમિત કસરતની સાથે સાથે પ્રોટીન યુક્ત ખોરાક લેતો હતો. છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરી રહ્યો હતો.ત્યારે 2021માં આણંદ ખાતે ગુજરાતની બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 120 જેટલા બોડી બિલ્ડરે સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો હતો.
જેમાં કલ્પેશભાઈ પરમારે બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને સિલ્વર મેડલ મળ્યો હતો. બાદ 2022 માં ફરી આણંદ ખાતે સમગ્ર ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 80 થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો,જેમાં ડીસાના કમલેશ પરમાર સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ચાર વર્ષની મહેનત બાદ સપનું પૂરું થયું છે
કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હું ગોલ્ડ મેડલની રાહ જોતો હતો અને છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરીને ગુજરાત લેવલની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.આગામી દિવસોમાં દેશ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈ હજુ પણ વધુ મેડલો પ્રાપ્ત કરવાનો સપનું છે.
અત્યારની જનરેશન વ્યસન તરફ વળી છે
અત્યારે યુવાનો દિવસેને દિવસે વ્યસન તરફ વળી રહ્યા છે અને પોતાના શરીરને ખરાબ કરી રહ્યા છે. યુવાનો આ વ્યસનથી દૂર રહી દરરોજ પોતાના શરીરને ફીટ રાખવા માટે બે કલાકનો સમય નીકાળી કસરત કરે તો કોઈ જ બીમારી આવશે નહીં.
અને પોતાનું શરીર એકદમ હેલ્ધી અને ફિટ રાખી શકશે.તેમજ યુવાનો વ્યસન તરફ વળશે તો આખરે તેમને ખૂબ જ હેરાન થવાનો વારો આવશે.
કલ્પેશ પરમારની પત્નીએ 30 કિલો વજન ઘટાડ્યું
કલ્પેશ પરમારના પત્ની સરોજબેન પરમારનું વજન શરૂઆતમાં 85 kg હતું.છેલ્લા ચાર વર્ષથી સતત મહેનત કરી યોગ્ય ડાયટ લઈ તેમને 30 કિલો જેટલું વજન ઉતાર્યું છે. આ પરિવાર એક મારવાડી માળી સમાજમાંથી આવે છે.
અને આ સમાજમાં મહિલાઓ બહાર નીકળતી નથી પરંતુ તેમના પતિ અને તેમના પરિવારના સપોર્ટથી આ મહિલા તેમના પતિની પ્રેરણા લઈ તેના પતિ કલ્પેશ પરમાર સાથે સતત છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી 85 kg વજન માંથી 30 કિલો જેટલો વજન ઉતાર્યું છે.
જણાવ્યું હતું કે,હું પણ છેલ્લા ઘણા સમયથી ઘરે બેસી મારું વજન વધતું હતું અને વજન ઉતારવા માટે ઘણી મહેનત કરતી હતી. પરંતુ વજન ન ઉતરતું અને બીમાર હોય તેઓ અહેસાસ થતો હતો. અનેકવાર દવાખાને જઈ રિપોર્ટ કરાવ્યા,પરંતુ કોઈ જ બીમારી ન આવી અને બાદ મારા પતિની પ્રેરણા લઈ હું જીમમાં આવી. મારા શરીરને ઉતારવા માટે મહેનત કરી. વહેલી સવારે આવી જિમમાં કસરત કરી રહી છું.