Home /News /banaskantha /ગુજરાતની બોર્ડર પર દબાણ! રાજસ્થાનના અધિકારીઓએ કરી પાણીની ચોરી, જાણો શું છે મામલો
ગુજરાતની બોર્ડર પર દબાણ! રાજસ્થાનના અધિકારીઓએ કરી પાણીની ચોરી, જાણો શું છે મામલો
સરપંચે કહ્યું કે, મને ખેતી કરતા ખેડૂતનો ફોન આવ્યો હતો એટલે હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કામગીરી અટકાવી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, રાજસ્થાન સરકારે નખાવેલી પાઈપલાઈન કઢાવી હતી.
બનાસકાંઠા: ગુજરાત બોર્ડરના બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામમાં રાજસ્થાન સરકારે પાઈપલાઈન નાંખી દેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકારની જલસે નલ યોજના હેઠળ ગુજરાતની જમીનનો રાજસ્થાને ઉપયોગ કર્યો છે. રાજસ્થાનના બે ગામો વચ્ચે પાઈપલાઈનથી પાણી પહોંચાડવામા માટે ધાનેરાના વાછોલ ગામનો ઉપયોગ કર્યો છે. રાજસ્થાનના રાણીવાડા તાલુકાનું છેલ્લું ગામ બામણવાડા છે. જ્યાં રાજસ્થાન સરકાર પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું હતુ. તેણે ગુજરાતની જમીનનો ઉપયોગ કર્યો છે. ગુજરાતની જમીનમાંથી રાજસ્થાનના ખેતર સુધી પાઇપલાઇન નાંખી દેતાં સરપંચે પાઇપલાઇન કઢાવી.
વાછોલના જાગૃત સરપંચ
વાછોલના સરપંચે આ મામલે તંત્રને જાણ કરી છે. ગતવર્ષે પણ રાજસ્થાન સરકારના અધિકારીઓએ ગુજરાતની સીમમાં વાછોલ ગામના હદ વિસ્તારમાં દબાણ લગાવી દીધા હતા. આ સમગ્ર ઘટના અંગે ન્યૂઝ 18 સાથેની વાતમાં સરપંચે કહ્યું કે, મને ખેતી કરતા ખેડૂતનો ફોન આવ્યો હતો એટલે હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કામગીરી અટકાવી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, રાજસ્થાન સરકારે નખાવેલી પાઈપલાઈન કઢાવી હતી.
રાજસ્થાનના અધિકારીઓને પાઇપલાઇન નાંખતા અટકાવ્યા
વાછોલ ગામના સરપંચ નરસિંહ ચોધરીએ આ અંગે જણાવ્યુ કે, મને રાજસ્થાન સરકાર કે અધિકારી દ્વારા પાઇપલાઇન નાંખતા પહેલા પૂછ્યું ન હતુ. પરંતુ મને ગામ લોકો દ્વારા આ અંગેની જાણ કરી હતી. આ અંગે મેં તેમના અધિકારીઓને આવું ન કરવા જણાવીને પાઇપલાઇન નાંખતા અટકાવ્યા હતા.
તેમણે વધુમાં વાત કરતા જણાવ્યુ કે, આ અંગે મેં સર્કલ ઓફિસરને વાત કરી છે. આ પહેલા પણ આવું થયું છે. આ અમારો પ્રશ્ન તો છે જ સાથે ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકારની છે. તેથી રાજ્ય સરકારની દરમિયનગીરી કરીને તાત્કાલિક જમ કોઇ નિર્ણય લે તો સારું.
આ આખી ઘટનાનો ઉતારાયો વીડિયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોમવારે વાછોલ ગામના સરપંચને સરહદી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતનો ફોન આવ્યો હતો કે, રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી પંચાયતની ગૌચરની જમીનમાં કરી રહ્યા છે જેથી તરંત સરપંચ નરેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી અટકાવી પાણીની પાઇપલાઇન કઢાવી હતી. આ આખી ઘટનાને પુરાવા માટે વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, રાજસ્થાન સરકારના અધિકારીઓએ બીજી વખત ગુજરાતની જમીનમાં આ રીતે દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અગાઉ પણ તેમણે સપ્ટેમ્બર મહિનામાં ગૌચરની જગ્યામાં રાજસ્થાનની હદના નિશાનથી 500 થી 600 મીટર અંદર દક્ષિણ દિશા તરફ કોઈને પણ જાણ કર્યા વગર રાજસ્થાન રાજ્ય દ્વારા નવા ખૂંટ મારવામાં આવ્યા છે. જેના ફોટોગ્રાફ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર કચેરી જમીન દફતર કચેરી સહિત તમામને આપવામાં આવ્યા હતા.