Home /News /banaskantha /Gujarat election 2022: રાધનપુર બેઠક પર છે ઠાકોર સમાજનું રાજ, પક્ષ પલટુઓને જનતા આપી દે છે જાકારો
Gujarat election 2022: રાધનપુર બેઠક પર છે ઠાકોર સમાજનું રાજ, પક્ષ પલટુઓને જનતા આપી દે છે જાકારો
Radhapuram assembly constituency : રાધનપુર બેઠકની તાસીર રહી છે કે, ત્યાંની જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 1998થી 2017 સુધીની તમામ ચૂંટણીઓમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને ઉખાડી ફેંક્યા છે
Radhapuram assembly constituency : રાધનપુર બેઠકની તાસીર રહી છે કે, ત્યાંની જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 1998થી 2017 સુધીની તમામ ચૂંટણીઓમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને ઉખાડી ફેંક્યા છે
Gujarat Assembly election 2022 : ગુજરાતમાં ચાલુ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પક્ષપલટા સહિત રાજકીય દાવપેચ શરુ થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ત્રિપાંખીયા જંગના એંધાણ પૂરતા દેખાઇ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત તમામ પક્ષો માટે જાણે ગુજરાતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે. તેવામાં રાજ્યની દરેક બેઠક પોતાની રીતે અલગ ખાસિયત, વોટબેંક અને જાતિવાદી સમીકરણો ધરાવે છે. તેમાં આજે અમે તમને સૌથી ચર્ચાસ્પદ અને મહત્વની બેઠક રાધનપુર (radhapuram assembly constituency) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
કોંગ્રેસનો ગઢ રહી છે રાધનપુર બેઠક
રાધનપુર ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. હાલમાં INCના રઘુનાથ દેસાઈ રાધનપુરથી વિધાનસભાના સભ્ય છે. આ બેઠક પર અંદાજીત 2,69,842 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,40,291 છે અને સ્ત્રી મતદારો 1,29,548 છે. આ બેઠક પર અંદાજે 326 મતદાન મથકો છે.
રાધનપુર બેઠકના ઈતિહાસ પર ડાકિયું
રાધનપુર બેઠકની તાસીર રહી છે કે, ત્યાંની જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 1998થી 2017 સુધીની તમામ ચૂંટણીઓમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને ઉખાડી ફેંક્યા છે. જેમાં લવિંગજી ઠાકોર, ભાવસિંહ રાઠોડ અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે.
ભૂતકાળમાં વિધાસભાની સામાન્ય ચૂંટણીમાં રાધનપુર બેઠક પર લવિંગજી ઠાકોરે અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. વર્ષ 1995માં ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા. પરંતુ વર્ષ 1997માં લવિંગજી ઠાકોરે તે સમયના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા માટે બેઠક ખાલી કરી હતી.
આ બેઠક પર પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સામે 27 વર્ષના યુવા નેતા શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા હતા. જેમાં શંકર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.
1998માં રાજ્યમાં દસમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી. તેમાં ભાજપ તરફથી ફરી શંકર ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા. જેની સામે રાજપામાંથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ રાજકિય પક્ષ સાથે જોડાવાની સાથે જ લવિંગજી ઠાકોરે જે અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પર જીત મેળવી તે હારી ગયા.
વર્ષ 2002ની 11મી વિધાનસભા ચૂંટણીમાં પણ લવિંગજી ઠાકોરને કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડવા ઉતાર્યા હતાં. પરંતુ રાધનપુરની જનતાએ તેને પક્ષપલટુ કહીને નકારી કાઢ્યા અને ફરીથી ભાજપની ઉમેદવાર શંકર ચૌધરી પર પસંદગીનો કળશ ઢોળીને વિધાનસભા મોકલ્યા હતા.
તેવી જ રીતે વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ સામે રાધનપુરની જનતાએ શંકર ચૌધરીને વિધાનસભામાં મોકલ્યા હતા.
વર્ષ 2012માં 13મી વિધાનસભા ચૂંટણી શંકર ચૌધરીએ રાધનપુર બેઠકની જગ્યાએ વાવમાંથી લડી. તેમની જગ્યાએ નાગરજી ઠાકોરને ટિકિટ આપી હતી. જેની સામે ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા પક્ષપલટુ ભાવસિંહ રાઠોડને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2017ની વિધાનસભામાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા લવિંગજી ઠાકોર મેદાને ઉતર્યા.
આ સાથે જ છેલ્લી 4 ચૂંટણીઓ જીતનારું ભાજપ પ્રજાના મનની વાત સમજવામાં નિષ્ફળ ગયું અને પ્રજાએ ફરી પક્ષપલટુ લવિંગજી ઠાકોરને જાકારો આપીને અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી વિધાનસભા મોકલ્યા હતા.
પક્ષપલટુઓને સબક શીખવવાનો આ સિલસિલો વર્ષ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ જોવા મળ્યો. જ્યારે 9 એપ્રિલ, 2019ના રોજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું અને બનાસકાંઠામાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો.
તેમણે કોંગ્રેસમાંથી આપેલ રાજીનામાંની જાણ પક્ષે વિધાનસભા સચિવને કરી અને જુલાઈના રોજ ભાજપમાં જોડાયા. ઓક્ટોબર 2019ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી તેમનો 3500 મતોથી કોંગ્રેસ ઉમેદવાર રઘુભાઇ દેસાઇ સામે પરાજય થયો હતો.
કેવા છે આ બેઠક પર જાતિવાદ સમીકરણો?
રાધનપુર ઉત્તર ગુજરાતની એક મહત્વની બેઠક છે. જેમાં હંમેશાથી ઠાકોર સમાજનો દબદબો રહ્યો છે. આમ તો આ બેઠક મૂળ કોંગ્રેસની માનવામાં આવે છે. કારણ કે 1962થી 1985 સુધી 5 વખત આ બેઠક પર જનતાએ પંજો પકડી રાખ્યો હતો. જોકે, 1967માં એક વખત કોંગ્રેસની હાર પણ થઇ હતી.
વર્ષ 2017ની ચૂંટણીના આંકડા પ્રમાણે રાધનપુર બેઠકમાં અંદાજે કુલ 2.67 લાખ મતદારો છે. જેમાં 75 હજાક ઠાકોર, 23 હજાર ચૌધરી, 20 હજાર દલિત, 20 હજાર મુસ્લિમ, 16 હજાર આહિર, 15500 રબારી, 10,000 નાડોદા રાજપૂત, 10,000 મીરાસિ ઠાકોર સમાજ, 6000 બ્રાહ્મણો, 5000 પ્રજાપતિ સમુદાયની સંખ્યા હતી.
આ બેઠક પર ઠાકોરોની વસ્તી વધુ હોવાથી ઠાકોર સમાજ હંમેશા ચૂંટણીઓમાં ગેમ-ચેન્જર રહ્યો છે. આ બેઠક પર એ જ રાજકીય પાર્ટીની જીત થાય છે, જે આ વોટબેંક પર પોતાની પકડ જમાવવામાં સફળ રહે છે.
અત્યાર સુધીની વોટિંગ પેટર્ન પ્રમાણે ઠાકોરો સાથે ચૌધરી, રબારી, આહિર, નાડોદા મીરાસિ ઠાકોર, બ્રાહ્મણના વોટ એક તરફી રહ્યા છે. જ્યારે મુસ્લિમ-દલિત સમાજના વોટ એક તરફ હોય છે.
1962થી ઠાકોર કોંગ્રેસની પડખે રહ્યા છે. જેના કારણે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જોકે, 1998માં આ બેઠક પરના ઠાકોર-ચૌધરી વોટબેંકનું ગણિત ભાજપ ખૂબ સારી રીતે સમજી ગયું હતું.
જેના કારણે ભાજપે 1998ની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા અને ભાજપનો આ પ્રયોગ સફળ રહ્યો. 1998થી 2012 સુધી આ બેઠક પર ભાજપને સફળતા મળી.
વિવાદોમાં પણ આગળ રહી રાધનપુર બેઠક
- રાધનપુર માર્કેટ યાર્ડમાં અલગ અલગ નિશાન પર ચૂંટણી લડતા 40 ઉમેદવારો પૈકી રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ લગધીરભાઇ ચૌધરી દ્વારા પોતાના લેટરપેડ પર બાબુભાઈ ચૌધરીના સમર્થમાં ખેડૂત પેનલના 10 અને વેપારી પેનલના 4 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા જાહેર કરાયેલા 14 નામો પૈકી ખેડૂત વિભાગના બે ઉમેદવારોએ વર્તમાન ચેરમેન અમથાભાઈને ખુલ્લુ સમર્થન આપતા રાધનપુર તાલુકા ભાજપમાં મોટો વિવાદ સર્જાયો હતો.
- વર્ષ 2017માં રાધનપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અલ્પેશ ઠાકોરે બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્ર મોદી લાખો રૂપિયાના મશરૂમ ખાઈને ગોરા થયા હોવાનું નિવેદન કરીને એક નવો વિવાદ ઊભો કર્યો હતો.
- અલ્પેશ ઠાકોરનો એક વિડીયો હાલ ભારે ચર્ચામાં છે. જેમા તે કહેતા સંભળાય છે કે, હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. નોંધનીય છે કે, રાધનપુરમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.