Gujarat Election 2022: સતત બે ટર્મથી બનાસકાંઠાની પાલનપુર સીટ પર છે કોંગ્રેસનો કબજો, સમજો વોટબેંક અને જાતિગત સમીકરણ
Gujarat Election 2022: સતત બે ટર્મથી બનાસકાંઠાની પાલનપુર સીટ પર છે કોંગ્રેસનો કબજો, સમજો વોટબેંક અને જાતિગત સમીકરણ
બનાસકાંઠા જીલ્લાની પાલનપુર વિધાનસભા બેઠક ઉત્તર ગુજરાતની અગત્યની બેઠક છે. પાલનપુર વિધાનસભા બેઠક સામાન્ય રીતે ભાજપની બેઠક ગણવામાં આવે છે.
પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનની અસર 2017ની ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પાલનપુર વિધાનસભા બેઠકમાં નવા સીમાંકનમાં પાલનપુર તાલુકા ઉપરાંત દાંતા તાલુકાના પણ કેટલાંક ગામોનો સમાવેશ થયો છે.
કોઇ પણ રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવતા જ અવનવા સમીકરણો બનવાનું શરૂ થઇ જાય છે. નેતાઓના પક્ષ પલટાથી લઇને આરોપો પ્રત્યારોપોની રાજનીતિ સુધી ચૂંટણીનો ધમધમાટ ચાલું રહે છે. ગુજરાતમાં પણ ગમે ત્યારે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ શકે છે. તેવામાં રાજ્યની દરેક વિધાનસભા સીટ પોતાની રીતે અલગ મહત્વ અને ખાસિયત ધરાવે છે. આજે અમે તમને બનાસકાંઠા જીલ્લાની પાલનપુર વિધાનસભાના રાજકિય સમીકરણોથી લઇને વિકાસ ગાથા સુધી તમામ બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠક અને 14 તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ જિલ્લો છે. બનાસકાંઠાનો લોકસભા મત વિસ્તાર રાજ્યમાં સૌથી મોટો વિસ્તાર છે. ભૌગિલક દ્રષ્ટિએ બનાસકાંઠા પર્વતીયાળ અને રણપ્રદેશ ધરાવતો વિસ્તાર છે.
બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર એમ સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં થરાદ અને ડીસાની બે બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય છે. બાકીની પાંચ દાંતા, પાલનપુર, વાવ, દિયોદર અને ધાનેરા બેઠક પર કોંગ્રેસનો કબજો છે.
ઉત્તર ગુજરાતની અગત્યની બેઠક છે પાનલપુર
બનાસકાંઠા જીલ્લાની પાલનપુર વિધાનસભા બેઠક ઉત્તર ગુજરાતની અગત્યની બેઠક છે. પાલનપુર વિધાનસભા બેઠક સામાન્ય રીતે ભાજપની બેઠક ગણવામાં આવે છે. પાલનપુર વિધાનસભા બેઠક પર અંદાજે 2,32,962 મતદારો છે. જેમાં અંદાજીત 1,21,362 પુરુષ મતદારો અને 1,11,600 મહિલા મતદારો છે. આ વિધાનસભામાં કુલ 245 પોલીંગ બુથ છે.
સતત બે વખત ભાજપને મળી કારમી હાર
પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનની અસર 2017ની ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પાલનપુર વિધાનસભા બેઠકમાં નવા સીમાંકનમાં પાલનપુર તાલુકા ઉપરાંત દાંતા તાલુકાના પણ કેટલાંક ગામોનો સમાવેશ થયો છે.
આ બેઠકમાં વર્ષ 2007માં યોજાયેલી ચુંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિ ચુંટણી જીત્યા હતા. જયારે નવા સીમાંકન બાદ વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના મહેશકુમાર પટેલે ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિને ૩ ટકા મતથી હરાવ્યા હતા.
આમ નવા સીમાંકન બાદ ભાજપ માટે મજબુત ગણાતી આ બેઠક કોંગ્રેસે મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપ માટે આ બેઠકને આકરું ચઢાણ બનાવી ફરી એક વખત જીત મેળવી હતી. 2017માં ફરી મહેશકુમાર પટેલે ભાજપના ઉમેદવાર લાલજીભાઇ પ્રજાપતિને હારનો સ્વાદ ચખાડ્યો હતો.
કેવા છે આ બેઠક પરના જાતિગત સમીકરણો?
પાલનપુર વિધાનસભા વિસ્તારમાં મહદઅંશે ખેડૂતો અને પશુપાલકોનો વિસ્તાર માનવામાં આવે છે. આ વિધાનસભાની ગ્રામીણ બેઠક છે. આ વિસ્તારમાં સહકારી અગ્રણીઓનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ ઉપરાંત ડેરી અને જીલ્લા સહકારી બેંકના આગેવાનોનું પણ પ્રભુત્વ વધારે છે. ગ્રામીણ બેઠક હોવાના લીધે એપીએમસીનું પણ એટલું જ મહત્વ છે.
આ બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો જણાશે કે આ બેઠક પર અંદાજીત પટેલ અને ચૌધરી – 21.5 ટકા, ક્ષત્રિય – 17.4 ટકા, મુસ્લિમ 13.2 ટકા, દલિત 12.2 ટકા અને અન્ય જાતિના 35.6 ટકા મતદારોનું પ્રભુત્વ છે. તેવા સમયે આ બેઠક પરથી ચુંટણી લડતા ઉમેદવાર માટે પક્ષ કરતા વધારે પોતાની અંગત છાપ પણ એટલી જ મહત્વની છે.
અહીં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આપને જણાવી દઇએ કે, અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.
કારણ કે, વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે. એક તરફ જ્યાં છેલ્લા ચાર ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હોય ભાજપના સાંસદ ચુંટાય છે. ત્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી વલણ રહે છે.
પાલનપુરના રાજકારણમાં વિવાદોના વંટોળ
રાજકારણ હોય ત્યાં વિવાદ અને વિવાદ હોય ત્યાં રાજકારણ બંને એક જ સિક્કાની બે બાજુની જેમ કાર્ય કરે છે. રાજકિય વિવાદોમાંથી પાલનપુર પણ બાકાત નથી.
વાયરલ ઓડિયો ક્લિપે હચમચાવ્યું રાજકારણ
વર્ષ 2021માં પાલનપુર પાલિકામાં ચૂંટણી પહેલા ઉમેદવારોની ખરીદીનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લીપ વાયરલ થતા જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુરમાં વૉર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથી કૉંગ્રેસના ઉમેદવારને ત્રણ લાખ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લીપમાં કૉંગ્રેસના મહિલા ઉમેદવારના સસરા હીરાભાઈ માજીરાને ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથી ફોર્મ પરત ખેંચવાની અને રૂપિયા આપવાની લાલચ આપી રહ્યા હતા.
માર્કેટયાર્ડની ચૂંટણીમાં બોગસ મતદારોનો વિવાદ
પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો હતો. બોગસ લાઇસન્સ બનાવી મતદારો ઊભા કર્યાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. જેથી બોગસ લાયસન્સ રદ કરવા અને મતદાર યાદીમાં સુધારો કરવાની માંગ સાથે ખરીદ વેચાણ બંધ કરી વેપારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા.
નાલાસર ગામમાં દલિત પરીવારનો બહિષ્કાર
બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર તાલુકાનાં નાલાસર ગામમાં રહેતાં 80 દલિત પરિવારોનો કથિત ઉચ્ચ જાતિનાં લોકો દ્વારા સામાજિક અને આર્થિક રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થતા જ હડકંપ મચી ગયો હતો.
દીવાલ બાંધવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી તકરારના કારણે દલિત પરિવારોને સહન કરવાનો વારો આવ્યો હતો. ચાર દિવસ સુધી બહિષ્કારનો સામનો કર્યા બાદ દલિત પરિવારોએ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી, જે બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ફરિયાદ મુજબ દલિત પરિવારોના બહિષ્કાર પાછળ છેલ્લાં 3 વર્ષથી રસ્તાને લઈને ચાલતો એક વિવાદ કારણભૂત હતો.
દલિતો પર અત્યાચારને લઇને ચર્ચાનું કેન્દ્ર
ગુજરાતમાં દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમરાભાઈ બોરીચાની ઘરમા ઘૂસીને હત્યા કરી દેવાઈ, જેના પડઘા વિધાનસાભમાં પણ ગૂંજ્યા હતા. એ પહેલાં હિમંતનગરમાં એક દલિત યુવાનને પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હતી.
વર્ષ 2022ની ચૂંટણીમાં પાલનપુર બેઠકનું મહત્વ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષો દ્વારા આદરી દેવામાં આવી છે. ત્યારે પાલનપુરમાં પણ રાજકિય ગતિવિધિઓ તેજ બની રહી છે. સતત બે કારમી હાર બાદ ભાજપ મતદારોને આકર્ષવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. તો કોંગ્રેસ પણ પૂરતી તૈયારીમાં છે.
પાંચ ટર્મ સુધી સતત પાલનપુરની બેઠક પર પકડ રાખ્યા બાદ ભાજપને પહેલો ઝટકો 2012માં લાગ્યો હતો. જ્યારે કોંગ્રેસે બાજી મારી હતી. હાલ પણ મોંઘવારી અને વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમાં પણ બનાસકાંઠા જીલ્લો પછાત ગણવામાં આવે છે અને અહીંનો વિકાસ દર પણ ધીમો રહ્યો છે. તેથી ભાજપ માટે આ બંને મુદ્દાઓને પાર કરીને પાલનપુર બેઠક પર જીતની સવારી હાંસલ કરવી લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની જશે.