Congress MLA Jignesh Mevani Profile: જીગ્નેશ મેવાણીને દલિત સમુદાયના નેતા ગણવામાં આવે છે. તેઓ વડગામના અપક્ષ ધારાસભ્ય છે. પહેલા તેઓ પહેલા સામાજિક કાર્યકર હતા અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વડગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉભા રહ્યા હતા.
ગુજરાતને છેલ્લા 10 વર્ષમાં ઘણા પ્રતિભાશાળી યુવા નેતાઓ (Young leaders in Gujarat) મળ્યા છે. ખાસ કરીને 2014 બાદ ગુજરાતના યુવા નેતાઓએ ચૂંટણી (Gujarat election 2022)ના પરિણામો બદલી શકે તેવી પકડ જમાવી છે. આ નેતાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ચમકી પણ ચૂક્યા છે, આજે આવા જ એક સામાજિક કાર્યકર, આગેવાન અને ધારાસભ્ય તરીકે ફરજ બજાવતા જીગ્નેશ મેવાણી (Congress MLA Jignesh mevani) અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
કોણ છે જીગ્નેશ મેવાણી? (Who is Jignesh Mevani?)
જીગ્નેશ મેવાણીને દલિત સમુદાયના નેતા ગણવામાં આવે છે. તેઓ વડગામના અપક્ષ ધારાસભ્ય છે. પહેલા તેઓ પહેલા સામાજિક કાર્યકર હતા અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વડગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉભા રહ્યા હતા. આ ચૂંટણી સમયે તેમને કોંગ્રેસનો આડકતરો ટેકો પણ હતો અને જીગ્નેશ મેવાણી આ બેઠક પર જીત્યા હતા.
જીગ્નેશ મેવાણીએ અમદાવાદથી ઉના સુધીની દલિત અસ્મિતા યાત્રા નામના વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. આ પ્રદર્શનમાં 20,000થી વધુ દલિતો હાજર રહ્યા હતા. આ પ્રદર્શન બાદ જીગ્નેશ મેવાણી ઘરે-ઘરે જાણીતો ચહેરો બની ગયા હતા.
જીગ્નેશ મેવાણીનું અંગત જીવન (Personal life of Jignesh Mevani)
જીગ્નેશ મેવાણીનો જન્મ અમદાવાદ ખાતે વર્ષ 1982ની 11મી ડિસેમ્બરે થયો હતો. તેમનો પરિવાર મહેસાણા જિલ્લાના મેઉ ખાતેનો વતની છે. તેમના પિતાનું નામ નટવરલાલ શંકરલાલ પરમાર જ્યારે માતાનું નામ ચંદ્રાબેન છે. તેમના પિતા મહાનગરપાલિકાના કર્મચારી હતા. અત્યારે જીગ્નેશ મેવાણી અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે. તેમણે પોતાનો અભ્યાસ સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વ વિદ્યાલય માધ્યમિક શાળામાંથી કર્યો હતો.
તેમણે 2002માં એચ.કે. આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 2004માં તેમણે પત્રકારિતા અને જનસંચારમાં ડિપ્લોમા કર્યું હતું. 2004થી 2007 સુધી તેમણે ગુજરાતી સાપ્તાહિક અભિયાનમાં પત્રકાર તરીકે કામ કર્યું. આ દરમિયાન 2013માં તેમણે ડી.ટી કોલેજ અમદાવાદમાંથી કાયદા સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.
જીગ્નેશ મેવાણીની સંપત્તિ
જીગ્નેશ મેવાણીનું જીવન ખૂબ સાદું છે. તેઓ એસટી બસ કે અન્ય વાહનમાં મુસાફરી કરતા નજરે પડતા હોય છે. સક્ષમ કુટુંબમાંથી આવ્યા હોવા છતા હજુ સુધી તેમણે પોતાનું કોઇ વાહન કે કોઇ સંપત્તિ વસાવી નથી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કરેલા એફિડેવીટમાં રૂપિયા 1.25 લાખ જેટલી રકમ હાથ પર હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત અલગ અલગ વીમા-રોકાણ સહિત તેમની પાસે રૂ. 10.25 લાખની મિલકત હોવાનું પણ જાહેર કર્યું હતું. તેમને વારસામાં 20 લાખ અસ્કમાયત મળી હોવાનું પણ એફિડેવિટમાં દર્શાવ્યું હતું.
કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં પ્રોફેશનલ વકીલ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ સ્વર્ગસ્થ વકીલ અને કાર્યકર્તા મુકુલ સિંહાના જન સંઘર્ષ મંચમાં પણ જોડાયા હતા. જેમાં તેમણે રમખાણ પીડિતો માટે લડાઈ લડી હતી. વર્ષ 2009માં જીગ્નેશ મેવાણી માધ્યમોમાં ચમકવા લાગ્યા હતા. તે સમયે તેમણે ભાજપ સરકાર પર કૃષિ જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ ભૂમિ હિન દલિતોને જમીન ન ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની સંસ્થા જનસંઘર્ષ મંચે આ માટે સર્વે પણ કર્યો હતો આ દરમિયાન તેઓ 2015 સુધીમાં આરટીઆઇ કાર્યકર્તા બની ગયા હતા. તેમની રાજકીય કારકિર્દી 2016ની ઉનાની ઘટના પછી શરૂ થઈ હતી.
મેવાણીનો રાજકીય ક્ષેત્રે ઉદય (Mevani's rise in the political arena)
2016માં ઉના ખાતે દલિતો પર અત્યાચાર થયા હતા. તે સમયે આ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ સાથે જ ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચના કરવામાં આવી હતી. તે સમયે જીગ્નેશ મેવાણીએ 30 જેટલી સંસ્થાઓને એક મંચ પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્ય બાદ જીગ્નેશ મેવાણી રાષ્ટ્રીય કક્ષાએ દલિતોનો ચહેરો બની ગયા હતા. ત્યારબાદ તેમણે દલિતોના પ્રશ્ને સરકાર સામે ઘણી વખત લડત લડી હતી.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ મળ્યો
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી ભાજપ સરકાર માટે માથાના દુ:ખાવા સમાન હતી. એક તરફ પાટીદાર આંદોલન સરકાર માટે પડકાર બન્યું હતું, બીજી તરફ દલિતોના પ્રશ્ને થતા આંદોલન પણ સરકારને સતાવતા હતા. આ દરમિયાન ચૂંટણી સમયે જીગ્નેશ મેવાણીએ સાબરકાંઠાની વડગામ અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
આ ચૂંટણી સરકારના અન્યાય સામેની લડત હોવાનું જાહેર કરાયું હતું અને મેવાણીએ કોંગ્રેસ સહિતની અન્ય પાર્ટીને આ બેઠક પર ઉમેદવાર ન ઉભા રાખવા અપીલ કરી હતી. જેથી કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષોએ વડગામ બેઠક પર પોતાના ઉમેદવારોના નામ પરત ખેંચી લીધા હતા. તેમણે જીગ્નેશ મેવાણીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી આ ચૂંટણીમાં મેવાણી 18000 મતથી વિજેતા થયા હતા.
જીગ્નેશ મેવાણી માટે વાવ બેઠક ખાલી કરવા તૈયાર છે ગનીબેન
જીગ્નેશ મેવાણી ને કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ જીગ્નેશ મેવાણી આસામની જેલમાંથી પોતાના વતન વડનગર પરત પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસની સત્કાર સભા યોજાઈ હતી. જેમાં ગનીબેન ઠાકોરે કહ્યું હતું કે, જીગ્નેશ મેવાણી માટે વાવની બેઠક ખાલી કરવા પણ તૈયાર છું. વાવ સીટ પર જીગ્નેશ મેવાણીનું સ્વાગત છે.
વડાપ્રધાન મોદી પર આપાત્તિજનક ટ્વીટ મુદ્દે કરાઈ હતી ધરપકડ
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વડાપ્રધાન મોદી અને ભાજપ સામે અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે. તેમણે થોડા મહિના પહેલા વડાપ્રધાન મોદી બાબતે એક ટ્વીટ કર્યું હતું. જેના કારણે તેમને જેલની હવા પણ ખાવી પડી હતી. આસામની પોલીસે પાલનપુરમાંથી તેમની ધરપકડ કરી હતી. આસામ બીજેપી નેતા અરૂપ કુમાર ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ તેમની સામે FIR નોંધવામાં આવી હતી. પોલીસે મેવાણી સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), 153(a) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295(a), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન) અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુજરાત કોર્ટે મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો
જીગ્નેશ મેવાણી સામે પરવાનગી વગર રેલી કાઢવાનો કેસ પણ ચાલતો હતો. આ કેસમાં અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ સમર્થક જીગ્નેશ મેવાણીને મહેસાણાની કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ આ સાથે કોર્ટે મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી જીગ્નેશ મેવાણી પરવાનગી વગર ગુજરાતની બહાર જઈ શકશે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડનું એક વર્ષ પૂર્ણ થતાં જીગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ મહેસાણાથી ધાનેરા સુધી ‘આઝાદી કુચ’ રેલીનું આયોજન કર્યું હતું અને તેનું નેતૃત્ત્વ પણ કર્યું હતું. આ રેલી માટે સ્થાનિક તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. આથી મહેસાણા પોલીસે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિતના લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 143 હેઠળ ગેરકાયદે સભા ભરવા મામલે કેસ નોંધ્યો હતો.