ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ વર્ષની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. ભાજપ સતત 6 ચૂંટણીથી સત્તા હાંસલ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. દરેક પક્ષ માટે એક એક બેઠક ખૂબ જ મહત્વની છે. તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવીને પોતાના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કરવા લાગ્યા છે. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓ મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે ડીસા વિધાનસભા બેઠક વિશે ચર્ચા કરીશું અને આ બેઠક પરના તમામ સમીકરણો વિશે જાણીશું.
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં ડીસા વિધાનસભા બેઠકનો ક્રમાંક 13 છે. આ બેઠક પર યોજાયેલી અત્યાર સુધીની વિધાનસભા ચુંટણીની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર શશિકાંત પંડ્યાએ કોંગ્રેસ ઉમેદવાર ગોવાભાઈ રબારીને હરાવીને જીત મેળવી હતી.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર લીલાધર વાઘેલાએ કોંગ્રેસના રાજેન્દ્રકુમાર જોશીને 31 ટકા મતથી હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2014માં લીલાધર વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા આ બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ગોવાભાઈ રબારીએ ભાજપના ઉમેદવાર લેબાભાઈ ઠાકોરને હરાવીને આ બેઠક પર જીત્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
શશિકાંત પંડ્યા
ભાજપ
2014 (પેટાચૂંટણી)
ગોવાભાઈ રબારી
કોંગ્રેસ
2012
લીલાધર વાઘેલા
ભાજપ
2007
લીલાધરભાઈ વાઘેલા
ભાજપ
2002
ગોવાભાઈ રબારી
કોંગ્રેસ
1998
ગોરધનજી માળી
ભાજપ
1995
ગોરધનજી માળી
ભાજપ
1990
લીલાધરભાઈ વાઘેલા
JD
1985
લીલાધરભાઈ વાઘેલા
IND
1980
મોહનભાઈ દેસાઈ
JNP(JP)
1975
વિનોદચંદ્ર પટેલ
NCO
1972
પૂંજાજી ભીખાજી
કોંગ્રેસ
1967
એસ.એસ શાહ
કોંગ્રેસ
1962
વિનોદચંદ્ર પટેલ
કોંગ્રેસ
વર્ષ 1995થી આ બેઠક પર ભાજપનો દબદબો છે. ગોરધનજી માળીએ આ બેઠક પર બે ટર્મ (1995- 1998) સુધી જીત મેળવી છે. લીલાધર વાઘેલાએ ભાજપમાંથી આ બેઠક પર વર્ષ 2007 અને વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી.
લીલાધર વાઘેલાએ વર્ષ 1985માં INDમાંથી આ બેઠક પર જીત મેળવી હતી, તો વર્ષ 1990માં JDમાંથી આ બેઠક પર જીત મેળવી હતી. શિક્ષક અને પત્રકારત્વથી કારકિર્દીની શરૂઆત કરનાર લીલાધર વાઘેલા વર્ષ 2014માં સોળમી લોકસભા મારફતે સંસદમાં પહોંચ્યા હતા.
ડીસા વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ
બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠકમાં ડીસાના તાલુકાના 83 ગામ, દિયોદરના 52 અને કાંકરેજના 19 ગામ સહિત કુલ 154 ગામોનો સમાવેશ થાય છે. ડીસા વિધાનસભા બેઠકમાં કુલ 2,30,537 મતદારો છે. જેમાં 1,20,512 પુરુષ મતદારો અને 1,10,025 મહિલા મતદારો છે.
ડીસામાં સાક્ષરતા દર 65 ટકા છે, આ સાક્ષરતા દર રાષ્ટ્રીય દર કરતાં પણ વધુ છે. ડીસા વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણની વાત કરવામાં આવે તો સવર્ણ 20 ટકા, ઠાકોર 19 ટકા, માલધારી 10 ટકા, ઓબીસી 17 ટકા અને દલિત 12 ટકા હિસ્સો ધરાવે છે.
જેથી જોવા જઈએ તો આ બેઠક પર સવર્ણ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ડીસામાં 13 ટકાથી વધુ લોકો SC અને ST લોકો રહે છે. ધર્મની દ્રષ્ટીએ જોવા જઈએ તો આ વિધાનસભા બેઠકમાં હિન્દુ, મુસ્લિમ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકો રહે છે.
બનાસકાંઠા લોકસભા ચૂંટણી
બનાસકાંઠાનું નામ બનાસ નદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તથા એશિયાની સૌથી મોટી બનાસડેરી પણ આવેલી છે.
બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર એમ સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાઠા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરબત પટેલે કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળને હરાવીને જીત મેળવી હતી. 25 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહી ચૂકેલા અને સહકારી ક્ષેત્રના આગેવાન પરથી ભટોળને મેદાને ઉતારતાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
ભાજપે 2019 લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર હરિભાઈ ચૌધરીની ટીકીટ કાપીને પરબત પટેલને મેદાને ઉતાર્યા હતા. બનાસકાંઠા લોકસભાની 2013ની પેટાચૂંટણી અને 2014ની ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થતાં તેમને મોદી સરકારમાં પહેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ત્યાર બાદ કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રીનું સ્થાન મળ્યું હતું.
રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2022 સુધીના સમયગાળામાં 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 6 વખત જીત મેળવી હતી. 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે.