Home /News /banaskantha /રાજ્યભરમાં ચૂંટણીના માહોલ વચ્ચે પણ સેક્સ વર્કરોનું આ ગામ છે ચૂંટણીથી વંચિત
રાજ્યભરમાં ચૂંટણીના માહોલ વચ્ચે પણ સેક્સ વર્કરોનું આ ગામ છે ચૂંટણીથી વંચિત
ગુજરાતમાં છે આ સેક્સ વર્કરોનું ગામ (પ્રતિકાત્મક તસવીર)
Gujarat Election 2022: જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણપણે તોફાની માહોલ ચાલી રહી છે, ત્યારે વાડિયા નામનું સેક્સ વર્કર્સનું ગામ તેનાથી સંપૂર્ણપણે દૂર છે.
ગાંધીનગર: ચૂંટણી પંચે 3 નવેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી ત્યારે કહ્યું કે, રેડ લાઈટ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જ્યારે બનાસકાંઠાના થરાદ તાલુકામાં સેક્સ વર્કરોના ગામ તરીકે કુખ્યાત વાડિયા નામનું ગામ ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના કાર્યકરોથી અસ્પૃશ્ય છે.
પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી થરાદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સામે ચૂંટણી લડી રહ્યા છે. વાડિયા ગામની વસ્તી 700 આસપાસ છે. જેમાં 50 પરિવારો પરંપરાગત રીતે દેહવ્યાપાર પર નિર્ભર છે. આ પ્રથાને અહીં સમાપ્ત કરવા માટે સામાજિક કાર્યકરોએ ઘણી વખત પ્રયાસો કર્યા છે, છતાં પણ તેમના અથાક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ, મુજબ દિનેશ સરનિયા નામના 30 વર્ષીય ગ્રામીણ વ્યક્તિએ કહ્યું કે, આ ઉદાસીનતા આ ચૂંટણી માટે વિશિષ્ટ નથી. તેમણે કહ્યું કે 'અગાઉની ચૂંટણીમાં પણ અમારી ઉપેક્ષા કરવામાં આવી હતી. અમે નજીકના ગામોમાં લાઉડસ્પીકર, ડ્રમ અને સૂત્રોચ્ચાર સાંભળીએ છીએ, પરંતુ ઉમેદવારો અમારા ગામમાં આવતા નથી.' ગ્રામજનો દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી આપતા સરનિયાએ જણાવ્યું હતું કે, તેમના ઘરો તેમના નામે નોંધાયેલા નથી, તેથી તેઓ તેનો લાભ લઈ શકતા નથી. અનેક કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત છે. સરનિયાએ કહ્યું કે, તેમના ગામમાં રસ્તા કે આરોગ્ય કેન્દ્ર જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. અમારા પ્રશ્નો હલ કરવાની કોઈ હિંમત કરતું નથી. જોકે, તેણે એ નથી જણાવ્યું કે. તે કઈ નોકરી કરે છે.
ગામના એક શિક્ષકે જણાવ્યું કે, શાળામાં ઓરડા નથી અને વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે, વાસ્તવિક સમસ્યા એ માનસિકતા છે, જે સરકારી અધિકારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વાડિયાથી દૂર રાખે છે. કેટલીકવાર જે લોકો સેક્સ વર્કર્સનો સંપર્ક કરવા માંગતા હોય તેઓ ઓફિસર બનીને થરાદ-ધાનેરા હાઈવે પરથી આ ગામમાં જવાનો રસ્તો પૂછે છે. જ્યારે વાસ્તવિક સરકારી અધિકારીઓ, જાહેર કાર્યકર્તાઓ અથવા રાજકીય નેતાઓ ક્યારેય આ સ્થળની મુલાકાત લેતા નથી.
વાડિયા અને વડગામદા ગામ એક સમૂહ પંચાયત દ્વારા સંચાલિત થાય છે. તેના સરપંચ જગદીશ અસલે જણાવ્યું હતું કે, તેઓ થોડા દિવસો પહેલા વાડિયા ગયા હતા, તે જોવા ગયા હતા કે, દરેક પાસે મતદાર ઓળખ કાર્ડ છે કે નહીં. અસલએ જણાવ્યું હતું કે, માત્ર સમસ્યા એ છે કે ગ્રામજનોને મતદાન કરવા માટે વડગામદા જવું પડે છે. જ્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અનેક પ્રયાસો છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.