અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે. ચારેતરફ ઇલેક્શનનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે ભાજપે તમામ બેઠક પર જાતિગત અને અન્ય સમીકરણો ગોઠવીને મજબૂતમાં મજબૂત ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. ત્યારે આજે વાત કરવી છે એવી એક સીટની જ્યાં ભાજપની સામે એક યુવા ચહેરો ઊભો છે, જેણે ગત ઇલેક્શનમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષને હરાવીને અપક્ષ તરીકે જીત મેળવી હતી.
2017માં અપક્ષ જીત્યા હતા
આ વાત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા બેઠકની. જિજ્ઞેશ મેવાણીનું નામ બધાએ સાંભળ્યું જ હશે. અનેક આંદોલનમાં તેઓ મુખ્ય ચહેરો બન્યા હતા અને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. આ વખતે કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે તો ભાજપે મણિલાલ વાઘેલાને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, મણિલાલ પહેલા આ સીટ પરથી કોંગ્રેસમાંથી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2017માં આ સીટ પરથી ભાજપે વિજય ચક્રવર્તીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે જિજ્ઞેશ મેવાણી ભાજપના ઉમેદવાર સામે 19 હજાર મતથી જીત્યા હતા.
જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો વડગામ વિધાનસભા વિસ્તારમાં 25.9 ટકા વસતી મુસ્લિમોની છે. જ્યારે 15.5 ટકા વસતી દલિતની છે. અન્યમાં 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું આ બેઠક પર પ્રભુત્વ છે. ઉલ્લેખનીય છે કે, જિજ્ઞેશ મેવાણી દલિત નેતા તરીકે રાષ્ટ્રીય ચહેરા તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારે આ વખતે ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે.
જિજ્ઞેશ મેવાણી વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત અને સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પાર્ટીમાં જોડાયા નથી. જિજ્ઞેશ ગુજરાતના રાજકારણમાં મોટા દલિત નેતા છે. જિજ્ઞેશે આઝાદી કૂચ આંદોલન ચલાવી હતી. જેમાં તેમણે 20 હજાર જેટલા દલિતોને મૃત પશુઓ ન ઉપાડવા અને હાથથી સફાઈ ન કરવાના શપથ લેવડાવ્યા હતા. 11 ડિસેમ્બર,1980ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા મેવાણી હવે અમદાવાદના દલિત વર્ચસ્વવાળા વિસ્તાર મેઘાણીનગરમાં રહે છે. તેમના પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા.
આ વિધાનસભા સીટમાં કયા ગામોનો સમાવેશ થાય છે?
વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે. તેમાં વડગામ તાલુકો, પાલનપુર તાલુકાના હાથીદ્રા, કુમ્પર, ગોઢ, ધાંધા, ખાસા, હોડા, ગલવાડા, સગ્રોસણા, ભાગલ (જગાણા), માણકા, ગોલા, મેરવાડા (રતનપુર), વાગદા, જગાણા, વાસણા (જગાણા), બદરપુરા (કાલુસણા), સરીપાડા, પટોસણ, સલ્લા, સાસમ, તાકરવાડા, ટોકરીયા, સેદરાસણા, અસ્માપુરા (ગોદા), ખામોડિયા, જાસલેની, બદરગઢ, કાણોદરનું પ્રતિનિધિત્વ કરે છે.