આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા શહેર (Deesa city)માંથી તાજેતરમાં જ એક શખ્સ પાસેથી એમ.ડી. ડ્રગ (MD drug), સ્મેક અને ગાંજો પકડાયા હતો. હવે ફરીથી ગઇરાત્રે ડીસા તાલુકા પોલીસે (Deesa rural police) કંસારી ત્રણ રસ્તા પાસેથી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડી પાડ્યા છે. આ સાથે જ આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પણ પર્દાફાશ થયો છે.
ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગઇરાત્રે પેટ્રોલિંગ (Night patrolling)માં હતા તે દરમિયાન કંસારી ટોલનાકા પર રાજસ્થાન તરફથી આવતી સફેદ રંગની i10 કાર શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકાવાનો ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કારનું આગળનું ટાયર ફાટી જતા ટેટોડા ગૌશાળા પાસે કાર ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન જ પોલીસે દોડી જઇને કારમાંથી નાસી રહેલા ચાર શખ્સોને પકડી પાડ્યા હતા.
પોલીસે કારની તલાસી લેતાં અંદરથી એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યુ હતું. પકડાયેલ શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી ન શકતા તેઓને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન લઇ જવાય હતા. જે અંગે બનાસકાંઠાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને જાણ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે હ્યુન્ડાઈ i10 કાર, પ્રતિબંધિત 117.550 ગ્રામ એમ.ડી. ડ્રગ, 4 મોબાઇલ અને રોકડ સહિત 15.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ડીસા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.
આ કેસમાં રાજસ્થાની ભવરલાલ ભગવાનરામ જાટ, રતનલાલ પ્રેમારામ નાઈ, હનુમાન રામ જુજા રામ જાટ, હનુમાનરામ ભવરા રામ જાટની ધરપકડ કરી હતી. આ રીતે પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગને ઝડપી લઇને આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો હોવાને કારણે અહીં ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હોવાની આ 10મી ઘટના બની છે. સામાપક્ષે પોલીસ પણ 24 કલાક પેટ્રોલિંગમાં રહીને નશાખોરીની બદીને ડામવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.