કાંકરેજના નાનોટા ગામ સહિત અન્ય ગામોમાં ઇયળનો ઉપદ્રવ.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર ફરી એક નવી આફત આવી પડી છે. કાંકરેજ પંથકમાં વરસાદ બાદ લાખોની સંખ્યામાં ઇયળોનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. કાંકરેજના નાનોટા ગામ સહિત અન્ય ગામોમાં ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અવારનવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અનેક મોટી આફતોનો સામનો કરતા હોય છે. જેમ કે અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ તો ક્યારેક ઈયળોનો ઉપદ્રવ તેમજ કુદરતના કહેરનો પણ ખેડૂતો સામનો કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પડેલા કમોસમી કરા સાથે પડેલા વરસાદના કારણે ખેડૂતોએ ખેતીમાં ભારે નુકસાની સહેન કરી છે. તેવામાં ફરી ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે.વરસાદ બાદ કાંકરેજ પંથકમાં અનેક ગામોમાં ઈયળનો ઉપદ્રવ થવાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક મોટી આફતોનો સામનો કરી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની માવજ હજી ખેડૂતોને મળી નથી તેવામાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ઈયળોનો ઉપદ્રવ થવાના કારણે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની આવી છે.
કાંકરેજના અનેક ગામોમાં ઈયળનો ઉપદ્રવ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલા નાનોટા ગામ સહિત આજુબાજુના ગામોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ બાદ એકાએક ઇયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થવા પામી રહ્યું છે.
આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર દિવસથી વરસાદ બાદ ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોના ખેતરમાં બચેલો પાક એરંડા, તમાકુમાં પણ નુકસાની થઈ રહી છે.
બાજરી, સહિતના પાકો ઈયળોના કારણે નષ્ટ થઈ રહ્યો છે. જેથી ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ ઈયળોના ઉપદ્રવને નિયંત્રણમાં લાવવા માટે દવાઓનો છંટકાવ કરે તો આ વિસ્તારમાં બચેલો પાક બચી શકે તેમ છે. નહિતર આ વિસ્તારમાં ઈયળોના કારણે તમામ પાક નષ્ટ થઈ જશે.
ચાર દિવસથી જમવા તેમજ પશુઓને ઘાસચારો ખવડાવવા મુશ્કેલી
કાંકરેજના નાનોટા ગામના મહિલા ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર દિવસથી ઈયળોના ઉપદ્રવના કારણે જમવાનું બનાવવા પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. તેમજ પશુઓને ઘાસચારો ખવડાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.
અને પાકને મોટું નુકસાન થવા પામી રહ્યું છે. જેથી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ ઈયળોના ઉપદ્રવને નિયંત્રણમા લાવવા પ્રયાસો કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.