Nilesh Rana, Banaskantha: સેવા પરમો ધર્મ, ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવી એજ સૌથી મોટી માનવ સેવા માનવમાં આવે છે. ત્યારે આજના સમયમાં સેવાભાવી લોકો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કડકડતી ઠંડીથી લોકો બચે તેવા હેતુથી ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વેટર અને ગરમ ધાબળાનું વિતરણ કરી અનોખી સેવા પુરી પાડવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સંગઠનો તેમજ અનેક એવા ટ્રસ્ટ છે કે જે ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોની મદદ કરે છે. ડિસેમ્બર મહિનામાં શિયાળો જામ્યો છે ત્યારે સતત ઠંડી વધવાના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ગરીબ લોકો વગર કોઈ સુવિધાએ જીવી રહ્યા છે.
જેઓની પરિસ્થિતિ જોઈ સેવા ભાવી લોકો દ્વારા તેઓની મદદ કરવામાં આવે છે.જેથી કરી તેઓ હાડ થ્રીજવતી ઠંડીથી રક્ષણ મેળવી શકે. જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને સ્વેટર, ટોપી, સ્કાફ, મોજા અને ગરમ વસ્ત્રો અર્પણ કર્યા હતા.ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી અનેક સેવા ભાવિ લોકોના સહયોગથી સેવાનું કાર્ય કરી રહ્યા છે.
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકિય કાર્યો કરવામાં આવે છે. જેમ કે ગરીબ લોકોને પરિસ્થિતિ પ્રમાણે અનાજ વિતરણ કરિયાણાની કીટ, તહેવારો પ્રમાણે ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.જ્યારે કોઈ દર્દીને લોહીની જરૂર પડે તો તેઓ માટે પણ લોહીની વ્યવ્સ્થા કરી આપે છે.
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહે ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા સતત ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે કાર્ય કરી સેવા પૂરી પાડવા તત્પર રહે છે.
જેથી કરી ડીસાના આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબોની મદદ કરી શકે અને તેઓની સેવા કરી શકે.તેઓ લોકોને પણ ગરીબોની સેવા કરવા અને પૂણ્ય કમાવવા માટે અપીલ કરી હતી.