Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલ મોદી ને રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક એવોર્ડ મળ્યો છે. શિક્ષકે શિક્ષણ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષકને સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.બનાસકાંઠા જિલ્લો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે.
અહીં શિક્ષણનું સ્તર ખૂબ જ ઓછું છે. પરંતુ જિલ્લો હવે ધીમે ધીમે જિલ્લામાં શિક્ષણ સ્તરમાં સુધારો આવી રહ્યો છે. જિલ્લામાં શિક્ષકો દ્વારા શિક્ષણને ખૂબ જ મહત્વ આપી બાળકોમાં શિક્ષણ વધે અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાંથી અનેક વિદ્યાર્થીઓ હવે સરકારી નોકરીઓમાં સારી પોસ્ટ પર છે. જેના કારણે આ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધી રહ્યું છે.
16 રાજ્યોના 172 ઇનોવેટિવ શિક્ષકોનું સન્માન
સમગ્ર ભારત દેશના 16 રાજ્યોના 172 ઇનોવેટિવ શિક્ષકોનું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન આપી સન્માનિત કરાયા હતા. જેમાં ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલ મોદીની પસંદગી કરાઈ હતી.
શાળામાં કરેલી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન, તેમજ 240 થી પણ વધુ ઓનલાઈન ક્વિઝની કામગીરી બદલ ટીમ મંથન દ્વારા તેમને રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીસા તાલુકા તથા સદરપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વિશ્વ શાંતિ એવોર્ડ વીજેતા મુખ્ય મહેમાન
શિક્ષકોની સારી કામગીરીને લઈને અનેક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. ગુજરાત ટીમ મંથન દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ઊંઝા ઉમિયાધામમાં રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વિશ્વ શાંતિ એવોર્ડ વીજેતા ડો. ધરમચંદ આચાર્ય, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચંદુભાઇ મોદી ઉર્ફે એ.ટી.ડી. અને ટીમ મંથનના નેશનલ મોટિવેટર શૈલેષભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.