કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું 2.60 કરોડ રૂપિયાનું લાઈટ બિલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. બે દિવસ બાદ પણ પાલિકા દ્વારા લાઈટ બિલ ભરાયું નથી. જેના કારણે પાલિકા કચેરીમાં અંધારપટ છવાતા નગરપાલિકા દ્વારા જનરેટર લગાવીને કચેરીની લાઈટ ચાલુ કરવામાં આવી છે.
2.60 કરોડ રૂપિયાનું લાઈટ બિલ બાકી
ધાનેરા પાલિકાનામાં કરોડોની ગ્રાન્ટ આવે છે તો પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે, છતાં છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઈટ બિલ પૂરું ભરતી નથી. જેના કારણે ધાનેરા નગરપાલિકાનું 2.60 કરોડ રૂપિયાનું લાઇટ બિલ ચડી જતાં વીજ કંપનીએ અનેક વખત નોટિસો આપી હતી. તેમ છતાં પાલિકા દ્વારા લાઈટ બિલ ન ભરતા આખરે વીજ કંપનીએ બે દિવસ પહેલા ધાનેરા નગરપાલિકાની કચેરીનું વીજ કનેક્શન કાપી દીધું હતું. જેના લીધે પાલિકાની કચેરીમાં અંધારપટ છવાયો છે. બીજી બાજુ, આજે સોમવાર હોવાથી અનેક અરજદારો પોતાના વિવિધ કામોને લઈને પાલિકા કચેરીએ આવી રહ્યા છે. પરંતુ પાલિકમાં કોઈ જ કર્મચારીઓ કે અધિકારીઓ ન હોવાથી અરજદારો અટવાયા છે.
લાઈટ બિલ ન ભરાતા પાલિકા કચેરીનું વીજ કનેક્શન કપાયું
લાઈટ બિલ ન ભરાતા હાલ પાલિકા કચેરીનું વીજ કનેક્શન કપાયું છે, પણ આવનાર દિવસોમાં સ્ટ્રીટ લાઈટ અને પાણીના બોરનું કનેક્શન કપાઈ જશે તો લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. ધાનેરા નગરપાલિકા દ્વારા અત્યારે તો જનરેટર લગાવીને નગરપાલિકાની ઓફિસની લાઈટો ચાલુ કરવામાં આવી છે અને અરજદારના કામો થઈ રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીનું માનીએ તો, યુજીવીસીએલ દ્વારા સાત દિવસમાં વીજ કનેકશન કાપવાની નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તે જ દિવસે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું.
શું કહે છે નગરપાલિકાના પ્રમુખ?
બીજી તરફ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ કમળાબેન નાહીએ જણાવ્યું હતું કે, જે લાઈટ બિલ બે કરોડને 60 લાખ છે તે જૂનું છે. આ વર્ષમાં જેટલું લાઈટ બિલ આવ્યું હતું, તેના કરતાં પણ વધુ લાઈટ બિલ ભરવામાં આવ્યું છે. આ એક જ વરસની અંદર 1.25 કરોડનો લાઈટ બિલ ભરવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ પણ લગાવ્યો હતો કે, ધાનેરા નગરપાલિકા કોંગ્રેસ સાશિત હોવાથી તેમને રાજ્ય સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે.
ધાનેરા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારીના ભોગ લોકો બની રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસની બોડીઓમાં લાઈટ બિલ કપાવાના અનેક બનાવો આગાઉ પણ સામે આવ્યા છે. હવે જોવાનુંએ રહેશે કે ક્યારે નગરપાલિકાનું લાઈટ કનેક્શન જોડવામાં આવશે.