Nilesh Rana, Banaskantha : સમગ્ર દેશમાં લોકો હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. હોળીના પર્વને લઈ અત્યારે બજારોમાં રંગબેરંગી અલગ અલગ કલરો અને બાળકો માટે અવનવી ડિઝાઈન વાળી પિચકારીઓ આવી ગઈ છે.તેમજ બજારોમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 5 થી 7 ટકાના ભાવમાં વધારો થયો છે. છતાં લોકોની પણ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
રંગોમાં 25 રૂપિયાથી લઈને 80 રૂપિયાનો વધારો
બનાસકાંઠાના બજારોમાં હોળીના પર્વને લઈ બાળકો માટે અવનવી ડિઝાઇન વાળી પિચકારી જોવા મળી રહી છે. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણની બજારોમાં પિચકારી જોવા મળી રહી છે.
તેમજ સાત જાતના અલગ અલગ રંગો બજારોમાં જોવા મળી રહ્યા છે. જેમાં લાલ,પીળો, વાદળી, રાણી, બ્લુ, કેસરી, જાંબલી, સ્કાય બ્લૂ રંગનો સમાવેશ થાય છે. તમામ રંગો 25 થી 80 રૂપિયા સુધીના ભાવમાં મળે છે.
20 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીની પિચકારી
પિચકારીમાં ભગવાન શ્રી કૃષ્ણની પિચકારી, ટેડી બિયરમાં બાળકોની પિચકારી,આઇપીએલની પ્રકારની પિચકારી, બેગ પિચકારી, ડોરેમોન પિચકારી,
બજારોમાં જોવા મળી રહી છે જેમાં 20 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીની કિંમતની પિચકારી જોવા મળી રહી છે.
ભાવમાં વધારો થયો છે: વેપારી
હોલસેલના વેપારી વિકાસભાઈ ભરતીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકો હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા ન હતા.
પરંતુ આ વખતે ડીસાના બજારોમાં અવનવા રંગો તેમજ અવનવી ડિઝાઈનવાળી પિચકારીઓ પણ આવી છે. તેમજ ગત વર્ષ કરતાં આ વખતે ભાવમાં પણ 5થી 7 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ખજૂરનાં 70 રૂપિયા, પતાસાનાં 60 રૂપિયા
હોળીના પર્વ પર બજારોમાં ખજૂર અને ધાણીનું વેચાણ થઈ રહ્યું છે.
ખજૂર 70 રૂપિયા કિલો,પતાસા 60 રૂપિયાના કિલો ભાવે વેચાઈ રહ્યા છે.હોળીના પર્વને લઇ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યાં છે.