આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ડીસા તાલુકાની એક શાળામાં ચાર વર્ષ અગાઉ શાળાના આચાર્ય (School principal) દ્વારા જ 13 વર્ષની વિદ્યાર્થિની શારીરિક છેડતી (Teenager molestation) કરવાના ગુનામાં ડીસાના એડિશનલ સેશન્સ જજે આચાર્યને પાંચ વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. ખુદ શાળાના આચાર્ય દ્વારા જ દીકરી સમાન વિદ્યાર્થિની સાથે બળજબરી કરી નૈતિક અધઃપતનના આ બનાવની ચોમેર ટીકા થઈ હતી. આ કેસમાં આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ચારેક વર્ષ અગાઉ ડીસા તાલુકાની એક શાળામાં આચાર્ય (School principal) તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમારે (Laxmanbhai Hirabhai Parmar) (રહે. કુંભાસણ, તાલુકો. પાલનપુર) શાળાની 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી બીભત્સ વર્તન કર્યું હતું. આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીને અવારનવાર બહાર લઈ જવાનું કહેવામાં આવતું હતું. આ ઉપરાંત તારીખ 14 ઓગસ્ટ, 2017ના રોજ બ્રેક દરમિયાન આચાર્યએ વિદ્યાર્થિનીને એકલા ઓફિસમાં બોલાવી હતી. આ દરમિયાન નરાધમ આચાર્યએ વિદ્યાર્થિનીને પકડીને બળજબરી પૂર્વક ચુંબન કર્યું હતું. વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા આચાર્યએ તેણીને લાફો મારી દીધો હતો અને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.
ડીસા ન્યાય સંકુલ
આ અંગે વિદ્યાર્થિનીએ ઘરે આવી પોતાના માતાપિતાની વાત કરતા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન (Deesa Taluka police station)માં આચાર્ય સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ બાબતે યોગ્ય તપાસ કરતાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા આ ગુનામાં ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ડીસાની બીજા એડિશનલ સેશન્સ જજ બી.જી. દવે (B.G. Dave)ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નીલમબેન વકીલ તરફથી સગીર વયની દીકરીઓ પર થતાં અત્યાચારના કેસમાં આરોપીને વધુને વધુ સજા થાય તેવી ભારપૂર્વક દલીલો કરવામાં આવી હતી.
કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને આરોપી આચાર્ય લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમારને ઈપીકો કલમ 354, 323, 294 ખ અને પોક્સો એક્ટની કલમ 10 અને 12ના ગુનામાં કસુરવાર ઠેરવી આરોપી આચાર્યને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર