કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાવડાસણ ગામના લોકો દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાઇક પર હેલ્મેટ પહેર્યા વગર કોઈ વ્યક્તિ ગામમાં નીકળશે તો તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
થરાદ તાલુકાના પાડાસણ ગામમાં 20 દિવસ અગાઉ શંકરભાઇ નામના યુવકનું અકસ્માતમાં મોત નિપજતાં ગામ લોકો દ્વારા ભેગા મળીને અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. જે સમયે યુવકનું મોત નિપજ્યું હતું તે સમયે યુવકે હેલ્મેટ પહેરેલું નહોતું. આ બનાવ બાદ ગામના લોકો નિયમ બનાવ્યો કે ગામમાં બાઈક પર હેલ્મેટ વગર ફરવું નહીં અને ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. દૂધ મંડળીએ દૂધ ભરાવવા આવતા પશુપાલકો પણ હેલ્મેટ લઈને મંડળી પર આવે છે.
પાવડાસણ ગામની અંદર આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ બનાવવામાં આવ્યો છે. આજે થરાદ પોલીસની હાજરીમાં ગામના યુવાનો દ્વારા ગામમાં હેલ્મેટ પહેરીને બાઈક સાથે રેલી યોજવામાં આવી હતી અને ગામની અંદર સંદેશ આપવામાં આવ્યો હતો કે આજથી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું છે અને જે લોકો ગામમાં હેલ્મેટ પહેર્યા વગર બાઈક પર નીકળશે, તેમને ગામ લોકો દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ 200 રૂપિયાના દંડની રકમ ગૌશાળાની અંદર વાપરવામાં આવશે.
બનાસકાંઠાના પાવડાસણ ગામની અંદર ગામ લોકો દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે તે જ રીતે અન્ય ગામો પણ પાવડાંસણ ગામની જેમ હેલ્મેટ ફરજીયાત કરે તો અકસ્માતમાં લોકો જીવ જઇ રહ્યા છે તે લોકોના જીવ બચી શકે છે.