બનાસકાંઠા: બનાસકાંઠામાં હત્યાની ઘટના સામે આવી છે. ધાનેરા તાલુકાના રવિ ગામે હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીને બોથડ પદાર્થ ઝિંકી હત્યા (Husband kills wife) કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પત્નીની હત્યાનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. પતિના મૃતદેહને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લવાશે. જ્યારે પત્નીના મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડાયો છે.
બોટાદમાં જૂની અદાવતમાં યુવકની ગળું કાપી હત્યા
બોટાદમાં હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટાદના ઠાકણિયા ગામમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા કરાયેલા હુમલામાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે. જૂની અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. જ્યારે બોટાદ પોલીસે હત્યા કેસમાં તપાસ શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લાના ભૂલાવડી ગામ પાસે ઝાણું ગામની સીમમાં લાકડા લેવા ગયેલા દેરાણી-જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જોકે, ક્યાં કારણોસર અને કોણે આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.