બનાસકાંઠા: ઉત્તરાયણ પર અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે બનાસકાંઠામાં પણ દોરીને લીધે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં કાતિલ દોરીથી એકનું ગળું કપાયું છે. અમીરગઢના ધનપુરા પાસે એક વ્યક્તિનું ગળુ કપાયુ છે. આ વ્યક્તિ પતંગની દોરી ગળામાં ઘસાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
ગળામાં દોરી આવી જતાં ઇજાગ્રસ્ત
અમીરગઢમાં પતંગની દોરીથી વ્યક્તિ ઘવાયો હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢના ધનપુરાની સીમમાં પતંગની દોરી વાગતા આધેડનું ગળું કપાયું છે. અમરાભાઇ નામનો વ્યક્તિ ધનપુરાની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પતંગની દોરી વાગી હતી. આધેડ પતંગ દોરીને કારણે ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. તેમને 108 દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
નોંધનીય છે કે, સુરતમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર સામે અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં 5માં માળેથી પટકાતા બાળકનું મોત નિપજ્યું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં બાળક નીચે પટકાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
5માં માળેથી પટકાતા બાળકનું મોત
મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના વાંકાનેડા ગામના શિવ શક્તિ કોમ્પ્લેક્ષની છે. જ્યાં પાંચમા માળા પરથી બાળક પટકાયો હતો. તે એક ધાબા પરથી બીજા ધાબા પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે સમયે જ બાળક નીચે પટકાયો હતો. પતંગ ચગાવવા એક ધાબેથી બીજા ધાબે જતી વખતે 5માં માળેથી પટકાતા 12 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે.