બનાસકાંઠાઃ ધાનેરા પાસેથી સ્કોર્પિયોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાવાના અહેવાલ મળ્યા છે. પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો સહિત રૂ.2.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમ જ સ્કોર્પિયોના ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વધુ વિગત મુજબ, બાતમીને આધારે, પોલીસે ધાનેરા પાસેથી પસાર થઈ રહેલી સ્કોર્પિયોને અટકાવી તપાસ કરી હતી. પોલીસ-તપાસમાં ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્કોર્પિયો સાથે વિદેશી દારૂના જથ્થો જપ્ત કરી લીધો છે. ધાનેરા પોલીસે સ્કોર્પિયોચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ વધુ તપાસ કરી રહી છે. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ અહીં લગભગ રોજ બહારથી ક્યારેક મિનરલ વોટરની આડમાં તો ક્યારેક દૂધના ટેન્કરમાં તો ક્યારેક આર્મીનાં સાધન-સામગ્રીની આડમાં તો ક્યારેક લસણની ગૂણીઓની આડમાં તો ક્યારેક ગેસ-ટેન્કરની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. હજી ગઈ કાલે અમદાવાદના બગોદરા ટોલબૂથ પાસેથી ભારત ગેસના ટેન્કરમાંથી રૂ.20 લાખનો દારૂ પકડાયો હતો. છેલ્લા 10-12 દિવસમાં ગુજરાતમાં રૂ.1.25થી વધુનો દારૂ પકડાયો છે.
જ્યારે દારૂસંબંધી કાયદાનો કડક રીતે અમલ કરવામાં આવશે ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું બંધ થઈ જશે. નહિતર આમ જ બેરોકટોક અને કોઈ પણ ડર વગર ગુજરાતમાં દારૂ આવતો રહેશે. ગુજરાતમાં આમ તો સૌથી વધુ દારૂ બનાસકાંઠામાં ઝડપાય છે અને પોલીસોની પણ આ જગ્યા માનીતી હોવાનું જાણવા મળે છે.