Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. તેમાં ચૌધરી સમાજના આગેવાન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાજપને આડેહાથ લીધી હતી.
કિશોર તુંવર, બનાસકાંઠાઃ જિલ્લાના પેછડાલ ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં મોટી સંખ્યામાં બાઇકસવારો ‘જય અર્બુદા’ના નારા સાથે જોડાયા હતા.
વિશાળ બાઇક રેલીનું પણ આયોજન
ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં બનાસકાંઠા સહિત 4 જિલ્લાના ચૌધરી સમાજના આગેવાન સહિત મહિલાઓ હાજર રહી હતી. ચૌધરી સમાજના આગેવાન વિપુલભાઈ ચૌધરીની ઝડપથી મુક્ત થાય તેવી લાગણી સાથે મળેલા મહાસંમેલન પહેલા સમાજની એકતા દર્શાવવા માટે વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. પમરું ગામેથી નીકળેલી રેલીમાં યુવાનોએ 'વિપુલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ'ના નારા લગાવ્યા હતા. સભાસ્થળે આવેલી બાઈક રેલીમાં સન્માનપૂર્વક સમાજનું પ્રતિક પાઘડીને સંત અને આગેવાનો સ્ટેજ પર લાવ્યા હતાં. પાઘડીનો પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરાયું અને દીપ પ્રાગટ્ય કરી મહાસંમેલન શરૂ થયું હતું.
અર્બુદા સેનાનો એકતા રથ અત્યારે સમાજને સંગઠિત કરવા 1253 ગામોમાં ફરી રહ્યો છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લાના પ્રમુખ મોગજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિપુલભાઈ પર રાજકીય કિન્નાખોરી રાખીને ચૂંટણી સમય જે ધરપકડ કરવામાં આવી છે તે વાજબી નથી. આવા ખોટા નિર્ણય કરી ચૌધરી સમાજને અપમાનિત કરવાની ખરાબ પ્રવૃત્તિ કરનારને સમાજ ક્યારેય માફ નહીં કરે. જો અમારી દિવાળી બગડશે તો અમે તેમની દિવાળી બગાડીશું. વિપુલ ચૌધરીના સમર્થનમાં 30 તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે.’
અર્બુદા સેનાના મહાસંમેલનમાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપના દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, આપના ડીસા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ ચૌધરી સહિત અર્બુદા સેનાના આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. ભાજપની ગોરવયાત્રા પર પ્રહારો કર્યા હતા. અર્બુદા સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સરદાર પટેલે ચીમકી ઉચારી હતી કે, વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અમે ભાજપના રાજકીય કાર્યક્રમોનો વિરોધ કરીશું.
45 દિવસ પછી બધા જેલમાં હશેઃ રમેશ પટેલ
અર્બુદા સેનાના મંચ પરથી આપના ઉમેદવાર રમેશભાઈ પટેલે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમને જણાવ્યુ હતુ કે, ભાજપ પાસે 45 દિવસ બચ્યા છે પછી બધા જેલમાં જશે. અર્બુદા સેના બનાસકાંઠાની પાંચ સીટો પર અસર કરી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ભાજપ પાસે નવમાંથી માત્ર બે જ સીટ છે અને પાંચ સીટ કોંગ્રેસ પાસે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અર્બુદા સેના ભાજપ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે.