ન્યૂઝ18ગુજરાતીઃ યાત્રાધામ અંબાજી નજીકના ત્રીશુળીયા ઘાટ ઉપર તાજેતરમાં એક જીપ પલટી ખાઇ ગઇ હતી. જેમાં નવ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જોકે તમામ મૃતકોના પરિવારજનોને વળતર મળી રહે તે માટે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગુજરાત સરકાર સામે સતત લડત આપી હતી.
અને અંતે તેમની જીત થઇ હતી. આખરે ત્રીશુળીયા ઘાટ અકસ્માતમાં મોતને ભેટેલા તમામ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા વળતર ચુકવામાં આવ્યું છે. આ અંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરીને માહિતી આપી હતી.
જીજ્ઞેશ મેવાણીના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ પ્રમાણે '' આખરે વડગામમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ પીડિતોને 2 લાખનું વળતર ચૂકવાયું. જ્યાં સુધી સહાય ન ચૂકવાય ત્યાં સુધી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું સતત ચાલુ હતું. સતત 9 દિવસ સુધી અવેદનપત્રો અને રૂબરૂ મુલાકાતોનો મુખ્યમંત્રી ઓફિસમાં મારો ચલાવ્યે રાખ્યો, જેના પરિણામે આજે તંત્ર એ ઝૂકવું પડ્યું. અંતે, તમામ લોકોને સહાય ચૂકવાઈ.. થોડાં આંસુ, થોડાં ફૂલ, ક્યારેક નિષ્ફળતા તો કયારેક સફળતા એનું નામ જિંદગી છે. ''
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વડગામ તાલુકાના ભલગામના નબીભાઇ સલુભાઇ સિપાઇના પરિવારનો ઇદના તહેવાર નિમિત્તે ગામના કુનાભાઇ બાબાભાઇ રાવળના પીકઅપ ડાલામાં અંતરશાહ દરગાહે ગયા હતા. ત્યંથી તેઓ અંબાજી દર્શનાર્થે ગયા હતા. અને સમી સાંજના સુમારે પરત આવતી વખતે દેવળિયા વાળી વાવથી આવતા હતા. ત્યારે મુનાફભાઇ બિસ્મીલ્લાભાઇ મનસુરીનં બાઇક બગડી ગયેલું હોવાથી જીપ ડાલામાં જગ્યા ન હોવા છતાં બાઇક મૂકાવી દઇ અને જીપડાલું મુનાફભાઇ મન્સુરી ચલાવવા આપ્યું હતું.
ત્યારે મુનાફભાઇ ત્રિશુળિયા ઘાટ પાસેથી ઉતરતી વખતે વળાંકમાં ગાડી પૂરઝડપે ગફલતભરી રીતે હંકારતા જીપ પલટી ગઇ હતી. આમ અકસ્માત સર્જાતા નવ વ્યક્તિઓના મોત થયા હતા. આ મામલે નબીબભાઇ સિપાઇએ અકસ્માત સર્જી ગુનો કર્યા અંગેની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. આ ઘટનામાં વાહન વ્યવહાર કમિશ્નર સોનલ મિશ્રાએ બનાસકાંટા આર.ટી.ઓ ડી.એસ.પટેલને સસ્પેન્ડ કર્યા હતા.