આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા ગામમાં કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકરે અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અલ્પેશ ઠાકોર જાહેર સભાને સંબોધી રહ્યા હતા. ત્યારે અચાનક વધારે ગતિથી પવન ફૂંકાવા લાગ્યો હતો. અલ્પેશ ઠાકોર ભાષણ કરતા હતા તે સમયે સભા માટે બંધાયેલો મંડપ ઉડતા અફડાતફડી મચી હતી. આ પ્રસંગે જ અલ્પેશ ઠાકોર કહ્યું કે, આ ઠાકોર સેનાની આંધી છે.
આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારી લડાઇ ભાજપ કોંગ્રેસ બંને પક્ષો સામે છે. ઠાકોર સેનાનો ઉમેદવાર પ્રચંડ બહુમતી મેળવશે. અલ્પેશ ઠાકોરે અપક્ષના ઉમેદવાર એવા સ્વરૂપજી ઠાકોરને ભારે મત આપીને જીતાડવા પણ અપીલ કરી હતી. સાથે સાથે તેણે એ પણ કહ્યું હતું કે, 23મી એપ્રિલે ઠાકોર સેનાના તમામ લોકો સમાજના તમામ લોકો ભારે મત આપે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ પહેલીવાર અલ્પેશ ઠાકોર જાહેરસભા સંબોધી હતી. તેઓ આજે ગુરુવારે સવારે દિયોદરના કોતરવાડા ગામમાં અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનું ઉત્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. અને જ્યા તેમણે અપક્ષ ઉમેદવારને જીતાડવાની સમાજના લોકોને અપિલ પણ કરી હતી.