ગુજરાત એંટી કરપ્શન બ્યરો (ACB) બનાસકાંઠા (Banaskantha)માં એક મોટી ટ્રેપ ગોઠવી 2 લોકોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી રૂપિયા 16 લાખની લાંચ (Bribe) લેતા રંગે હાથ પકડાઈ ગયા છે અને જે મામલે બન્ને સામે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા, આચાર્ય જેઓ સર ભવાનીસિંહ વિદ્યાલય (દાંતા જીલ્લો-બનાસકાંઠા) વર્ગ-2 અને નરેશકુમાર કચરાલાલ જોષી પટાવાળા, (ફરજ મોકૂફ), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરના આજ રોજ પકડી પાડવામા આવ્યા છે.
આ બંન્ને આરોપીઓ રૂપિયા 16 લાખની માંગણી કરી હતી અને રૂપિયા 16 લાખ સ્વીકારી પણ લીધા હતા. મહત્વ ની વાત તો એ છે કે આ લાંચની રકમ સરકીટ હાઉસ પાલનપુરમાં લેવામાં આવી હતી. વિગત વાર વાત કરીએ તો આ કામના ફરીયાદીના દીકરાને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના આરોપી નંબર એક શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા એ ફરીયાદી પાસે રૂપિયા 16,00,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હતા, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
જોકે ફરીયાદીની ફરીયાદના આધારે આજે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના બંને આરોપી સાથે રાખી બન્ને એ રૂપિયા 16,00,000/- ની લાંચની રકમ સ્વીકારી લીધી હતી. પરંતુ બંને આરોપીઓ આ લાંચની રકમ લઇ ક્યાંય છટકવાનો પ્રાયસ કરે તે પહેલા જ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
ACB પાસેથી મળતી માહિતી પ્રમાણે બંન્ને આરોપીઓના ઘરે અને અલગ-અલગ જગ્યા પણ દરોડા પાડવામા આવી રહ્યા છે. આ લોકો પાસે અન્ય કોઈ માહિતી પણ સામે આવી શકે છે. મહત્વનું છે કે આવા કેસોમાં CB આરોપીઓના બેંકની માહિતીની સાથોસાથ અન્ય જગ્યા પણ તપાસ કરતી હોય છે કે આ લોકો આ સિવાય લાંચના રૂપિયાથી અન્ય કોઈ મિલકત વસાવી છે કે કેમ?