આણંદમાં ગત અઠવાડિયે પડેલા કમોસમી વરસાદના કારણે ઇંટના ભઠ્ઠામાં રાખેલી કાચી ઈંટને ભારે નુકસાન થયું છે. ઉમરેઠ અને આણંદ તાલુકામાં આવેલા 20 ભઠ્ઠામાં 8 લાખથી વધુનું નુકસાન થયું છે.
Salim chauhan, Anand: આણંદ જિલ્લાના ઉમરેઠ અને આણંદ તાલુકાના ગામમાં ગત બુધવારે થયેલા માવઠા પગલે ખેતી સહિત ઇંટોના ભઠ્ઠાને ભારે નુકસાન થયું છે.જિલ્લામાં 130 થી વધુ ઇંટોના ભઠ્ઠા આવેલા છે. શિયાળાની સિઝનમાં ઇંટો પાડવાનું કામ ચાલતુ હોય છે.કાચી ઇંટો તૈયાર કરીને સુકવીને પકવવા માટે મુકવામાં આવે છે.
આણંદ તાલુકાના ગામડામાં મોટાભાગના ભઠ્ઠા પર કાચી ઇંટો તૈયાર કરીને સુકાવવા માટે મુકી હતી. ત્યારે બુધવાર સવારે ઉમરેઠ, આણંદ તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં માવઠું થયું હતું. તેમજ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડયો હતો.તેના કારણે આણંદ તાલુકાના 10, ઉમરેઠના 6 અને અન્ય તાલુકામાં 4 મળીને કુલ 20 ભઠ્ઠાની કાચી ઇંટો વરસાદમાં ધોવાઇ જતાં અંદાજે 8 લાખ નુકસાન થયું છે.
50 હજારથી 1.50 લાખ ઈંટ બને
આણંદ જિલ્લાના મોટાભાગના ઇંટો ભઠ્ઠા પર હાલમાં કાચી ઇંટો પાડવાનું કામ પુર જોષમાં ચાલી રહ્યું છે. યુપી,બિહારથી મજૂરો લાવીને કાચી ઇંટો બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
મોટાભાગના ભઠ્ઠા પર 50 હજાર થી લઇને દોઢ લાખ જેટલી કાચી ઇંટો હાલમાં તૈયાર કરીને સુકવા માટે મુકી હતી.બુધવાર સવારે પડેલા માવઠાના પગલે કાચી ઇંટો પર વરસાદ પડતાં ધોવાઇ ગઇ હતી. આણંદ,ઉમરેઠ અને અન્ય તાલુકામાં 20 જેટલા ભઠ્ઠામાં 8 લાખથી વધુ કાચી ઇંટો ધોવાઇ ગઇ હતી.
1.30 લાખનું નુકસાન થયું
રાસનોલગામની સીમમાં આવેલા ઇંટો ભઠ્ઠો આવેલા છે. જયાં છેલ્લા કેટલાય દિવસથી કાચી ઇંટો બનાવવાનું કામ ચાલતું હતું. 50 હજાર જેટલી કાચી ઇંટો તૈયાર કરીને સુકવવા માટે મુકી હતી. ગત બુધવારે પડેલા વરસાદના કારણે ઇંટો પર માટી ધોવાઇને પીગળી ગઇ હતી. જેના કારણે અંદાજે 1.30 લાખનું નુકસાન થયું છે. - બાબુભાઇ પરમાર, ઇંટોના વેપારી,
રાસનોલમાં 8 જેટલા ઈંટના ભઠ્ઠા
રાસનોલ બાબુભાઈ પરમારે જણાવ્યું હતું કે,રાસનોલ ગામે 8 જેટલા ભઠ્ઠામાં કાચી ઈંટો બનવાનું કામ ચાલતું હતું અચાનક વરસાદ પડતાં આ બધી જગ્યા પર કાચી ઈંટો પાણીમાં ધોવાઈ ગઈ અને સૌથી વધુ બાબુભાઈ પરમારની ઈંટોને નુકસાન થયું છે.