રાસાયણિક ખેતી કરતા ખેડૂત માટે અનિલભાઈ બન્યા પ્રેરણા સમાન
આણંદ જિલ્લાના જાખલા ગામના વતની અનિલભાઈ પટેલે યુરોપમાં નોકરી છોડી પ્રાકૃતિક ખેતી માટે પોતાના વતન પરત ફર્યા. યુરોપના મોલમાં વસ્તુની ખરીદી કરતા ઓર્ગેનિક પ્રોડક્ટ જોઈને ખેતી કરવાનો વિચાર આવ્યો. આજે પોતાની પાંચ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતને પણ પ્રેરણા આપી રહ્યા છે.
Salim Chauhan, Anand: મૂળ આણંદ જિલ્લાના જાખલા ગામના વતની અનિલભાઈ પટેલે યુરોપની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પોતાના વતન પરત ફર્યા હતા. વતન પરત ફર્યા પછી પિતાની પાંચ વીઘા જમીનમાં અનિલ પટેલે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી.
આજે તેઓ પોતાની પાંચ વીઘા જમીનમાં ઘઉં,બાજરી, શાકભાજી જેવા પાકની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.સાથે સાથે અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે.આણંદ જિલ્લાના જાખલા ગામના ખેડૂત અનિલભાઈ નટવરભાઈ પટેલ વર્ષ 2009માં વિદેશમાં કમાવા ગયા હતા.
અનિલભાઈ યુરોપનાં પ્રયાગ સિટીમાં નોકરી કરી જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા. જ્યારે તેઓ ઘર માટે સામાન ખરીદવા મોલમાં જતા હતા તે દરમિયાન ઘણી બધી ઓર્ગેનિક વસ્તુ નજરે પડી હતી.
જેના ભાવ જોતા તે સામાન્ય વસ્તુઓ કરતા ઉંચા હતા.જેથી તેઓના મનમાં ઓર્ગેનિક પ્રોટક્ટને લઈ સર્ચ કરી માહિતી મેળવી હતી. અને વિદેશથી પરત ફરવાનું નક્કી કરી વતનમાં આવી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની શરૂઆત કરી હતી.
પ્રાકૃતિક ખેતી વિશે વિવિધ માહિતી આણંદ કૃષિ યુનિવર્સિટી અને ખેડૂત મિત્રોની મદદ મેળવી પોતાના ખેતરમાં ગાય આધારિત ઘઉંની ખેતી કરી .
જેમાં ગાય આધારિત જીવા અમૃત, પોટાશ, બ્રહ્માસ્ત્ર છાણીયું ખાતર બનાવી ખેતીમાં ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવ્યું.
આજે પિતાના પાંચ વીઘા જમીનમાં અનિલ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં ઘઉં, બાજરી, શાકભાજી જેવા પાકની ખેતી કરી સારું ઉત્પાદન લઈને આવક પણ મેળવી રહ્યા છે, તેમજ તેઓએ કરેલી ખેતીનો પાક ઘરે બેઠા વેચાઈ જાય છે. ખેડૂત અનિલભાઈ પ્રાકૃતિક ખેતી અંગે અન્ય ખેડૂતોને પણ માહિતગાર કરે છે.