Home /News /anand /Anand: 10 વર્ષ અગાઉ RO પ્લાન્ટ બન્યો, 900 રૂપિયા વેરો ભરવા છતાં શુદ્ધ પાણી ન મળ્યું
Anand: 10 વર્ષ અગાઉ RO પ્લાન્ટ બન્યો, 900 રૂપિયા વેરો ભરવા છતાં શુદ્ધ પાણી ન મળ્યું
નગર નિગમની મોટી બેદરકારી
તંત્રની ઘોરબેદરકારીના કારણે સોજીત્રાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. 10 વર્ષ પહેલા આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો અને કરોડોના ખર્ચે પાણીની લાઈન નાખી હતી.પરંતુ આજદિન સુધી શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી અને 900 રૂપિયા વેરો વસુલવામાં આવે છે.
Salim Chauhan, Anand: સોજીત્રા ગામની જનતાને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે 10 વર્ષ અગાઉ આરઓ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવી હતી. તંત્રે તકેદારી ન રાખતાં પાઇપ લાઇનનું લેવલ ન જળવાતા આજદિન સુધી ગામમાં શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી.
20 હજાર નળ કનેક્શન, 900 રૂપિયા પાણી વેરો
સોજિત્રામાં 10 વર્ષથી આરઓ પ્લાન્ટ ધૂળ ખાતી હાલતમાં છે અને 900 રૂપિયા વેરો વસુલવા છતાં શુદ્ધ પાણી મળતું નથી. શુદ્ધ પાણી માટે નાંખવામાં આવેલી પાઇપ લાઇનોનું લેવલ જળવાયું નથી. તેમજ બીજી પાણીની ટાંકી બનાવી હતી,તે પણ ધૂળખાઇ રહી છે. તેમ છતાં પાલિકા તંત્ર સામાન્ય પાણી વેરો 600 અને ખાસ પાણીવેરો 300 રૂપિયા મળી 900 રૂપિયા વસુલવામાં આવે છે. 20 હજારથી વધુ કનેક્શન ધારકોને હજુ નળમાં શુધ્ધ પીવાનું પાણી જોવા મળ્યું નથી. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેનાલમાંથી પાણી લઇને તેનું શુધ્ધીકરણનું આયોજન
સોજીત્રા ગામે 10 વર્ષ અગાઉ ભાજપના શાસનમાં ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરી હતી. જે તે સમયે કેનાલમાંથી પાણી લઇને તેનું શુધ્ધીકરણ કરીને ગામના 20 હજાર કનેક્શન ધારકોને શુધ્ધ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની બહાર મુખ્યરોડ કેનાલ નજીક પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. તેમજ ગામમાં દરેક વિસ્તારમાં નવી પાણીની પાઇપ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી હતી.
નિરાકરણની જગ્યાએ પ્રોજેક્ટ બંધ કરી દીધો
તંત્રએ નિરાકરણ લાવવાની જગ્યાએ આખો પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. ત્યારબાદ પાલિકામાં કોંગ્રેસ શાસન આવ્યું હતું. તેઓએ પણ આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે કોઇ જ પગલાં લીધા ન હતા. હાલમાં ભાજપનું શાસન છે. પરંતુ ધૂળ ખાતા પ્રોજેક્ટ પુન: શરૂ કરવામાં આવતો નથી. જેથી ગ્રામજનોને ખારૂ પાણી પીવું પડે છે. લોકો હાંડકાના રોગનો ભોગ બને છે.
શુધ્ધ પાણીના નામે પાલિકા 300 રૂપિયાનો અલગ વેરો વસુલે :સ્થાનિક
સોજીત્રા નગરપાલિકા દ્વારા શુદ્ધ પાણી નગરજનોને આપવા માટે અલગ વેરો વસુલવામાં આવે છે. જેમાં સામાન્ય પાણી વેરો 600 રૂપિયા અને સ્પેશીયલ પાણી વેરો 300 રૂપિયા મળી કુલ 900 રૂપિયા વસુલવામાં આવે છે. આજદિન સુધી ગ્રામજનોએ શુદ્ધ પાણીનું ટીપું જોયુ નથી. આ અંગે પાલિકામાં રજૂઆત કરીને થાકી ગયા પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી.- રીતેષ આર. પરમાર, સ્થાનિક રહીશ.
તંત્રની બિન આવડતથી ગ્રામજનો શુદ્ધ પાણીથી વંચિત: સ્થાનિક
સોજીત્રામાં 2010ની આસપાસ પાલિકા દ્વારા શુદ્ધ પાણી પુરૂ પાડવા માટે ગામના દરેક વિસ્તારમાં પાઇપ લાઇન નાંખવામાં આવી હતી. પરંતુ લેવલના અભાવે પાણી છોડતાં જ લીકેઝ થઇ જતી હતી. જેથી પાલિકાએ કામ પડતું મુક્યું હતું. જેના કારણે આરઓ પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે. તેમજ નવી બનાવેલી પાણીની ટાંકી બંધ હાલતમાં છે. જેથી વર્ષો જૂની ટાંકીમાંથી પાણી આપવામાં આવે છે.- એચ.આર .વ્હોરા, સ્થાનિક રહીશ.