રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પડઘમ (Gujarat Assembly election 2022) વાગી રહ્યા છે. ચૂંટણી આયોગે હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી નથી. આ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પક્ષનો પરચમ લહેરાવવા માટે તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો પોતપોતાની તૈયારી કરી રહ્યાં છે, સાથે સાથે ચૂંટણી કમિશને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાજકીય પાર્ટીઓના નેતાઓના ગુજરાતમાં રાઉન્ડ શરૂ થયા છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં શામેલ છે, જેને લઈને ભાજપને થોડા ઘણા અંશે નુકસાન જવાની સંભાવના છે. આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે. આજે અમે તમને ઉમરેઠ વિધાનસભા બેઠક (Umreth assembly seat) વિશેજણાવવા જઈ રહ્યા છીએ.
ઉમરેઠ આણંદ જિલ્લાનો તાલુકો છે અને તે રાજ્યના ચરોત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો છે. સાડીઓની દુકાનોથી પ્રચલિત ઉમરેઠને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મમરા અને પૌઆની બહોળી માત્રામાં ફેક્ટરીઓ આવેલી છે. ઉમરેઠમાં મૂળેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે. ઉપરાંત વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે તથા સંતરામ મંદિર, ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે.
ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બોરસદ વિધાનસભા બેઠક 111માં ક્રમાંકે છે. ઉમરેઠ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર કપિલાબેન ચાવડાને જંગી બહુમતીથી હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCPએ જીત મેળવી હતી. NCP નેતા જયંત પટેલ બોસ્કીએ ભાજપ ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને હરાવ્યા હતા.
ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારનો મંત્રીમંડળમા સમાવેશ ન કરવાથી તેમનામાં નારાજગી જોવા મળી રહી હતી. જેથી તેમણે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, હવેથી હું ભાજપની કોઇ મીટીંગ કે કાર્યક્રમોમાં હાજર નહીં રહું. સમય આવ્યે પાર્ટી છોડવાનો નિર્ણય લઇશ.
તેમણે જણાવ્યું હતું કે, સંસદસભ્ય કોઇ પણ કામ નહીં લઇને આવવા જણાવે છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં પણ મને જાણી જોઇને હરાવવામાં આવ્યો છે.જિલ્લા સંગઠને મને મંત્રીપદ માટે મદદ ન કરી. તાલુકા-જિલ્લા પંચાયત, ઓડ અને ઉમરેઠ નગરપાલિકામાં પણ ભાજપને સત્તાસ્થાને બેસાડવા ખૂબ મહેનત કરી છે. છતાં પણ કામગીરીની નોંધ લેવામાં આવી નથી, પાર્ટીથી નારાજ છું. 2022માં ટીકીટ અંગે માથાકુટ થવાની હોવાને કારણે સમય આવ્યે પાર્ટી છોડી દઇશ. ભાજપમાં માત્ર જ્ઞાતિવાદ ચાલે છે. જેથી આ પાર્ટીમા કામ કરવુ મુશ્કેલ છે.
અમૂલ ડેરી ચૂંટણી વિવાદ
અગાઉ પણ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પક્ષથી નારાજ હોવાથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગોવિંદભાઈ પરમારે આણંદના કાંતિ સોના સામે હારનો સામનો કરવો પડયો હતો. આ મામલે ગોવિંદભાઈ પરમારે આક્ષેપ મુક્યો હતો કે, આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ દ્વારા જ્ઞાતિવાદ અને જૂથવાદ કરવામાં આવે છે. અમૂલના ઇલેક્શનમાં પણ તેમના દ્વારા પક્ષના વ્યક્તિને સમર્થન આપવામાં આવ્યું ન હતું. તેમના કારણે મારે અમૂલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, જેથી હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપીશ.
સાંસદ મિતેશ પટેલની પ્રતિક્રિયા
સાંસદ મિતેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા બધાને સાથે રાખીને ચાલનારની પાર્ટી છે. જ્ઞાતિવાદ ફેલાવવો તે ભાજપની નીતિ નથી. તેમણે જણાવ્યું હતું કે, પોતે પક્ષને મળેલા છે અને બધી જ્ઞાતિને સાથે રાખી હંમેશા વિકાસને પ્રાધાન્ય આપીને કામ કરે છે.
આણંદ લોકસભા મતવિસ્તાર હેઠળ આણંદ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આણંદ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી ઉમરેઠ અને ખંભાત માત્ર બે જ બેઠકો ભાજપને ફાળે છે.અન્ય છ બેઠકો પર કોંગ્રેસનું શાસન છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપ ઉમેદવાર મિતેષ પટેલે કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જંગી બહુમતીથી હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર દિલીપ પટેલે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના સોલંકી ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા.
ઉમરેઠની સમસ્યા
ઉમરેઠમાં એકાએક પાણીની સમસ્યા સર્જાતા નાગરિકોને પરેશાની થઈ રહી છે. જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉમરેઠ શહેરમાં ટ્રાફિક, રોડ રસ્તાની સમસ્યા પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આ તમામ સમસ્યાને દૂર કરવાની માગ કરી રહ્યા છે. આવનારી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને ઊભા રાખશે. આ ઉમેદવાર સ્થાનિકોના પ્રશ્નોનું નિવારણ લાવી શકશે નહીં, તે અંગે તો આગામી સમયમાં જ જાણી શકાશે.
NCP નેતા જયંતિભાઈ પટેલ બોસ્કીનો કાર્યકાળ
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCP નેતા જયંતિભાઈ પટેલ બોસ્કીએ ભાજપ નેતા ગોવિંદ પરમારને મ્હાત આપી હતી. ઉમરેઠ નગર ઘણા સમયથી તાલુકો બની ગયો છે. તેમ છતાં ત્યાં અનેક સવલતોનો અભાવ જોવા મળી રહ્યો હતો. સમગ્ર ગુજરાતમાં 107 એમ્બ્યુલન્સ વાનની વહેંચણી કરવામાં આવી હતી. ઉમરેઠ પાસે 108 એમ્બ્યુલન્સ વાન નહોતી. જે માટે ઉમરેઠે પણસોરા,ઓડ કે પછી ડાકોર ઉપર નિર્ભર રહેવું પડતું હતું. તે સમયના ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલે નરેન્દ્ર મોદી, નિતિનભાઈ પટેલ અને આનંદીબેન પટેલને લેખિત રજૂઆતો પણ કરી હતી. તેમ છતાં કોઈ સારા પરિણામ મળ્યા ન હતા.
ધારાસભ્ય જયંતિભાઈ બોસ્કીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન આ સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ધારદાર રજૂઆત કરી હતી. ત્યારબાદ ઉમરેઠને એક 108 એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી હતી. તે સમયે ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકોએ ધારાસભ્ય જયંતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.