Home /News /anand /Gujarat election 2022: માતર બેઠક પર છે ભાજપનો દબદબો, જાણો આ બેઠકના સમીકરણ

Gujarat election 2022: માતર બેઠક પર છે ભાજપનો દબદબો, જાણો આ બેઠકના સમીકરણ

આ બેઠક પર કુલ 226,336 મતદારો છે, જેમાં 1,01,352 મહિલા મતદાર અને 1,10,732 પુરૂષ મતદાર છે.

matar assembly constituency : આ બેઠક પર કુલ 226,336 મતદારો છે, જેમાં 1,01,352 મહિલા મતદાર અને 1,10,732 પુરૂષ મતદાર છે. અહીં ક્ષત્રિય સમાજના 39.60 ટકા, મુસ્લિમ સમાજના 14.27 ટકા, પટેલ સમાજના 11.66 ટકા, દલિત સમાજના 5.84 ટકા અને અન્ય જ્ઞાતિના 20.12 ટકા મતદારો છે.

વધુ જુઓ ...
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022) પડઘમ વાગી ગયા છે. ગુજરાતમાં ભાજપનું એકહથ્થું સાશન ચાલ્યું આવે છે, ત્યારે અવનારી ચૂંટણીમાં પણ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવવા ગુજરાત પ્રદેશ ભાજપે પ્રયત્નો ચાલુ કરી દીધા છે. તો આ વખતની ચૂંટણીમાં આપ પોતાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રીને લઈને આશાવાદી છે. એવામાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકવવા જોર લગાવે એ સ્વાભાવિક છે. દરેક પક્ષ માટે મહત્વની એવી મધ્યગુજરાતની બેઠક છે માતર વિધાનસભા બેઠક (matar assembly constituency).

માતર બેઠકના ગામડાઓ

માતર ખેડા જિલ્લાની ગુજરાતના 182 વિધાનસભા બેઠકોમાંની મધ્યગુજરાતની એક મહત્વની બેઠક છે. આ બેઠકમાં ત્રણ જિલ્લાના પ્રદેશોનો સમાવેશ થાય છે, જેમાં માતર તાલુકાના લીંબાસી, સંધાણા, અલીન્દ્રા, અંત્રોલી, અસમલી, અસલાલી, રતનપુર, ઉંધેલા, વસલ ગામો જયારે ખેડા જિલ્લા વિભાગના ગામો – નાયકા, ભેરાઈ, ધાથલ, વડાલા, હરિયાળા, ખુમરવડ, વાવડી, ડમરી, ગોવિંદપુરા, શેત્રા, રસિકપુરા, વરસંગ, રાધુ, ચાંદના, વાસણા બુજર્ગ, શંધણા, પીજ, ભેરાઈ, બિડજ, ચાંદના તેમજ નડિયાદ તાલુકા (ભાગ)ના ગામ દેગામ, ઝારોલ, દંતાલી, ડભાણ, દાવડા, બમરોલી, પલાણા, વસો, રામપુરા, પીજ, મિત્રાલ, ગંગાપુર, નવાગામ (હથજ), થલેડી, કલોલીનો સમાવેશ થાય છે.

માતર બેઠકના મતદાતા

આ બેઠક પર કુલ 226,336 મતદારો છે, જેમાં 1,01,352 મહિલા મતદાર અને 1,10,732 પુરૂષ મતદાર છે. અહીં ક્ષત્રિય સમાજના 39.60 ટકા, મુસ્લિમ સમાજના 14.27 ટકા, પટેલ સમાજના 11.66 ટકા, દલિત સમાજના 5.84 ટકા અને અન્ય જ્ઞાતિના 20.12 ટકા મતદારો છે.

માતર વિધાનસભાની બેઠક પર વર્ષ 2002થી ભાજપનો કબજો

માતર વિધાનસભાની બેઠક પર વર્ષ 2002થી ભાજપનો કબજો છે. રાકેશ રાવ ચૂંટાયા બાદ 2007 અને 2012માં દેવુસિંહ ચૌહાણે આ બેઠક જાળવી રાખી હતી. ત્યારબાદ 2014માં થયેલી પેટાચૂંટણીમાં અને ત્યારબાદ 2017માં કેસરીસિંહ સોલંકીએ આ બેઠક પર ભાજપના કમળને ખીલાવ્યું હતું. સામા પક્ષે કોંગ્રેસે વર્ષ 2002માં ચાવડા ધીરૂભાઈ, 2007માં નરહરિ અમીન, 2012માં સંજય પટેલ અને 2014માં કાળીદાસ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. છેવટે 2017માં સંજય પટેલ કેસરીસિંહથી 2406 મતથી હાર્યા હતા. હવે 2022ની ચૂંટણી માટે કોંગ્રેસ કયા ઉમદેવારને આ બેઠક પરથી ટિકિટ ફાળવાશે એ ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો - Gujarat election: પેટલાદ વિધાનસભા બેઠક: શું ભાજપ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકશે?


માતર બેઠક પર બે દશકા ભાજપનું પ્રબળ પ્રભુત્વ રહ્યું છે. ભાજપને માતર બેઠક પરથી ખુબ મોટા નેતાઓ મળ્યા છે, જેમાં એક નામ છે રાકેશ રાવ. જે 2002માં પેહલી વાર ભાજપ તરફથી માતર બેઠક કુલ 10 હજાર મતથી જીત્યા હતા. જોકે તેમને 2007 અને 2012માં ટિકીટ ન મળતા તેઓ કેશુભાઈ સાથે GPPમાં પણ જોડાયા હતા.પરંતુ વકીલ રાકેશ રાવને વિજય રૂપાણી સરકાર દરમ્યાન ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનમાં નાયબ નિયામકની જવાબદારી મળી છે.

માતર બેઠકના સૌથી માનીતા નેતા એટલે દેવુસિંહ ચૌહાણ, જે 2007 અને 2012ની ચૂંટણીઓમાં વિજયી થઈને બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યાં બાદ 2014થી તેઓ સંસંદસભ્ય છે. તેઓ ખેડા (લોકસભા મતવિસ્તાર) ગુજરાતથી 17મી લોકસભાના સંસદસભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 2014ની ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી અને 16મી લોકસભામાં સંસદ સભ્યબન્યા હતા. હાલમાં તેઓ કમ્યુનિકેશન મંત્રાલયના રાજ્યમંત્રી છે.

માતર બેઠકના વિવાદ

માત્ર કોંગ્રેસ જ નહીં પણ ભાજપ પણ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકીટ ફાળવશે તે કેહવું મુશ્કેલ છે, કારણ કે હાલના મંત્રી કેસરીસિંહ સોલંકી સાથે જોડાયેલા વિવાદોને ભાજપ નજરઅંદાજ કરી શકશે કે કેમ એ સવાલ ઉભો થયો છે. કેસરીસિંહ સાથે જોડાયેલા વિવાદોની વાત કરીએ તો 2021માં હાલોલમાં દારૂ-જુગારની મહેફિલ મામલે દોષિત જાહેર થયા બાદ કોર્ટે તેઓને બે વર્ષની સજા ફટકારી હતી. કોરોનાકાળ દરમિયાન પણ કેસરીસિંહ જિલ્લા પોલીસ વડા સાથે વિવાદમાં અને માસ્કના દંડ બાબતે ડીએસપીને સીધી ધમકી આપતો કેસરીસિંહનો વિડિયો વાયરલ થતા તેમની સાથે પક્ષની પ્રતિષ્ઠા પણ ખરડાઈ હતી.

વર્ષ 2015માં કેસરીસિંહ સોલંકીએ જિલ્લાના ડીવાયએસપી સાથે ગુનેગારોને છોડાવવા માટે મોટો ઝઘડો કર્યો હતો. વળી થોડા સમય પહેલાં કેસરીસિંહ સોલંકી પોતે ભાજપથી નિરાશ હોઈને રાજીનામુ આપશે એવી વાતો વેહતી થઇ હતી. જોકે કેસરી સિંહ પર ભ્રષ્ટાચાર અને ગેરકામોના પણ આરોપો થયા છે. એ પછી ખેડા જિલ્લામાં ચાલતું માટી ખનન હોય કે પછી રોડ રસ્તાના બજેટ મંજુર કરાવી રોડ નહીં બનાવાના જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ વિવાદોના પગલે બે વર્ષથી ભાજપ તરફથી માતરના ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ સોલંકીના રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

ગુજરાતમાં આવનારી ચૂંટણીઓ માં એક ત્રીજા પક્ષ તરીકે પોતાની ઓળખણ ઉભી કરવા માટે ‘આપ’ પણ ખુબ જોર લગાવી રહ્યું છે. માતર બેઠક પર માતર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં માતર તાલુકાની ભલાડા સીટ પર આમ આદમી પાર્ટીને વિજય પણ મળી ચુક્યો છે.

આ પણ વાંચો- ઉમરેઠ વિધાનસભા પર ભાજપ ધારાસભ્ય પક્ષથી નારાજ તો કોંગ્રેસે કરી તડામાર તૈયારી, જામશે ખરાખરીનો જંગ


માતર બેઠક પર ક્ષત્રિય મતોનું પ્રભુત્વ

માતર બેઠક પર ક્ષત્રિય મતોનું પ્રભુત્વ હોવાનું મનાય છે. 2022ની ચૂંટણી માટે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ મળી શકે તેવો મત રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે. જોકે તાજેતરમાં જ આ વર્ષના અંતમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આજે મધ્યઝોનમાં પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માતરમાં મુકેશ શુક્લની વરણી થઇ છે.

હવે 2022ની ચૂંટણીમાં માતર બેઠક પરથી કોંગ્રેસ, ભાજપ અને આપ પોતપોતાના કયા ઉમેદવારને ટિકીટ ફાળવશે એ જોવું રસપ્રદ રહેશે. ભાજપ માટે અહીં બે ટર્મથી જીતેલા ક્ષત્રિય ઉમેદવારને રિપીટ કરવા કે પટેલ ઉમેદવાર ને અજમાવવો એ પડકાર રહેશે.
વર્ષઉમેદવારનું નામપક્ષ
2017કેસરીસિંહ જેસંગભાઈ સોલંકીભાજપ
2014 (By Poll)કેસરીસિંહ જેસંગભાઈ સોલંકીભાજપ
2012દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણભાજપ
2007દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણભાજપ
2002રાકેશ રાવ એડવોકેટભાજપ
1998ચાવડા ધીરુભાઈ અમરસિંહકોંગ્રેસ
1995મુલરાજસિંહ માધવસિંહ પરમારકોંગ્રેસ
1990ધીરુભાઈ અમરસિંહ ચાવડાજનતા દળ
1985પરમાર મુલરાજસિંહ માધવસિંહકોંગ્રેસ
1980પટેલ પરશોત્તમભાઈ ચતુરભાઈકોંગ્રેસ
1975પટેલ ગોરધનભાઈ શંભુભાઈકોંગ્રેસ
1972ગંગાબેન એ. વાઘેલાકોંગ્રેસ
1967ગંગાબેન એ. વાઘેલાકોંગ્રેસ
1962જમીનદાર ફઝલેઅબ્બાસ તૈયબલીકોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | પેટલાદ|
First published:

Tags: Gujarat Assembly Elections 2022