આણંદ બેઠક પર 1990 સુધી કોંગ્રેસ જીતી રહી હતી. પરંતુ 1994ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર જંગી સરસાઈથી જીત મેળવી હતી
Anand assembly constituency : આ બેઠક પર 2017માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા યોગેશ પટેલને ટિકિટ આપી હતી. જેના કારણે સંગઠનમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેનાથી ભાજપને નુકસાન થયું હતું અને આ બેઠક ગુમાવવી પડી હતી. આણંદ બેઠક પર અત્યાર સુધીમાં 2014ની પેટાચૂંટણી સહિત 14 વખત ચૂંટણી થઈ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) હવે હાથવેંતમાં છે. જેથી ભાજપ (BJP) વિધાનસભામાં પોતાનું સંખ્યાબળ વધારવાના પ્રયાસમાં છે. જ્યારે કોંગ્રેસ (Congress) ગત 2017ની વિધાનસભા ચૂંટણી કરતાં સારો દેખાવો કરી શકાય તે માટે મથામણ કરી રહી છે.
આ બંને પક્ષો વચ્ચે આ વખતે આમ આદમી પાર્ટી (AAP)એ પણ ઝંપલાવ્યું છે, જેની સીધી અસર ભાજપ કરતા કોંગ્રેસને વધુ થશે તેવું જાણકારોનું માનવું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને વર્ષોથી જ્યાં જીત મળી રહી છે, તેવી બેઠકોબચાવવી પડશે. જેમાં ચરોતર પંથકની બેઠકો પણ સામેલ છે. આજે અહીં ચરોતરમાં આવેલી આણંદ વિધાનસભા બેઠક ( (Anand assembly seats) ) અંગે જાણકારી આપવામાં આવી છે.
આણંદ વિધાનસભા બેઠક (Anand assembly constituency)
આણંદ જિલ્લો અમુલ ડેરીના કારણે વિશ્વ ફલક પર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આણંદ મૂળ ખેડા જિલ્લાનો એક ભાગ હતો અને 1997માં અસ્તિત્વમાં આવ્યો હતો. તે પહેલાં 1955માં અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર દેશમાં શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ હતી. આણંદ જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકો છે. જેમાંથી 5 બેઠક કોંગ્રેસ પાસે છે અને 2 બેઠક ભાજપ પાસે છે.
કોંગ્રેસ પાસે 109 બોરસદ વિધાનસભા બેઠક, 110 આંકલાવ વિધાનસભા બેઠક, 112 આણંદ વિધાનસભા બેઠક, 113 પેટલાદ વિધાનસભા બેઠક અને, 114 સોજીત્રા વિધાનસભા બેઠક છે. જ્યારે ભાજપ પાસે 111 ઉમરેઠ વિધાનસભા અને 108 ખંભાત વિધાનસભા બેઠક છે. આણંદ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે અને 8માંથી 6 તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે.
આણંદ બેઠક હેઠળનો વિસ્તાર
આ વિધાનસભા બેઠક હેઠળ આણંદ તાલુકાનો કેટલોક ભાગ આવે છે. આ ઉપરાંત લાંભવેલ, જોલ, વાલાસણ, સાંડેસર, મેઘવા ગણ, ગણ, વાંસ ખિલીયા, જીટોડિયા, હડગુડ, જાખરીયા, નવલી, ખાંડલી, આણંદ (એમ), મોગરી, ગામડી, બાકરોલ, વલ્લભ વિદ્યાનગર (એમ), કરમસદ (એમ), વિઠલ ઉદ્યોગનગર (આઈ.એન.એ.) સહિતના ગામનો આ બેઠક હેઠળ સમાવેશ થાય છે.
2017માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા યોગેશ પટેલને ટિકિટ આપી હતી. જેના કારણે સંગઠનમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેનાથી ભાજપને નુકસાન થયું હતું અને આ બેઠક ગુમાવવી પડી હતી. આણંદ બેઠક પર અત્યાર સુધીમાં 2014ની પેટાચૂંટણી સહિત 14 વખત ચૂંટણી થઈ છે. અહીં 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર ભાઈલાલભાઈ પટેલનો વિજય થયો હતો.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
કાંતિભાઈ પરમાર
કોંગ્રેસ
2014
રોહિતભાઈ પટેલ
ભાજપ
2012
દિલીપભાઈ પટેલ
ભાજપ
2007
જ્યોત્સનાબેન પટેલ
ભાજપ
2002
દિલીપભાઈ પટેલ
ભાજપ
1998
દિલીપભાઈ પટેલ
ભાજપ
1995
દિલીપભાઈ પટેલ
ભાજપ
1990
ઘનશ્યામભાઈ પટેલ
જેડી
1985
રણછોડભાઈ સોલંકી
કોંગ્રેસ
1980
રણછોડભાઈ સોલંકી
કોંગ્રેસ
1975
રણછોડભાઈ સોલંકી
કોંગ્રેસ
1972
ભૂપતસિંહ વાઘેલા
કોંગ્રેસ
1965
એસ ડી વાઘેલા
કોંગ્રેસ
1963
ભાઈલાલભાઈ પટેલ
સ્વતંત્ર પાર્ટી
આણંદ બેઠક પર 1990 સુધી કોંગ્રેસ જીતી રહી હતી. પરંતુ 1994ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર જંગી સરસાઈથી જીત મેળવી હતી. ત્યારબાદ આ બેઠક પર ભાજપનો કબજો ચાલુ રહ્યો હતો પણ સરસાઈ પાતળી થઈ રહી હતી. આ દરમિયાન કોંગ્રેસે ફરી 2017માં આ બેઠક જીતી લીધી હતી. 2017માં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારનો વિજય થયો હતો. કાંતિભાઈ સોઢાપરમારને 98,168 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને 92,882 મત મળ્યા હતા.
બેઠક હેઠળના મતદારો
આ બેઠક હેઠળ 1,60,612 પુરૂષ મતદારો છે. જ્યારે 1,55,458 સ્ત્રી મતદારો છે. અન્ય કેટેગરીમાં 4 મતદાર છે. આ બેઠક પર કુલ 3,16,074 મતદાર હોવાનું જાણવા મળે છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ 352873 વસ્તીમાંથી 14.32 ટકા ગ્રામીણ અને 85.68 ટકા શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 4.35 અને 3.35 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 307 મતદાન મથકો છે. 2019ની આણંદ લોકસભાની ચૂંટણીમાં 65.13% મતદાન થયું હતું. જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 68.86% મતદાન થયું હતું.
2017 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 47.7 ટકા અને 50.42 ટકા મત મળ્યા હતા. જ્યારે 2019માં અનુક્રમે 58.15 ટકા અને 39.54 ટકા મત મળ્યા હતા. ભાજપના પટેલ મિતેષ રમેશભાઈ (બકાભાઈ) આણંદના વર્તમાન લોકસભાના સાંસદ છે અને કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમાર (ભગત) આણંદ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.
જ્ઞાતિ-જાતિના સમીકરણો
આ બેઠક પર ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર સમાજનું પલડું ભારે છે. વસ્તીની દ્રષ્ટિએ અહીં મુસ્લિમ અને ખ્રિસ્તીના પણ બહોળા મત છે. જેથી આ તમામ મતને એકસાથે રાખવા કોઈપણ રાજકીય પક્ષ માટે જરૂરી બની જાય છે.
1995માં ખેડા જિલ્લાથી અલગ થઇ નવો જિલ્લો બન્યા છતાં આણંદ જિલ્લો હજુ પણ સરકારી હોસ્પિટલથી વંચિત છે. આરોગ્ય વિષયક સેવાઓ, રસ્તા, સફાઈ, ઉદ્યોગોને લગતા પ્રશ્નો તથા સિંચાઈને લગતી સમસ્યાઓ અહીંની મુખ્ય સમસ્યાઓ છે. ભાજપના રાજમાં આણંદને કેબિનેટ મંત્રીપદ આપવામાં આવતું નથી. જ્યારે આણંદની સિવિલ હોસ્પિટલને તેની સુયોગ્ય સ્થળે સ્થળાંતર કરવાનો નિર્ણય લાંબા સમયથી પેન્ડિગ રાખવામાં આવી રહ્યો છે. આ બે મુખ્ય મુદ્દા સાથે સત્તાપક્ષ ભાજપને 2022માં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પણ નડશે.
ચરોતરમાં ભાજપ માટે કપરા ચઢાણ
ચરોતરમાં ભાજપની પકડ ખૂબ ઢીલી થતી જાય છે. 7 બેઠકોમાંથી 5 કોંગ્રેસની છે અને બાકી બે બેઠકો ખંભાત 2318 અને ઉમરેઠ બેઠક 1883 જેવા ખુબ ઓછા માર્જીનથી મળી છે. જેથી આણંદ બેઠક પર પણ ભાજપને ખૂબ મહેનત કરવી પડશે. જ્યારે કોંગ્રેસે આ બેઠક ટકાવી રાખવા જમીન આસમાન એક કરવાના રહેશે. હાલ તો ભાજપ માટે આણંદ જિલ્લાની તમામ 7 સીટો મૃગજળ સમાન દેખાય છે. આણંદ જિલ્લામાં ભાજપની હારનું માર્જિન ખુબ મોટું અને જીતનું માર્જિન મર્યાદિત છે. બીજી તરફ નગર પાલિકા અને જિલ્લા – તાલુકા પંચાયતોમાં સિનિયર, લોકપ્રિય અને સક્ષમ ઉમેદવારોની બાદબાકી પણ ભારે પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓ પણ ઊઠી છે.