Home /News /anand /Gujarat election 2022: કોણ છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અમિત ચાવડા? જાણો તેમના વિશેની વિગતો
Gujarat election 2022: કોણ છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અમિત ચાવડા? જાણો તેમના વિશેની વિગતો
અમિત ચાવડાની ફાઇલ તસવીર
Congress leader Amit Chavda Profile : અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનુ નામ રાજકુંવરબા અને પુત્રીનુ નામ પ્રિયંકા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) આ વર્ષના અંતમાં યોજાશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ક્યાંરે યોજાશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં ચૂંટણીનુ કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. દેશમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપૂર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) અને હિમાચલપ્રદેશ વિધાનસભા (Himachalpradesh election 2022) ચૂંટણી પર છે. એવામાં હવે રાજ્ય સરકાર અને અન્ય પક્ષો પણ હવે ઈલેક્શન મોડમાં આવી ગઈ છે.
જો કે આ વખતે ચૂંટણીના મેદાનમાં સત્તાપક્ષ તરફથી તદ્દન નવા ચહેરાઓ મેદાન-એ-જંગમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. જો કે કેટલાક નેતાઓ પોતાના પદ પર કાયમ રહી ચૂંટણીમાં જીત મેળવવાનો પ્રયત્ન કરશે. આવુ જ એક દિગ્ગજ નામ એટલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. આજના આર્ટિકલમાં આપણે અમિત ચાવડા વિશે ચર્ચા કરીશું.
કોણ છે અમિત ચાવડા (Who is Amit Chavda?)
અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનુ નામ રાજકુંવરબા અને પુત્રીનુ નામ પ્રિયંકા છે. અમિત ચાવડાના ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. આમ અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
અમિત ચાવડાની રાજકીય સફર (Political journey of Amit Chavda)
અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો છે અને તેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેઓ NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. 47 વર્ષના અમિત ચાવડા વિશે વિગતે વાત કરીએ તો, તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી ચાર ટર્મથી તેઓ ચૂંટાતા આવે છે. 2004માં પ્રથમ વખત તેઓ બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ હતા. જ્યારે ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. 19 માર્ચ 2018માં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીના પોતાના સોગંદનામામાં જણાવ્યા અનુસાર અમિત ચાવડાની સંપતિ પર નજર કરીએ. સૌ પ્રથમ તેમની જંગમ મિલકતો વિશે વાત કરીએ તો તેમની હાથ પરની રોકડ રૂ. 75000 છે. સિવાય પણ જો તેમની બેન્ક થાપણો અને નોન બેન્કિંગ થાપણોની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ. 94,207 ની થાપણો છે. જેમાં બોરસદના ખેડા જીલ્લા સહકારી બેન્કમાં રૂ. 7996, એસબીઆઈ ગાંધીનગરમાં રૂ. 36516 અને એચડીએફસી બોરસદમાં રૂ. 49695ની થાપણો છે.
નેશનલ સેવિંગ સ્કિમમાં રૂ. 28860ની એસઆઈસી પોલિસી ને રૂ. 375000ની એનએસએસ પણ છે. આ સાથે જ 1180800ના વાહનો એમ કુલ રૂ. 1753867ની જંગમ મિલકત તેઓ ધરાવે છે. અમિત ચાવડાની સ્થાવર મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ. 1,08,16,725 ની સ્થાવર મિલકત છે. આ સાથે જ તેમના માથે કુલ રૂ. 7,47,795ની લોન પણ છે.
તેમની પત્નીની જંગમ મિલકતોની વાત કરવામાં આવે તો તેમની પત્ની પાસે હાથ પરની રોકડ રૂ. 25000, બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો કુલ રૂ. 14,10,000 છે. આ સિવાય રૂ. 2,28,032 ની નેશનલ સેવિગ સ્કિમમાં રોકાણ છે. રૂ. 5,58,200 ના વાહનો અને રૂ. 390000 ની કિંમતનુ 150 ગ્રામ સોનુ પણ તેમના પત્ની પાસે છે. આમ તેમની પત્ની પાસે કુલ રૂ. 26,11,232 ની જંગમ મિલકતો છે. આ સિવાય તેમની દીકરી પાસે રૂ. 9135 ની જંગમ મિલકત છે. જણાવી દઈએ કે તેમની પત્ની પાસે કોઈ સ્થાવર મિલકત નથી.
વિધાનસભા ગૃહમાં તેમનું વિવાદિત નિવેદન
વર્ષ 2020 માં ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના નિવેદન પર ભારે ગરમા ગરમી થઈ ગઈ હતી. નીતિન પટેલ અંગે કરેલા નિવેદનને સાબિત કરવા અથવા માફી માગવા નીતિન પટેલે ચાવડાને પડકાર આપ્યો હતો. વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ચાવડાને પોતાના નિવેદનના પુરાવા રજૂ કરવા ફરમાન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, નીતિન પટેલે હાઇકોર્ટમાં કહ્યું કે લોક ડાઉનમાં ટ્રાન્સપોર્ટેશન સેવા સરખી રીતે ચાલુ ન હોવાના કારણે વેંટીલેટર ન આવી શક્યા.
આ સાંભળીને નીતિન પટેલે ગૃહમાં વાંધો ઉઠાવીને કહ્યું કે, મેં હાઇકોર્ટમાં આવુ કઇ કહ્યું જ નથી. આ નિવેદન બદલ અમિત ચાવડા પુરાવા આપે અથવા ગૃહમાં માફી માંગે. આ મુદ્દે ગરમાગરમી થતાં ગૃહમાં ભાજપ-કૉંગ્રેસનાં ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા અને ઉગ્રતા વ્યાપી હતી. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે, અમિત ચાવડા પુરાવા આપે અથવા જાહેરમાં માફી માંગે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સીએમ સામે આવી ગયા હતા.
ગુજરાતમાં કોમી તોફાનો મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શાસક પક્ષ પર આરોપ લગાવતા કહ્યું હતું, કે ગુજરાતમાં તોફાનો રાજકીય ઇશારે થઈ રહ્યા છે તે તપાસનો વિષય છે. સમગ્ર મામલે અમિત ચાવડાએ પોલીસને પણ આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ હપ્તા લેવામાં વ્યસ્ત હોવાથી કાયદો જાળવવામાં નિષ્ફળ થઈ છે.
અમિત ચાવડા Vs હાર્દિક પટેલ
હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તે પહેલા જ કોંગ્રેસમાં રહી કોંગ્રેસ પર જ પ્રહાર કરતા જાવો મળતા હતા. પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ તે આક્ષેપનો જવાબ આપતાં કહ્યું હતું કે હાર્દિકને તેની ઉંમર અને જવાબદારી કરતાં કોંગ્રેસ પક્ષે વધુ આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે હાર્દિકને નાની ઉંમરે સમાજના આંદોલનમાં નેતૃત્વ સંભાળવાની તક મળી. કોંગ્રેસે તેમને તેમની ઉંમર અને અનુભવ કરતાં વધારે જવાબદારી આપીને તેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. પક્ષમાં નાનું-મોટું સન્માન ન મળ્યું હોય ત્યારે વ્યક્તિગત બાબતને બાજુએ મુકીને પક્ષને આપેલા કમિટમેન્ટ માટે કામ કરવાનું હોય છે.