ખંભાત: ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. આણંદની ખંભાત બેઠક પર પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે અને જીતનો દાવો કરી રહ્યા છે. ખંભાત ભાજપનો ગઢ ગણાય છે. ખંભાત પાલિકા અને તાલુકા પંચાયતને પણ ભાજપે છેલ્લા 30 વર્ષથી હસ્તગત કરી છે.
1990થી ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ સતત જીતતું આવ્યું છે
મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની 108 ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે. 1990થી ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ સતત જીતતું આવ્યું છે. બીજી મહત્વની બાબત એ છે કે, ખંભાત વિધાનસભાના મત વિસ્તારની મહત્વની બાબત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ખંભાત નગરપાલિકા અને ખંભાત તાલુકા પંચાયત પર પણ ભાજપે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા હસ્તગત કરી છે, ત્યારે ભાજપના ધારાસભ્ય કે જેમને રિપીટ કરાયા છે તેવા મહેશ રાવલ અને કોંગ્રેસના ચિરાગ પટેલે ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે.
બન્ને પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર
ગત ટર્મ 2017ના સીટીંગ એમએલએ મહેશ રાવલને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડએ ફરી રિપીટ કરી ખંભાત વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે મૂળ ભાજપ ગૌત્રના અને 2019 સુધી ભાજપના કાર્યકર રહ્યા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે. હાલ બંને ઉમેદવારોએ ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરુ કરી પોતાની જીતના દાવા રજૂ કર્યા છે.
ખંભાત ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક પણ છે. ખંભાત ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ બેઠક આણંદ જિલ્લામાં આવેલી છે. આ વિધાનસભા બેઠકમાં 245 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકમાં ખંભાત તાલુકાના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવે છે. મતદારક્ષેત્રમાં આશરે કુલ 213555 મતદારો છે, જેમાંથી 111859 પુરૂષ અને 101696 મહિલા છે.
જાતિગત સમીકરણો
ભાજપના મુખ્ય મતદારો ગણાતા ઓબીસી અને પટેલ મતદારોનો અહીં દબદબો છે. જો કે અહીં હિંદુ ધર્મનો પ્રભાવ ઘણો છે. આ જ કારણ છે કે રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન ભાજપ અહીં કોંગ્રેસના કિલ્લામાં ઘૂસી ગયો હતો. જો કે, અહીં મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો પણ સારી સંખ્યામાં છે.