Salim chauhan, Anand: આણંદ શહેરમાં આવેલા આયુર્વેદ સંકુલ ખાતે ચૈત્ર મહિનામાં રામનવમી દિવસ સુધી લીમડાનો રસ બનાવી લોકોને મફતમાં વિતરણ કરવામાં આવે છે. વર્ષો જૂની પરંપરાગત રીતે લીમડાનો રસ બનાવીને લોકોને વિતરણ કરવામાં આવે છે.
આયુર્વેદ નિષ્ણાતોના મત અનુસાર, આ રસ પીવાથી આપણા શરીરને કફ જન્ય રોગો સામે રક્ષણ મળે છે. આ રસ ચૈત્ર મહિનામાં સેવન કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે.
આણંદ આયુર્વેદ સંકુલ ખાતે વૈધરાજ હરિનાથ ઝા અને તેમના પુત્ર ડો ધન્વન્તરિ હરિનાથ ઝા છેલ્લા ઘણાં વર્ષોથી નીમ સ્વરસ બનાવી લોકોને મફતમાં આપે છે.
ડો. ધન્વન્તરીનાં જણાવ્યા અનુસાર, ઠંડીના સમયમાં શરીરમાં કફ જમા થાય છે અને ગરમીમાં કફ શરીરમાં પીગળે છે જેના કારણે અનેક બીમારી પણ થાય છે જેને અટકાવવા માટે લીમડાનો રસ આ ચૈત્ર મહિનામાં ખૂબ અસરકારક નીવડે છે.
શિયાળાની ઋતુમાં શરીરમાં જે કફ જમા થાય છે તે કફ ગરમી શરૂ થતા શરીરમાં પીગળે છે અને તેની વૃદ્ધિ થાય છે જેના કારણે અનેક રોગો શરીરમાં થવા લાગે છે જેમાં ચામડીનાં રોગો, ખંજવાળ કે લાલ ચાઠા પડી જતાં હોય છે ત્યારે ચૈત્ર માસમાં જો આ લીમડાના રસનું સેવન કરવામાં આવે તો આવા અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.
વસંત ઋતુથી ચૈત્ર માસ દરમિયાન લીમડાના ઝાડ પર અનેક નવા ફૂલ આવવા લાગે છે જે ફૂલ અને તેના પાનનો ઉપયોગ કરી તેનો 15 થી 30 એમ.એલ (ml)રસ બનાવી પાણી 50થી 10 એમ.એલ જેટલું ઉમેરી સેવન કરીએ તો આ ઋતુમાં શરીરને અનેક રોગો સામે રક્ષણ મળે છે.