Home /News /anand /Anand: આવી રીતે સરગવાની ખેતી કરી દીપેન શાહ બન્યાં લાખોપતિ!
Anand: આવી રીતે સરગવાની ખેતી કરી દીપેન શાહ બન્યાં લાખોપતિ!
ખેતીમાં વેલ્યૂ એડિશનથી વાર્ષિક 30થી 40 લાખ રૂપિયા કમાય છે.
આણંદ જિલ્લાનાં ખેડૂત દીપેન શાહે સરગવાની ખેતી કરવાની સાથે સાથે તેમાં વેલ્યૂ એડિશન કરી લાખોની કમાણી કરે છે અને અન્ય ખેડૂતો માટે દાખલો બેસાડે છે. માત્ર ખેતી કરવાથી ખેડૂત ઉંચો આવતો નથી પણ તેમા મૂલ્યવર્ધન કરવાથી તેને સારી આવક મળે છે.
Salim Chauhan, Anand: આણંદ જિલ્લાનાં ખેડૂત દીપેન શાહે સરગવાની ખેતી કરવાની સાથે સાથે તેમાં વેલ્યૂ એડિશન કરી લાખોની કમાણી કરે છે અને અન્ય ખેડૂતો માટે દાખલો બેસાડે છે.માત્ર ખેતી કરવાથી ખેડૂત ઉંચો આવતો નથી પણ તેમા મૂલ્યવર્ધન કરવાથી તેને સારી આવક મળે છે. આ વાત દીપેન શાહે સાબિત કરી છે.દિપેનભાઇએ સરગવાની શીંગો અને પાનમાંથી 15 કિલોગ્રામ પાઉડરના ઉત્પાદનથી શરૂઆત કરી હતી. આજે તેઓ વાર્ષિક 15 હજાર કિલોગ્રામ પાઉડરનું ઉત્પાદન કરે છે.તેઓ જૈવિક રીતે મોરિંગા (સરગવો)ની ખેતી સાથે તેનું પ્રોસેસિંગ પણ કરે છે. ખેતીમાં વેલ્યૂ એડિશનથી વાર્ષિક 30થી 40 લાખ રૂપિયા કમાય છે.
ગુજરાતના આણંદ જિલ્લાના કુંજરાવ ગામના રહેવાસી દીપેન શાહને સરગવાની જૈવિક ખેતી અને તેના વેલ્યૂ એડિશનનાં પ્રયોગો માટે જગજીવન રામ સન્માન સહિત અનેક કૃષિ પુરસ્કારો મળી ચૂક્યા છે.દીપેન શાહે પોતાની આ મુસાફરી વિસ્તારથી જણાવ્યું.તેમણે જણાવ્યું કે, “તેમના પિતાજી તમાકુનાં વેપારી હતા અને આ ધંધામાં પિતા ઉપર 40 લાખનું દેવું થયું હતું એટલે હું નાનપણ ની વય માં જ ખેતીમાં આવી ગયો. 1997માં 12માં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી હું ખેતી કરવા લાગ્યો. મારી પાસે 20 એકર જમીન છે.પિતાજી સાથે હું ટામેટાં, મરચા જેવા શાકભાજી ઉપરાંત તમાકુની ખેતી પણ કરતો હતો. બાકી ખેડૂતની જેમ અમે પણ ખેતરમાં રસાયણનો ઉપયોગ કરતા હતાં. જોકે, વારંવાર મંડી અને કૃષિ મેળામાં જવાથી અમને જૈવિક ખેતી સંબંધમાં અનેક જાણકારી મળી હતી.’
વર્ષ 2009માં દીપેન શાહે નક્કી કર્યું કે, ધીરે ધીરે તેઓ જૈવિક ખેતી તરફ આગળ વધશે. જોકે, જૈવિક ખેતી પણ ત્યારે જ સફળ થાય જ્યારે યોગ્ય માર્ગદર્શન મળે. ખાસ તો શાકભાજીમાં જૈવિક ખેતીની શરુઆતમાં સારી ઉપજ લેવી ખૂબ જ મુશ્કેલ બનતું હતું. આથી તે એવા કોઈ પાક ઉગાડવા વિશે વિચારવા લાગ્યા જે જૈવિક પદ્ધતિથી જલદી સફળ થાય.
” હું શાકભાજી લઈને યાર્ડમાં ગયો હતો જ્યાં મેં સરગવો વેચવા આવેલા ખેડૂતોને જોયા. આ 2010ની વાત છે. મેં જોયું કે તેમને યાર્ડમાંથી સારો ભાવ મળી રહ્યો હતો. ખેડૂતો સાથે વાત કરીને જાણવા મળ્યું કે સરગવો ઉગાડવો સરળ છે અને ગરમ વિસ્તારમાં સારી રીતે ઉગી શકે છે. બસ મેં તે સમયે જ નક્કી કર્યું કે આની પર હાથ અજમાવવો છે.”
ઘર-પરિવારમાં તેમણે દરેકને રાજી કર્યા. કેટલાક જમીન પર તેમને પ્રયોગો કરવા જોઈએ. તેમનો આત્મવિશ્વાસ જોઈને તેમના પિતાએ તેને 5 એકર જમીન પર સરગવો લગાવવાની પિતા એ સહમતિ આપી. શરૂઆતનાં વર્ષથી જ તેમને સરગવાની સારી ઉપજ મળી અને બજારમાં સારો ભાવ પણ મળ્યો. આ સાથે જ તેમને વધારે ખર્ચો થયો નહોતો. તેમણે જણાવ્યું કે, સરગવો ગરમીમાં સારો થાય છે અને પછી જે જગ્યાઓએ થોડી ભીનાશ અને પછી વરસાદની ઋતુ હોય છે, ત્યાં તેનું ઉત્પાદન થતું નથી.
દીપેન શાહે ખેતી ઉપરાંત વેલ્યૂ એડિશનનાં પ્રયોગો શરૂ કર્યા. તેમના બહેન અમેરિકા રહે છે. તેઓ વતન આવ્યા એટલે તેમણે દીપેન શાહને કહ્યું કે બહારના દેશોમાં સરગવાની ડાળીઓને નાની નાની કાપીને એક ટિનના ડબ્બામાં પાણી અને મીઠું ઘોળીને પેક કરવામાં આવે છે. જેને ડાળીઓમાં કેનિંગ કરવાનું કહેવામાં આવે છે. આમ, તેમણે પ્રોસિસિંગની શરૂઆત કરી અને સંઘર્ષ કરતા કરતાં સરગવામાંથી પાઉડર બનાવવાની શરૂઆત કરી.
દીપેને વિચાર્યું કે, જ્યારે હળદર, મરચા વગેરેના પાઉડર બને છે તો સરગવો જ્યારે સૂકાઈ જાય તો તેનો પાઉડર પણ બની શકે છે. તેમણે મિક્સરમાં પાઉડર બનાવ્યો. આ પાઉડરને સાંભાર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમણે અનુભવ્યું કે સરગવાનો પાઉડર નાંખવાથી દાળ અને શાકનો ટેસ્ટ વધી જાય છે.
તેમણે આ પાઉડરને લઈને તેઓ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પહોંચ્યા અને ત્યાં આ પાઉડરની ન્યૂટ્રીશન વેલ્યૂ આંકવામાં આવી. ”મને આજે પણ યાદ છે કે, ત્યાં તજજ્ઞોએ કહ્યું કે, તમે દેશી પાવરહાઉસ બનાવ્યું છે. તેની આગળ દરેક સપ્લીમેન્ટ્સ નિષ્ફળ છે.”દિપેન શાહની આગવી કોઠાસૂઝ અને આણંદ કૃષિ યુનિવર્સિટીનું માર્ગદર્શન આ બંનેના સંયોજનથી તૈયાર થયેલા સરગવાના પાઉડરને અન્ય ખેડૂતોને પણ જાણકારી મળે અને તેઓ પણ આ પદ્ધતિ અપનાવાતાં થાય તે હેતુથી વર્ષ-2013 માં લીમખેડા ખાતે યોજવામાં આવેલા કૃષિ મહોત્સવમાં સૌ પ્રથમ તેમને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો.
વર્ષ 2013માં તેઓ ફરી તેમની આ નવી પ્રોડક્ટ માટે આણંદના કૃષિ મેળા પહોંચ્યા. ત્યાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને કેટલાક વહીવટી અધિકારીઓ પણ આવ્યા હતાં. મુખ્યમંત્રીએ દરેક ખેડૂતોના પાકને જોયા અને ત્યાં દીપેન જ એકલા એવા ખેડૂત હતાં. જે પાક નહીં પરંતુ વેલ્યૂ એડિશન પ્રોડક્ટ લઈને આવ્યા હતાં.
દરેક તેમના સ્ટોલ પર આવતા હતા અને આ વિશે જાણવા ઈચ્છતા હતાં. ‘મેં જણાવ્યું કે આ સરગવાનો પાઉડર છે અને તેમાં આશરે 22 પોષક તત્વ છે. આપણા દેશમાં સરગવો આટલો વધારે થાય છે પરંતુ બાળકો કુપોષણનો શિકાર છે. આ બધું હું હવામાં નથી કહી રહ્યો પરંતુ મારી પાસે યુનિવર્સિટીના એક્સપર્ટ્સના રિપોર્ટ હતાં.’ તેમણે આગળ ઉમેર્યુ હતું.આ કૃષિ મેળામાં આશરે એક મહિના પછી દીપેન શાહને ગુજરાત સરકાર તરફથી સરગવાના પાઉડરની પ્રોસેસિંગ તેમજ માર્કેટિંગ કરવામાં પણ મદદ મળી હતી.
વર્ષ 2015માં તેમની ખેતીમાં પ્રોસેસિંગ યુનિટ બનીને તૈયાર હતું. તેમણે પોતે જ એક વર્કશોપથી પોતાની જ દેખરેખમાં સરગવાની ડાળીઓ અને પાનના પ્રોસેસિંગ માટે એક મશીન વટવા ખાતે બનાવડાવ્યું. પ્રોસેસિંગ યુનિટ સેટઅપ કરવાની સાથે જ તેમણે સરગવાની ખેતી 5 એકરથી વધારીને 12.5 એકરમાં કરવાનું શરૂ કર્યું. હવે તેઓ આસપાસના વિસ્તારોના ખેડૂતો પાસેથી પણ સરગવો ખરીદે છે. જે સીઝનમાં ખેડૂતોને બજારમાંથી સારો ભાવ ન મળે તેઓ પોતાનો પાક દીપેનને આપી દે છે.
આ રીતે ખેડૂતોને બન્ને સીઝનમાં બરાબરનો નફો થાય છે. તેમની પ્રોસેસિંગ યુનિટથી આશરે 80 ખેડૂતો જોડાયેલા છે. દર વર્ષે તેઓ લગભગ 15 હજાર કિલો સરગવાની ડાળીઓ અને તેના પાનના પાઉડર બનાવે છે. હાલ તો તેઓ આ બે પ્રોડક્ટ પર જ કામ કરી રહ્યાં છે અને અન્ય પ્રોડક્ટ્સ સરગવાની ઇન્સ્ટન્ટ સુઉપ અને ચોકલેટફોર્મ પર રિસર્ચ ચાલી રહ્યું છે.આ પ્રોડક્ટ તેઓ 200 અને 250 ગ્રામના ડબ્બાઓમાં પેક કરે છે. દર વર્ષે 60000થી પણ વધારે ડબ્બાઓ વેચાય છે. જે સીધા ગ્રાહકો, કેટલાક સ્ટોર માલિકો તો કેટલાક આયુર્વેદિક કંપનીઓને જાય છે. તેમણે પોતાના માતાપિતાના નામ પુષ્પ અને મુકુંદને સાથે રાખીને ‘પુષ્પમ’ નામ બનાવ્યું. અને પોતાની બ્રાન્ડનું નામ ‘પુષ્પમ ફૂડ્સ’ રાખ્યું હતું.
તેમના પ્રોસેસિંગ યુનિટમાંથી દર વર્ષે લગભગ 10-12 લોકોને રોજગારી પણ મળે છે. આ ઉપરાંત વર્ષના 3 મહિનામાં ખેતરોમાં કંઈ ખાસ કામ ન હોય તો મજૂરો પાસે રોજગાર ન હોય ત્યારે તે સમયે પણ પ્રોસેસિંગ યુનિટમાં ખાસ્સું કામ હોય છે. આ 3 મહિના દરમિયાન તેઓ 70 મજૂરોને રોજગારી આપે છે.સરગવાની પ્રોસેસિંગ ટેક્નિક પર પણ તેમની પેટન્ટ છે અને તેમની પાસે એક્સપોર્ટ કરવાનું લાયસન્સ પણ છે. હાલ તો તે સરગવાની પ્રોસેસિંગ કરીને વાર્ષિક 30-40 લાખની કમાણી કરી લે છે.
આ પ્રસંગે કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ દીપેનભાઇ શાહ અને આણંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે ખૂબ જ જુનો નાતો રહેલો હોવાનું જણાવી આનંદની લાગણી વ્યકત કરી હતી. દિપેન શાહ આ ખેતી માટે વધુને વધુ ખેડૂતોને પ્રોત્સાહિત કરે જેથી તેમની આ સફરમાં વધુ ખેડૂતો જોડાય તેવી આશા વ્યકત કરી હતી.