આણંદ: લગ્ન બહારના સંબંધમાં આણંદ જિલ્લાના એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક યુવકને એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ પરિણીતાના પતિને થઈ ગઈ હતી. જે બાદમાં તેણે તેની પુત્રીના જન્મ દિવસની પાર્ટીમાં બોલાવીને પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આરોપીએ મૃતકને તેની પત્ની સાથે બર્થ ડેમાં હાજરી આપવા માટે જણાવ્યું હતું. આરોપીનો પ્લાન હતો કે જો મૃતક પત્ની સાથે આવે તો તેને તેની પત્નીની હાજરીમાં જ માર મારવો અને સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ કરવો.
શું છે બનાવ?
આણંદ નજીક આવેલા મોગરી ગામના 30 વર્ષીય યુવક રાજેશ રાવળનો મૃતદેહ બોરિયાવી પાસેથી પસાર થતી મોટી નહેરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીની ધરપકડ કરી છે. રાજેશ રાવળ પોતાના ઘરેથી રવિવારે એક બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, તેઓ પરત ન ફરતા પરિવાર ચિંતામાં ગરક થઈ ગયો હતો. આ વાતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં તેમનું બાઇક બોરિયાવી નહેર પાસેથી મળી આવ્યું હતું. પોલીસે આ મામલે વધારે ઊંડી તપાસ કરતા તેમની હત્યા થયાનું ખુલ્યું હતું અને પોલીસ બે આરોપી સુધી પહોંચી હતી. પોલીસે આ કેસમાં મૃતક રાજેશના મિત્ર અમિત રાવળ અને અમિતના ભાણા જય રાવળની ઘરપકડ કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક રાજેશને આરોપી અમિતની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ બંધાયા બાદ મૃતક રાજેશે અમિત સાથે મિત્રતા કરી લીધી હતી. પોતાની પત્ની સાથે રાજેશને પ્રેમ સંબંધ હોવાની જાણ અમિતને થઈ જતા તેણે રાજેશને પાઠ ભણાવવાનો પ્લાન ઘડ્યો હતો. જે અનુસંધાને તેની દીકરીના જન્મ દિવસે તેમે રાજેશને પત્ની સાથે બોલાવ્યો હતો. અમિતનો પ્લાન હતો કે જન્મ દિવસની પાર્ટીમાં રાજેશને તેની પત્ની સામે જ ફટકારવો અને સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ કરવો. જોકે, રાજેશ જન્મ દિવસની પાર્ટીમાં એકલો જ આવતા તેની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જે પ્રમાણે બંને આરોપી મૃતકને કેનાલ પાસે લઈ ગયા હતા અને ઝપાઝપી કરી તેને કેનાલમાં ફેંકી દીધો હતો.
આ કેસમાં સામે આવેલી વિગત પ્રમાણે આરોપી અમિતે આજથી 15 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન જીવનમાં તેને ત્રણ સંતાન છે. જ્યારે પીડિત યુવકને પણ 12 વર્ષના લગ્ન જીવનથી ત્રણ સંતાન છે.
ત્રણ દિવસ પહેલા જ અમિતને પત્નીના લફરાની જાણ થઈ હતી
આરોપી યુવકને ત્રણ દિવસ પહેલા જ તેની પત્નીના રાજેશ સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. જે બાદમાં તેણે તેની પત્નીને માર પણ માર્યો હતો. પ્રેમ સંબંધની જાણ અમિતના પરિવાર અને તેના સાસરી પક્ષના લોકોને પણ થઈ ગઈ હતી. જે બાદમાં અમિતની પત્નીએ માફી માંગી લીધી હતી.