Home /News /anand /Anand: 12 જાન્યુઆરીએ અહીં થશે NRIનો જમાવડો, આ થીમ પર ધર્મજ ડે ઉજવાશે

Anand: 12 જાન્યુઆરીએ અહીં થશે NRIનો જમાવડો, આ થીમ પર ધર્મજ ડે ઉજવાશે

X
મિલેટસની

મિલેટસની વાનગીઓ સાથે ઉજવાશે 17મો ધર્મજ ડે, એક હજારથી વધુ NRI આવશે

ધર્મજમાં કોરોના કાળ બાદ તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે 17મો ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવશે આ પ્રંસગે એક હજારથી વધુ NRI આવશે.ધર્મજ ડેની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના કાળ બાદ ઉજવણી થતી હોય અનેરો ઉત્સાહ છે.

Salim chauhan ,Anand: પેટલાદ તાલુકાના ધર્મજ ગામે છેલ્લા 17 વર્ષથી યોજાતા ધર્મજ ડેમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ ઉમટી પડે છે. કોરોના કાળમાં ઉજવણી ઓનલાઇન થઇ હતી. પરંતુ બે વર્ષ બાદ ચાલુ વર્ષે ધર્મજમાં થઇ રહેલી ઉજવણીને લઇ એનઆરઆઈમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તો કોરોના કાળમાંથી મળેલી મુક્તિ અને બીજું હાલ ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉત્સવની ભક્તિસભર ઉજવણીથી મોટી સંખ્યામાં લોકો વિદેશથી આવી ગયા છે.

ધર્મજ ડેને લઇ NRIમાં ઉત્સાહ

ધર્મજમાં કોરોના કાળ બાદ તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે ઉજવાશે. 17મો ધર્મજ ડે, એક હજારથી વધુ NRI આવશે. ચરોતરના પેરિસ ગણાતા ધર્મજ ગામમાં 2007થી અવિરત ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.

કોરોનાકાળમાં પણ ઓનલાઇન ઉજવણી કરાઈ હતી. જેમાં હજારો લોકો જોડાયાં હતાં. આ પ્રસંગની સફળતા માટે દુનિયાભરમાંથી ધર્મજીયનો સહભાગી બને છે. વધુમાં સ્થાનિક રહેતા વતનીઓ તો દ્રવ્ય સાથે સમયદાન પણ આપી આ અભિનવ પ્રયોગને વધુ અર્થપુર્ણ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.

તિરંગા રંગની થીમ સાથે ઉજવણી

આ અંગે રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 12 જાન્યુઆરી 2023 (પોષ વદ પાંચમ વિક્રમ સંવત 2979)ને ગુરૂવાર સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ કાર્યક્રમ સંપન્ન થશે. જેના માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પૂર્વ તૈયારી અને પૂર્ણ તૈયારીની નેમ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉજવાતા આ પ્રસંગે ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ધર્મજીયનો પધારશે.



આ વર્ષે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો હોઈ 17મા ધર્મજ ડેની ઉજવણી તિરંગા રંગની થીમ સાથે થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના અનુરોધ મુજબ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023ને “ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેથી“ધર્મજ ડે”માં પધારનારા મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.



તિરંગા રંગની થીમને અનુરૂપ સુશોભન કરાશે

ધર્મજમાં તિરંગા રંગની થીમને અનુરૂપ સુશોભન કરવામાં આવશે. ચાલુ વર્ષે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે ઉજવણી થશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોશિયલ મિડિયા પર થશે. જેથી પ્રત્યક્ષ ઉપસ્થિત રહેનારા મહેમાનો ઉપરાંત દેશ અને દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઓન લાઈન પણ જોડાશે.



આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય

મિલેટસ એટલે કે આપણા પરંપરાગત જાડા ધાન્યમાં આયર્ન તથા અન્ય ફાયદાકારક તત્વો વધારે હોઈ તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.ભારત દેશ જાડા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.જેની નિકાસ વધે તો દેશના ધરતીપુત્રો પણ ફરી એક વખત બાજરી,બાવટો,જુવાર,રાગી અને કોદરી જેવા પાકો તરફ પાછા વળ્યાં છે. જેના કારણે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય.



મિલેટસ અંગે સેમિનારનું આયોજન

આ કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટસ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે એક સેમિનારનું આયોજન થઇ રહ્યું છે. જ્યારે ધર્મજ ડેના મુખ્ય વક્તા તરીકે જાણીતા વિચારક અને ચિંતક ડો. નરેશભાઈ વેદ (પૂર્વ કુલપતિ) પધારશે. તેઓ વતનનો ઝુરાપો વિષય પર વ્યક્તવ્ય આપશે.



વિવિધ ધર્મજીયોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે

દર વર્ષે અપાતા એવોર્ડ માટે ચાલુ વર્ષે ધર્મજ ગૌરવથી સન્માનિત થનારા મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ (બાબાકાકા) તથા લંડન સ્થિત કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બીન, ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.



દાતાઓના સહયોગથી મુક્તિરથનું લોકાર્પણ કરાશે

ધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે આ વાહન તૈયાર થઇ રહ્યું છે.

જેના માટે નાઈસોલ મેન્યુંફેક્ચરીંગ કંપની તથા અન્ય વતનપ્રેમી એન. આર. ડી. (નોન રેસિડેન્સ ધર્મજીયન) દાતા દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આમ સમગ્ર તૈયારીઓ સાથે છ ગામ પાટીદાર સમાજ ધર્મજના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ઉર્ફે ટીનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “ટીમ ધર્મજ”ના સૌ કર્મઠ કાર્યકર ભાઈ-બહેનો કામે લાગી ગયા છે.
First published:

Tags: Anand, Celebrations, Local 18, Villager

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો