ઉમંગ પટેલ, ખેડા: નડિયાદમાં ઉછીના નાણાંની ઉઘરાણી કરતા મામલો બિચક્યો હતો. જેમાં 5 હુમલાખોરોએ બે વ્યક્તિઓને ચપ્પા અને લાકડી વડે હુમલો કરી ઘર નજીક લારી-ગલ્લાઓ તેમજ પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું છે. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઈ જવા પામી છે.
નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા અને કાપડની ફેરી કરી ગુજરાન ચલાવતાં મકસુદ મોહમ્મદસલીમ કુરેશી ગતરાત્રે પોતાના ઘરે હાજર હતા. ત્યારે શહેરમાં રહેતા તાહીર અબ્દુલરજાક વ્હોરાનાઓ મકસુદના ઘરે આવ્યા હતા. આ તાહીરે અગાઉ આ મકસુદના પિતાને હાથ ઉછીના નાણા આપ્યા હતા જેની ઉઘરાણી કરવા આવ્યો હતો.
આ બાબતે તાહીરે મકસુદ સાથે બોલાચાલી કરી હતી. ગાળો બોલવા લાગતાં મકસુદે અપશબ્દો બોલવાની ના પાડતાં આ તાહીર તેના અન્ય લોકોને બોલાવી લાવી મારામારી કરી હતી. મામલો વધુ ઉગ્ર બનતાં આ તાહીરે પોતાના પાસે રહેલુ ચપ્પા જેવુ ધારદાર હથિયાર વડે મકસુદ કુરેશી પર હુમલો કર્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડ્યો હતો.
તો વળી આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા મકસુદના પડોશી યુનુસભાઈને પણ ઉપરોક્ત હુમલાખોરોએ લાકડાનો દંડો માથામાં ફટકાર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બાદ જતાં જતાં તમામ લોકો કહેવા લાગેલા કે, અમારા લીધેલા નાણાં નહીં આપો તો પુરુ કરી દઈશું તેમ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.