Salim Chauhan, Anand: આણંદ જિલ્લામાં નવેમ્બર માસના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી જોર ઓછું હતું. જેના કારણે શિયાળુ પાકનું વાવેતર જોઇ તેવું થઇ શકયું ન હતું. ચાલુ સપ્તાહમાં ઠંડીનું જોર વધી જતાં રવિ પાકના વાવેતરમાં 55 ટકાના ઉછાળા સાથે 20 હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે.બે દિવસથી ઠંડી વધી જતાં ખેડૂતોએ ઘંઉના પાકનું વાવેતર શરૂ કર્યુ છે.
આગામી સપ્તાહ સુધીમાં 5 હજાર હેકટરમાં ઘંઉનું વાવેતર થવાની સંભાવના છે. જયારે ચાલુ સપ્તાહમાં સૌથી વધુ 10 હેકટરમાં તમાકુ પાકનું વાવેતર થયું હોવાથી કુલ 3, 363 હેકટર તમાકુ વાવેતર થયું છે. ગત સપ્તાહમાં શિયાળુ પાકનું વાવેતર 37, 420 હેકટરમાં હતું તે વધીને 57755 હેકટરમાં થઇ ગયું છે.
આણંદ જિલ્લામાં ગતવર્ષ કરતાં ચાલુવર્ષે નવેમ્બર માસના પ્રથમ બે સપ્તાહમાં ઠંડીનું જોર ઓછું જોવા મળ્યું છે. ગતવર્ષે નવેમ્બર માસના 2 સપ્તાહ દરમિયાન 43 હજાર હેકટરમાં વાવેતર થયું હતું. તેની સામે ચાલુવર્ષે 37, 420 હેકટર વાવેતર થયું છે. જયારે ચાલુ સપ્તાહમાં 20 હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે. નવેમ્બર માસના ત્રીજા સપ્તાહ સુધીમાં શિયાળુ પાકનું વાવેતર 57, 755 હેકટરપર પહોંચ્યું છે.
ઠંડી વધતાં ઘઉંના પાકનું વાવેતર વધશેઆ અંગે આણંદ ખેતીવાડી વિભાગના અધિકારી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ઠંડીનું જોર ચાલુવર્ષે ઓછુ હોવાથી રવિપાકનું વાવેતર ઓછું થયું હતું. પરંતુ બે દિવસથી ઠંડી વધી છે. તેના કારણે બે દિવસમાં 10 હજારથી વધુ હેકટર અને ચાલુ સપ્તાહમાં 20 હજારથી વધુ હેકટરમાં વાવેતર વધ્યું છે. જયારે ઠંડી વધતા હવે ઘંઉ અને શાકભાજીના વાવેતરમાં વધારો થશે.
કેમ ઠંડીમાં વાવેતર વધુખાસ કરીને ઘઉંના પાકને ઠંડુ વાતાવરણ માફક આવતા સારા ઉછેર સાથે ઉતારો વધુ આવે છે. તમાકુના પાકને ઠંડીમાં પાણીની જરૂરિયાત ઓછી પડે છે, જેથી સિંચાઇની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. શાકભાજીને પણ ઠંડુ વાતાવરણ વધુ માફક આવતું હોવાથી ઉતારો વધુ આવે છે. ટામેટાના પાકને વધુ ઠંડક જોઇએ છે. ઠંડી નો ચમકારો વધતાં પાક નું વાવેતર ચરોતર વિસ્તાર માં વધ્યું છે.