Home /News /anand /Anand: શક્કરિયાનું ઉત્પાદન તળિયે બેસી ગયું, આ પ્રયોગથી મેળવ્યું મબલખ ઉત્પાદન
Anand: શક્કરિયાનું ઉત્પાદન તળિયે બેસી ગયું, આ પ્રયોગથી મેળવ્યું મબલખ ઉત્પાદન
પ્રાકૃતિક ખેતી અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો મેળવ્યો,
ખંભાત તાલુકાના પોપટપુરા ગામના 63 વર્ષીય ખેડૂતપુત્ર રમેશભાઇ પટેલ 4 દાયકાથી શક્કરિયાની ખેતી કરે છે.પહેલા 400 મણ ઉત્પાદન થતું હતું. પરંતુ રાસાયણિક ખાતરના કારણે ઉત્પાદન ઘટ્યું હતું.બાદ ગાય આધારી ખેતી કરી ફરી વધુ ઉત્પાદન મેળવ્યું છે.
Salim chauhan, Anand: ખંભાત તાલુકાના પોપટપુરા ગામના 63 વર્ષીય ખેડૂતપુત્ર રમેશભાઇ પટેલ ચાર દાયકાથી તેમની જમીનમાં મુખ્યપાક તરીકે શક્કરિયાની ખેતી કરે છે. તેઓ 40 વર્ષોમાં ખેતી ક્ષેત્રે આવેલા બદલાવના સાક્ષી છે.અને તેઓ સાક્ષીભાવે તેમના સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, હું ખેડૂત પુત્ર છું અને છેલ્લા 40 વર્ષથી મારી 10 વિઘા જમીનમાં શક્કરિયાની ખેતી કરુ છું.
આજથી 20 વર્ષ પહેલા સુધી મને વિઘા દિઠ 400 મણ શક્કરીયાનું ઉત્પાદન મળતું હતુ.પરંતુ રાસાયણીક ખાતર ,દવાના ઉપાયોગના કારણે મારી જમીનમાં ઉત્પાદન સતત ઘટીને વિઘે 100 મણ જેટલું થઈ ગયુ હતુ.બાદ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને બે વર્ષ દરમિયાન રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. માત્ર જીવામૃતનો ઉપયોગ કર્યો, જેના કારણે બે વર્ષ પછી ફરી 20 વર્ષ પહેલા જેટલું ઉત્પાદન મળતુ હતુ,તેટલું જ ઉત્પાદન આજે મળતું થયું છે.
રૂપિયા 6 લાખની આવક મળવાનો અંદાજ
રમેશભાઇ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના કારણે મને ઓછા ખર્ચે વધૂ ઉત્પાદન મળશે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પહેલા મારે બધી જમીનમાંથી મને 5 થી 6 લાખની આવક મળતી હતી. જ્યારે જીવામૃતના ઉપયોગ બાદ આ વર્ષે મને શક્કરીયાના ઉત્પાદનમાંથી જ રૂપિયા 6 લાખની આવક મળવાનો અંદાજ છે.
ખાતર, દવા અને શક્કરિયાના બિયારણમાં ફેરફાર કર્યો
રમેશભાઇ જણાવ્યું હતું કે, માત્ર ખાતર અને દવા જ નહી પરંતુ આ વર્ષે મે શક્કરિયાના બિયારણમાં પણ ફેરફાર કર્યો છે. જેના કારણે મને ઘણો વધુ ફાયદો થયો છે. અત્યાર સુધી હું શક્કરિયાની અંજાર જાત જ વાવતો હતો. જેને તૈયાર થતા સામાન્ય રીતે 150 દિવસનો સમયગાળો લાગે છે. જ્યારે ચાલુ વર્ષે મે પહેલીવાર શક્કરિયાની સી-71 જાત વાવી છે. જેનું ઉત્પાદન ફક્ત 90 દિવસમાં મળી જતુ હોવાથી સમય કરતાં વહેલો પાક બજારમાં આવવાથી મને તેના ભાવ પણ સારા મળશે.
ક્યારેય તમાકુનું વાવેતર નહિ કરું
આ વર્ષે કમોસમી વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે 10 વિઘા પૈકી 3 વિઘામાં વાવેલ તમાકુનો પાક નિષ્ફળ ગયો છે. રમેશભાઇ જણાવ્યું હતું કે, તમાકુના પાકમાં આવું જ થાય છે. પાક ફેલ જતા ઘણું નુકસાન વેઠવું પડે છે, માટે હવે હું તમાકુના મુળીયા કાઢીને ફેંકી દઈશ, ક્યારેય તમાકુનું વાવેતર નહીં કરૂ. રાસાયણિક ખાતર,દવાએ જમીનને નકામી બનાવી દીધી છે.જમીનને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ બ્રહ્માસ્ત્ર છે.
અંદાજે 140-150 મણ શક્કરિયા થવાનો અંદાજ
રમેશભાઇએ નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી શક્કરિયાનું સી-71નું બિયારણ લાવી આ વર્ષે 12 ગુંઠા જમીનમાં વાવેતર કર્યું છે,જેમાંથી તેમને અંદાજે 140-150 મણ શક્કરિયા થવાનો અંદાજ છે.
આ ઉપરાંત તેમણે 5.5 વિઘામાં શક્કરિયાની અંજાર જાત તેમજ અન્ય જમીનમાં ઘઉ, તમાકુ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. રમેશભાઇ ખેતીની સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. તેમની પાસે 1 ભેંસ, 1 દેશી ગાય અને 2 જર્સી ગાય છે. જેમાંથી દેશી ગાયના ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત બનાવી તેમની ખેતીમાં તેનો ઉપયોગ કરે છે.
જીવામૃત આ પ્રકારે બનાવો
180 લિટર પાણી,10 કિલો ગોબર, 10 લિટર ગૌમુત્ર,1કિલો કઠોળનો લોટ,2કિલો ગોળ અને 500 ગ્રામ ઝાડ નીચેની અથવા શેઢા-પાળાની માટીને એક મોટા પીપમાં મિક્ષ કરી 2 થી 3 દિવસ સુધી લાકડીની મદદથી ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવું. ત્યાર બાદ જ તેનો છંટકાવ કરવો. આ જીવામૃત 15 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે