આણંદ હેમા નામની નવી જાત વિકસાવવામાં આવેલ છે આ જાત માત્ર 90 દિવસ માં પાકી જાય છે
આણંદ કૃષિ યુનિવર્સિટીએ રાઈની નવી જાત વિકસાવી છે. આણંદ હેમા નામની નવી રાઇની જાત વિકસાવી છે. આ ઓછા પિયતમાં પાકી જાય છે. તેમજ અન્ય જાત કરતા વધુ ઉત્પાદન થાય છે.
Salim chuahan, Anand: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2021-2022 માં આણંદ હેમા નામની રાઇની નવી જાત વિકસાવવામાં આવી છે. આ જાત માત્ર 90 દિવસમાં પાકી જાય છે. જ્યારે અન્ય અંકુશ મોડી પાકતી રાઈની જાતમાં પકવવામાં 120 દિવસ જેટલો સમય લાગે છે.ત્યારે આણંદ હેમા જાત એક મહિનો વહેલી પાકી જાય છે અને ઉત્પાદન પણ સરેરાશ અન્ય અંકુશ જાતની સરખામણી એ સરખું જ આવે છે.આણંદ હેમા જાત વહેલી પાકતી જાત હોવા છતાં તેમાં રાજ્યમાં કરવામાં આવેલ અખતરામાં સરેરાશ ઉત્પાદન 3 હજાર કિલો જોવા મળ્યું છે. ત્યારે અન્ય મોડી પાકતી જાત જેટલું ઉત્પાદન આણંદ હેમા જાતમાં પણ જોવા મળે છે.
ગુજરાત રાઈ – 1 કરતા 10 ટકા વધારે ઉત્પાદન
ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બહાર પાડવામાં આવેલ જુની વેહલી પાકતી જાત ગુજરાત રાઈ -1 કરતાં 10% વધારે છે અને આઇ એ આર આઇ ન્યુ દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવેલી જાત પી એમ 25 કરતા 20% વધારે છે.આ જાતની હેકટર દીઠ પ્રતિ દિન ઉત્પાદકતા 30 કિ.ગ્રા. છે જે અંકુશ જાતો કરતા વધારે છે.
આણંદ હેમાનાં વિશેષ ગુણધર્મો આ પ્રમાણે છે
આ જાત નિયંત્રણ વૃદ્ધિવાળી હોવાને લીધે તેની શિંગો એક સાથે પાકી જાય છે. આ જાતમાં ડાળીઓની સંખ્યા 15 થી 22 અને શિંગો 250થી 350 જેટલી જોવા મળે છે. આ જાતમાં સીંગો મધ્યમ લંબાઈ અને 13થી16 દાણા ધરાવે છે. આ જાતના દાણા મધ્યમ કદના છે. 5.11 ગ્રામ/1000 દાણાનો વજન ધરાવે છે.
આ દાણા કાળા રંગના હોવાના લીધે તેનો બજાર ભાવ પણ અન્ય જાત કરતા સારો રહે છે. સામાન્ય રીતે રાઈના પાકમાં મોલોમશી જેવી જીવાત અને ભૂકી છારા જેવા રોગનો ઉપદ્રવ રાઈની પકવવાની પાછોતરી અવસ્થામાં રહે છે. આ જાત વેહલી પાકે છે. માટે આવા રોગના ઉપદ્રવથી પાકને બચાવી શકાય છે.
રાઈની નવી જાતમાં બે પિયત ઓછા જોઇએ
ગુજરાત રાજ્યના 50% કરતા વધારે વિસ્તાર બિન પિયત અને વરસાદ આધારિત હોવાથી મોટાભાગના વિસ્તારમાં શિયાળુ ઋતુમાં પાણીની અછત વર્તાય છે. ત્યારે આણંદ હેમા માત્ર 3 મહિનામાં પાકી જતી હોવાથી તેને 2 પિયત ઓછા આપવા પડે છે. એટલે મર્યાદિત પાણી વાળા વિસ્તારમાં પણ આ જાત આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે.
પિયતની સારી સુવિધા હોય એટલે કે ખેડૂત શિયાળુ બાદ ઉનાળુ ઋતુમાં મગ અડદ, તલ જેવા પાકોનું વાવેતર કરતા હોય તેમને પણ ઉનાળું ઋતુના પાકોનું સમયસર વાવેતર કરી શકાય તે માટે આણંદ હેમા જેવી વહેલી પાકતી જાત ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે.