Home /News /anand /Anand : ભીંડાનાં છોડમાં ભીંડા નહી ફૂલ આવશે, ભીંડાની જંગલી જાત પર સંશોધન, નામ શોભા રાખ્યું

Anand : ભીંડાનાં છોડમાં ભીંડા નહી ફૂલ આવશે, ભીંડાની જંગલી જાત પર સંશોધન, નામ શોભા રાખ્યું

X
ભીંડા

ભીંડા પર સંશોધન કરતા વિકસી આવી નવી જાત જેનો ઉપયોગ ગાર્ડન માં ફૂલ છોડ તરીકે કરાશે

આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા ભીંડાની જંગલી જાત પર સંશોધન કરવામાં આવ્યું છે અને ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે. હવે ભીંડાનાં છોડ બાગ, બગીચામાં ફૂલ છોડનાં રૂપમાં જોવા મળશે.

Salim chauhan, Anand : સામાન્ય રીતે ભીંડાનો ઉપયોગ શાકભાજી તરીકે લેવામાં આવે છે. પરંતુ આણંદ કૃષિ યુનિવર્સિટીએ ભીંડાની નવી જાત વિકસાવી છે. આ ભીંડાનાં છોડમાં ભીંડા નહી થાય પરંતુ ફૂલ થશે. તેમજ નવી વિકસાવેલી ભીંડાની જાતનું નામ શોભા રાખવામાં આવ્યું છે.

આણંદ ક્રુષિ યુનિવર્સિટી ખાતે બાયોટેક્નોલોજી વિભાગમાં ડિસ્ટંટ હાઇબ્રીડાઇઝેશન યોજના કાર્યરત છે. આ યોજના આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃલપતિ ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ ભીંડાની જંગલી જાતને સંશોધન કરી તૈયાર કરીને સરકારમાં રજુ કરવામાં આવી હતી. યોજના સરકાર દ્વારા મંજુર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કુદરતી રીતે ઉપલબ્ધ વિવિધ પાકોની જંગલી જાતોનો ઉપયોગ કરી વિશિષ્ટ પ્રકારની નવિનતમ જાતો બહાર પાડવામાં આવશે. આ યોજના દ્વારા વાતાવરણની બદલાતી જતી પરિસ્થિતિ સામે ટકી શકે તેવી અને રોગ-જીવાત સામે પ્રતિકારક જાતો બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે.


સંસ્થાના સંશોધન નિયામક ડો. એમ. કે. ઝાલાએ જણાવ્યું હતું કે,5 થી 6 વર્ષ પહેલાં ભીંડાના પાકમાં પીળી નસના રોગ સામે પ્રતિકારક જાત વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, ભીંડાની જંગલી જાતોનું વાવેતર હેઠળની જાતો સાથે સંકરણ કરતા તેમાં સફળતા મળી ન હતી. જેથી આ જંગલી જાતનું અન્ય જંગલી જાત સાથે સંકરણ કરતા તેમાંથી બે છોડ મળ્યાં હતાં. આ છોડોનો ગહન અભ્યાસ કરતા તે નર વંધ્ય માલુમ પડ્યાં હતા. પરંતુ આ નર વંધ્ય છોડના પુષ્પો ખુબ જ આકર્ષક લાગતા હતા. બાદ કુલપતિ ડો. કથીરીયાએ આ જાતને ફુલ છોડ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.



આ જાતને ‘આણંદ શોભા’ નામ આપવામાં આવ્યું

આ યોજના સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો ડો. ડી. એ. પટેલ, ડો. આકર્ષ પરિહાર, ડો. મહેશ વાજા અને યોજનાની અન્ય ટીમ દ્વારા ખુબ જ ખંત અને રસ દાખવી આ જાતને સુશોભિત જાત તરીકે વિકસાવવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. જેના ફળ સ્વરૂપે યુનિવર્સિટી બધી જ સંશોધન કમિટીઓ તેમજ રાજ્ય સરકારની સીડ કમિટીમાં આ જાત માન્ય થઈ અને આ જાતને ‘આણંદ શોભા’ નામ આપવામાં આવ્યું હતું.



7થી 8 કલાક સુધી ફુલો છોડ પર ખીલેલા રહે છે

આ જાતના પુષ્પની પાંદડીનો ઉપરનો ભાગ ધેરા લાલ રંગનો તેમજ નીચેના ભાગમાં આછા સફેદ રંગની છાંટ હોય છે અને 7થી 8 કલાક સુધી ફુલો છોડ પર ખીલેલા રહે છે. આ જાત અર્ધફેલાતી અને બહુવર્ષાયુ છેp તેમજ વાનસ્પતિક વૃધ્ધી અર્ધ-કાષ્ઠ કટકા દ્વારા થઈ શકે છે. આ જાત કુંડા, બાગ-બગીચા તેમજ કિચન ગાર્ડનમાં ઉછેરી શકાય છે. આ જાતને જરૂરિયાત મુજબ છટણી કરવાથી એક છોડ પર 30 થી વધુ ફુલો આવી શકે છે.

First published:

Tags: Anand, Local 18