ઘનશ્યામ પટેલ - આણંદ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી છે, તેમ કહીએ તો પણ વધારે ન કહેવાય. રાજ્યમાં દારૂબંધી હોવા છતા રોજે રોજ મોટીમાત્રામાં પોલીસ દારૂ ઝડપે છે. તો પણ બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડતા રહે છે. આવી જ વધુ એક મોટી દારૂની ખેપ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ વિજીલન્સની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નાસિકથી ગુજરાતમાં એક ટ્રેલરમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે, જે હાલમાં વડોદરાના વાસદ ટોલનાકા પર પહોંચ્યું છે, અને ત્યાંથી બોરસદવાળા રસ્તા પર જશે. વિજીલન્સની ટીમ તુરંત એક્શનમાં આવી અને પોતાની ટીમ લઈ બોરસદ પાસે વોચ ગોઠવી દીધી. મોટા ટ્રેલરને જોતા જ સ્કવોર્ડની ટીમે તેને આંતરી લીધુ અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1000 પેટીઓ મળી આવી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દારૂ ભરેલા ટ્રેલરની સાથે ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી હતી, તેના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના નાસિકથી દારૂ ભરીને ટ્રેલર રવાના થયું હતું, જે અમરેલી જવાનું હતું. અમરેલીમાં થોડો દારૂનો જથ્થો ઉતારી ત્યારબાદ જુનાગઢ વધેલો જથ્થો ઉતારવાનો હતો. પોલીસ હજુ વધુ પુછતાછ કરી રહી છે, અને એ જાણવાની કોશિસ કરી રહી છે કે માલ કોને ડિલિવર કરવાનો હતો. હાલમાં 36 લાખના દારૂના જથ્થા સાથે ટ્રેલરને પણ કબ્જે લઈ દારૂ ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.