નડિયાદમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા જીલ પટેલે ઇલેક્ટ્રોનિક સાયકલ રજૂ કરી હતી. તેમણે સાયકલ પોતાની સુજબુજથી બનાવી છે અને તેની પાછળ 7000 થી વધુનો ખર્ચ થયો છે.
Salim chauhan, Anand: નડિયાદની સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહારમાં ભણતા ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના કિશોરે નવા આવિષ્કારની ખોજથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ શાળાના ધોરણ 7મા ભણતાં જીલ પટેલે કોલીજીયનોને પણ પાછા પાડી દીધા છે.
આ વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઈસિકલ બનાવી શાળામાં ચાલતા વિજ્ઞાન મેળામાં પોતાની કૃતિ રજૂ કરી છે. જીલ પટેલે પોતાના શિક્ષક અને આચાર્યના માર્ગદર્શન હેઠળ પોતાની સુજ, બુજ, બુદ્ધીથી એક ઈલેકટ્રીક સાયકલ બનાવી છે. જૂની પડી રહેલી સાયકલનો સદઉપયોગ કરી આ રીતે આખી નવી ઈલેકટ્રીક સાયકલ બનાવી વિજ્ઞાન મેળામાં રજૂ કરતાં સૌએ આ કૃતિને બિરદાવી હતી.
7570માં ઈલેક્ટ્રીક બાઈસિકલ બની
નડિયાદ શહેરના ડાકોર રોડ પર આવેલી શ્રી સંતરામ સંસ્કાર કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે ગુરૂવારના રોજ ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ધોરણ 7મા અભ્યાસ કરતા જીલ પટેલ નામના વિદ્યાર્થીએ એક અનોખી કૃતિ રજૂ કરી હતી.
જીલે લાંબા સમયની મહેનત બાદ એક ઈલેક્ટ્રીક બાઈસિકલ તૈયાર કરી છે. જીલે જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય તથા શિક્ષકોનુ માર્ગદર્શન તેમજ મારા કોલેજમા અભ્યાસ કરતા એક મિત્રની મદદથી આ કામ શક્ય બન્યું છે. મે આ સાયકલને લગતી મોટાભાગની ચિજવસ્તુઓ ઓનલાઈન મંગાવી હતી. લગભગ મારે 7, 570ની આસપાસ ખર્ચ થયો છે. મારી અથાગ મહેનતનું પરીણામ છે.
સાયકલની વિશેષતા જાણો
સાયકલમાં મોટર તથા અન્ય વસ્તુઓ જોડી ઈલેક્ટ્રીક સાયકલ બનાવી છે. જેથી સાયકલને ક્યાંય પણ પેડલ મારવાની જરૂર જ નથી. એક્સીલેટર મારફતે તેને ચલાવી શકાય છે. આ બાઈસિકલમા જીલે 24 વોલ્ટની મોટર જોડી છે. કનેક્ટર, એક્સીલેટર, હેડલાઈટ, હોર્ન અને ઈલેકટ્રીક બ્રેક લાગેલી છે. જો ચાર્જીગ ઉતરી જાય તો પણ જરાય ગભરાવવાની જરૂર નથી, પેડલ મારીને આ સાયકલ ચલાવી શકાય એવી બનાવી છે.
કે.જી.થી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ગણિત-વિજ્ઞાન મેળો
ગણિત-વિજ્ઞાન મેળામાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી. કે.જી.થી માંડીને ધોરણ 12 સુધીનો આ ગણિત-વિજ્ઞાન મેળો હતો. જેમાં લગભગ 32 વિજ્ઞાનની કૃતિઓ, 10 કોમ્પ્યુટરની કૃતિઓ, 50 ડ્રોઈંગની કૃતિઓ, 24 પ્રદર્શનના નમુના હતા.
મહત્વનું છે કે, જુનિયર કેજીના બાળકોએ રજૂ કરેલી કૃતિમા છોલેલી નારંગી કેમ તરે છે, હવામાં ઓક્સિજન રહેલો છે વિગેરે બાબતે કૃતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવના વચ્ચે પ્રકાશ પાડ્યો હતો. કેજીના બાળકોમા વાલ્મીકિ સાક્ષી, પ્રજાપતિ વિશ્વા, વાળંદ સિયા, પ્રિયંકા સુથાર અને અક્ષયની કૃતિઓએ આકર્ષણ ઊભું કર્યું હતું.
આ કૃતિ રજૂ કરી
વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ઓટોમેટીક ફાયર એન્જિન, ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ, ટ્રાફિક સિગ્નલ, ડાયાલિસિસ મોડલ, વૈદિક ગણિત જેવા વિષયો પર શાળાના શિક્ષકોને પ્રકાશ પાડ્યો હતો. આ વિજ્ઞાન મેળામાં નડિયાદ શહેરની સાત જેટલી સ્કૂલોના વિદ્યાર્થીએ વિઝીટ કરી હતી. આ પ્રસંગે વિજ્ઞાન મેળાનું આયોજન કરનાર સંસ્થાના પ્રમુખ ડો. કે.ડી.જેસ્વાણી, ઈસરોના જાણીતા વૈજ્ઞાનિક ડો. પુનિત દીક્ષિત, આનંદ આશ્રમના સ્વામી મુદિતાવંદનાનંદજી, આચાર્ય શૈલેષ પટેલ, રમેશ શર્મા સહિત શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.