Home /News /anand /Anand: ખરાઈ ઊંટ માટે આ રોગ છે જીવલેણ, તંત્રે કરી આ કામગીરી
Anand: ખરાઈ ઊંટ માટે આ રોગ છે જીવલેણ, તંત્રે કરી આ કામગીરી
ખરાઈ' ઊંટોને ચકરીના રોગ સામે રક્ષણ આપવા 'કેમલ કેમ્પ' યોજાયો હતો.
ખંભાતના જૂની આખોલ નજીક કેમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક દિવસમાં 500થી વધુ ઊંટની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી.ખરાઈ ઊંટને ચકરીના રોગ સામે રક્ષણ મળે તે માટે કેમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Salim chauhan, Anand: આણંદ જિલ્લાના ખારાપાટા વિસ્તારમાં ઊંટમાં ચકરી નામનો રોગ જોવા મળે છે. આ રોગ ઊંટ માટે જીવલેણ સાબિત થતો હોય છે. ખરાઈ ઊંટને ચકરીના રોગ સામે રક્ષણ મળે તે માટે કેમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં 500 થી વધુ ઊંટની સારવાર કરવામાં આવી હતી.
ચ્છી પશુપાલકોનો 1200થી વધુ ખરાઈ ઊંટ સાથે વસવાટ
ખંભાત તાલુકાના ખારાપાટમાં છેલ્લા ઘણાં દાયકાઓથી કચ્છી પશુપાલકો 1200થી વધુ ખરાઈ ઊંટ સાથે વસવાટ કરી રહ્યા છે. ખરાઈ ઊંટ રેતી-ખારાપાટમાં ચાલવાની સાથે ચારા માટે ભરતીના પાણીમાં તરીને દૂર સુધી જવાની કુદરતી શક્તિ ધરાવે છે.
ઊંટના વર્ગના પ્રાણીમાં થતો ચકરીનો રોગ જીવલેણ સાબિત થતો હોય છે. આ રોગ રક્ષણ મળી રહે તે માટે દર વર્ષે પશુપાલન વિભાગની ગ્રાન્ટમાંથી આણંદ જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને ખંભાત શાખા દ્વારા ખરાઈ ઊંટને ચકરીના રોગ સામે રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં 30 થી વધુ કર્મચારી અને અધિકારી જોડાયા
ખંભાત તાલુકાના જૂની આખોલ નજીકમાં વિસ્તારમાં કેમલનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પશુપાલન શાખા, પશુ ચિકિત્સકો, વેટરનીટી કોલેજના પ્રાધ્યાપકો, અધિકારીઓ, કર્મચારી મળીને અંદાજે 30 અધિકારીઓ જોડાયા હતા. એક દિવસમાં 500થી વધુ ખરાઈ ઊંટની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. દરમિયાન ખંભાત ડિવિઝનના પ્રાંત અધિકારી નિરૂપા ગઢવીએ કેમ્પની મુલાકત લીધી હતી.