હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
Abhishek Gondaliya, Amreli: ગુજરાતનાં તાતનાં માથે મુશ્કેલી આવીને ઉભી છે. માવઠાએ સમગ્ર રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમરેલી સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં હજુ વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરીવાર કમોસમી વરસાદ પડશે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદે ખેડૂતની કમર ભાંગી નાંખી છે. અમરેલી સહિતના રાજ્યમાં આવેલ રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે. ડુંગળીના પાકમાં મોટી નુકસાની થઇ છે. અમરેલી સહિતનાં જિલ્લામાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હવામાનમાં પલ્ટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થતા જગતના તાતને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.
ઘઉં,ચણા, ધાણામાં પાક નુકસાની થઇ છે. જિલ્લામાં ઘઉં, ચણા તેમજ બાગાયતી પાકમાં મોટું નુકસાન પહોચ્યું છે. ડુંગળીનાં પાકમાં મોટી નુકસાની પહોંચી છે. ખેડૂત માટે આજે સરકાર દ્વારા પાક નુકસાની વળતર માટે સર્વે કરવામાં આવ્યો છે.