અમરેલી જિલ્લામાં વહેલી સવારનાં વરસાદી છાંટા પડ્યાં હતાં. તેમજ ગઇકાલે ફૂકાયેલા પવનનાં કારણે ભારે નુકસાની થઇ છે. ઘઉં, ચણાનાં પાથરા ઉઠી ગયા છે. તેમજ અનેક વિસ્તારમાં પાક પલળી ગયો છે.
Abhishek Gondaliya, Amreli: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી વચ્ચે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આજે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે.
ધારી તાલુકામાં કરા સાથે વરસાદ
ધારી, બગસરા, સાવરકુંડલા વિસ્તારમાં ડુંગળી, જીરું, ઘઉં, કેરીનાં પાકને નુકસાન થયું છે. ખેતરમાં રહેલા ઘઉંના પાથરા, ધાણાના પાથરા ઉઠીને રોડ અને ગટર સુધી પહોંચ્યા ગય હતાં. પવન સાથે પાથરા ઉડતા નજરે પડ્યાં હતા. ખેતરમાં દાણાઓ તૂટી પડ્યા હતા. ધારી પંથકમાં કરા સાથે વરસાદ થયો હતો.
ઘઉંનો ઉભો પાક પલળી જતા મોટી નુકસાની
અમરેલી જિલ્લામાં હાલ ડુંગળી, જીરું, ઘઉં સહિતનાં પાક તૈયાર થઇ ગયા છે. તેમજ કેરીની સિઝન ચાલી રહી છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ઉભા ઘઉં પલળી જતા ખેડૂતોને નુકસાની થઇ છે.
વધુ વરસાદ થશે તો કેરીનાં પાકને નુકસાની
હાલ ફ્લાવરિંગ અને નાની ખાખટીવો આવી ગઈ છે. વધુ વરસાદ પડશે તો આંબા પર રહેલી કેરીને ખૂબ જ નુકસાન થશે.ખેતરમાં રહેલા જીરુંનાં પાક, ઘઉંનાં પાક તેમજ અન્ય પાક પલળી જવાને કારણે નષ્ટ થવાની ભીતિ પણ ખેડૂતોમાં રહી છે.
ડુંગળીમાં બેવડોમાર પડ્યો
માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનાં ભાવ મળતા નથી. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે ખેડૂતોનો ખેતરમાં રહેલો પાક નષ્ટ થવાની ભીતિ પણ ખેડૂતોને છે.તેમજ હાલ ખેતરમાં ડુંગળીનો પાક પડ્યો છે. વરસાદથી નુકસાની થઇ છે. બીજી તરફ ભાવ મળતા નથી. ખેડૂતોને બેવડોમાર પડ્યો છે.