ખેતી સાથે સંકળાયેલા યુવકે તૈયાર કર્યો રોબોટ આજે થઈ ભારત ભરમાં નામના
રાજુલાના મહેશભાઈ આહિરે રોબોટ બનાવ્યો છે. આ રોબોટની મદદથી બોરમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં સફળતા મળે છે. આ રોબોટ બનાવવા માટે ઘરનું મકાન અને માતાના દાગીના પણ વેચવા પડ્યા હતા.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના રાજુલાના મહેશભાઈ આહીરે રોબોટ બનાવ્યો છે. બાદ છત્તીસગઢમાં બોરવેલમાં ફસાયેલા બાળકના રેસ્ક્યુ માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળી હતી. આ સફળતા બાદ મહેશભાઈ ભારતભરમાં છવાઈ ગયા છે. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
રોબોટ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?
રાજુલાના મહેશભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમની ઉંમર 30 વર્ષની છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કર્યો છે. મહેશભાઈ ખૂબ જ મહેનતુ છે. એક સમયે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનને કહ્યું હતું કે ભારત આકાશમાં પહોંચશે પણ જમીનમાં નહીં.આ શબ્દો મહેશભાઈના કાને પડ્યા હતા. બાદ જમીનની અંદરથી જીવિત વ્યક્તિઓને બહાર કાઢવા રોબોટ બનાવવાની તૈયારીઓ કરી હતી.
મકાન અને દાગીના વેચી રોબોટ બનાવ્યો
મહેશભાઈના પિતા ખેતી કરે છે અને સામાન્ય પરિવાર છે. મહેશભાઈની રોબોટ બનાવવાની મહેનત જોઈ તેમના પિતા પણ ખુશ થયા હતા. તેમજ રોબોટ બનાવવાના ખર્ચ પાછળ મકાન અને માતાના દાગીના વેચી નાખ્યા હતા.
આ રકમમાંથી આધુનિક ટેકનોલોજી સાથે રોબોટ બનાવ્યો હતો. જેના માધ્યમથી બોરવેલમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢી શકાય છે. બે વ્યક્તિને બચાવવામાં સફળતા મળી છે.
છત્તીસગઢમાં ચાર દિવસ રેસ્ક્યુ ચાલ્યું
છત્તીસગઢ રાજ્યમાં એક મંદ બુદ્ધિનું બાળક બોરમાં ફસાઈ ગયું હતું. તેના રેસ્ક્યુ માટે છત્તીસગઢની સરકારે મહેશભાઈનો સંપર્ક કર્યો હતો. મહેશભાઈ રોબોટ સાથે ત્યાં પહોંચ્યા હતા અને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. આ રેસ્ક્યુ ચાર દિવસ અને ત્રણ રાત્રી સુધી ચાલ્યું હતું. બાદ બાળકને સહીસલામત બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મહેશભાઈને ભારતભૂષણ એવોર્ડ એનાયત
મહેશભાઈને ભારતભૂષણ એવોર્ડ ભોપાલ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. સાયન્સ અને ટેકનોલોજીમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે યુરો એશિયા યુનિવર્સિટી દ્વારા મહેશભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 21 જાન્યુઆરીના ગોવા સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે.
દેશને આ રોબોટ અર્પણ કરશે
મહેશભાઈએ જણાવ્યું હતું કે,સામાન્ય પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે. રોબોટ બનાવવામાં મારા પિતા અને પરિવારનો પૂરતો સપોર્ટ મળ્યો છે. જેના કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આગામી સમયમાં દેશના વડાપ્રધાન અને દેશને આ રોબોટ અર્પણ કરશે.