Home /News /amreli /પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે લાગી રેસ! ધાનાણીએ પોલીસને અડધો કલાક સુધી અમરેલીમાં દોડાવી

પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે લાગી રેસ! ધાનાણીએ પોલીસને અડધો કલાક સુધી અમરેલીમાં દોડાવી

ઘાનાણી અને પોલીસ વચ્ચે રેસ.

અમરેલીની બજારોમાં પોલીસ અને કૉંગ્રેસ નેતા વચ્ચે જાણે રેસ લાગી, પોલીસ જીપ આડી નાખે તો ધાનાણી રસ્તો બદલીને ભાગી જતા હતા.

અમરેલી: આજે ભારત બંધ (Bharat Bandh) આપવામાં આવ્યું છે ત્યારે અમરેલી શહેરમાં પોલીસ (Amreli Police) અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Congress Leader Paresh Dhanani) અને પોલીસ વચ્ચે રેસના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરેશ ધાનાણી સવારથી જ સ્કૂટર પર નીકળીને દુકાનદારોને તેમની દુકાનો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા હતા. કલમ 144ની ભંગ ન થાય તે માટે રણનીતિના ભાગરૂપે તેઓ એકલા જ સ્કૂટર પર નીકળ્યા હતા. તેઓ એક કલાક સુધી આખા શહેરમાં ફર્યા હતા અને દુકાનદારોને બે હાથ જોડીને દુકાન બંધ રાખવા માટે વિનંતી કરી હતી. આ દરમિયાન આશરે અડધો કલાક સુધી પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે રેસ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક વખત તો પરેશ ધાનાણી પોલીસના ઘેરામાંથી સ્કૂટર લઈને નીકળી ગયા હતા.

ધાનાણી અને પોલીસ વચ્ચે રેસ!

પરેશ ધાનાણી આજે સ્કૂટર લઈને દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા ત્યારે પોલીસ કાર લઈને તેમની પાછળ પડી હતી. જોકે, અડધો કલાક સુધી તેઓ પોલીસના હાથમાં આવ્યા ન હતા. અમરેલીની બજારમાં એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે આગળ પરેશ ધાનાણી અને પાછળ પોલીસની જીપ. પોલીસ સ્કૂટરની આગળ જઈને જીપ ઊભી રાખી દેતી હતી ત્યારે ધાનાણી બાજુમાંથી નીકળી જતા હતા અથવા રસ્તો બદલી દેતા હતા કે પછી નાની શેરીમાંથી નીકળી જતા હતા.



'મને કોરોના છે, અડશો નહીં'

પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચેની રેસ વચ્ચે એક જગ્યાએ પોલીસે ધાનાણીને ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકો પણ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓને પોતાનાથી દૂર રાખવા માટે પરેશ ધાનાણીએ એવું પણ કહ્યું હતું કે, 'મને અડશો નહીં મને કોરોના થયો છે.' જોકે, ધાનાણીએ પોલીસને દૂર રાખવા માટે આ વાત કરી હતી, હકીકતમાં તેઓ કોરોના પોઝિટિવ નથી. આ દરમિયાન તેમણે પોલીસને એવું પણ કહ્યું હતું કે તેઓ કપડાંની ખરીદી કરવા માટે બહાર નીકળ્યા છે. તેમણે પોલીસ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે હું સ્કૂટર પર એકલો જ ફરી રહ્યો હોવાથી કલમ 144નો ભંગ થતો નથી. આ દરમિયાન અનેક પોલીસકર્મીઓ હાજર હતા ત્યારે પરેશ ધાનાણી લાગ જોઈને ત્યાંથી સ્કૂટર પર નીકળી ગયા હતા અને પોલીસ જોતી જ રહી હતી.

પરેશ ધાનાણીની અટકાયત

જોકે, પોલીસ પણ થાકે તેમ ન હતી. આખરે પરેશ ધાનાણીની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ રીતે બંધ દરમિયાન જોવા મળેલા દ્રશ્યોથી બે ઘડી માટે તો લોકોને પણ મજા પડી હતી. અનેક જગ્યાએ પોલીસ અને ધાનાણીની રેસ જોઈને લોકોને મજા પડી હતી.
First published:

Tags: Bharat Bandh, Paresh dhanani, અમરેલી, કોંગ્રેસ, પોલીસ