Home /News /amreli /VIDEO: પીપાવાવમાં સિંહબાળ અને સિંહણ પાછળ ટ્રક દોડાવી પજવણી

VIDEO: પીપાવાવમાં સિંહબાળ અને સિંહણ પાછળ ટ્રક દોડાવી પજવણી

રસ્તા પર ભાગી રહેલો સિંહ પરિવાર તેમજ પાછળ ટ્રક દોડાવનાર ડ્રાઇવર

આ વીડિયો રાજુલાના પીપાવાવ પોર્ટના સ્ટેટ હાઈવે ખાતેનો હોવાનું માલુમ પડ્યું છે.

ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારમાં સિંહોની પજવણીના અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક સિંહ અને બે સિંહબાળની પજવણી કરવામાં આવતી હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.

આ વીડિયો રાજુલાના પીપાવાવ પોર્ટના સ્ટેટ હાઈવે ખાતેનો હોવાનું માલુમ પડ્યું છે. વીડિયોમાં એક સિંહળ અને બે સિંહબાળ નજરે પડી રહ્યા છે. આ વીડિયો કોઈ ટ્રકના ડ્રાઈવરે શૂટ કર્યો છે. જેમણે સિંહ પાછળ તેની ટ્રક દોડાવી હતી. મળતી માહિતી પ્રમાણે સિંહો પાછળ ટ્રક દોડાવનાર ડ્રાઇવર કોઈ હિન્દીભાષી હોવાનું માલુમ પડ્યું છે.

પીપીવાવ અને રાજુલામાં 70થી વધુ સિંહોનો વસવાટ

અમરેલીના પીપાવાવ અને રાજુલાના વિસ્તારમાં આશરે 70 જેટલા સિંહો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છાસવારે સિંહોની પજવણી કરીને વિકૃત આનંદ લેવામાં આવતો હોવાના બનાવો બનતા રહે છે. સામાન્ય રીતે સાંજના સમયે સિંહો વિહાર કરતા જોવા મળે છે. સિંહો જ્યારે રસ્તા પર નીકળે ત્યારે સ્થાનિક લોકો તેમના વાહનો થોભાવી દેતા હોય છે, જેનાથી તેઓ આરામથી રસ્તો ક્રોસ કરી શકે.

ન્યૂઝ18ને મળેલી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટના અંગે હજી સુધી વન વિભાગને કોઈ જાણ નથી. તેમજ આવી અનેક ઘટનાઓ સામે આવી હોવા છતાં અનેક કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો છેલ્લા એક બે દિવસમાં જ શૂટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, તેની કોઈ ચોક્કસ તારીખ જાણી શકાઈ નથી. તેમજ પીપાવાવની આસપાસ ઘણી કંપનીઓ આવેલી હોવાથી કોઈ પરપ્રાંતિય ટ્રક ડ્રાઈવરે આ વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કરીને વાયરલ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગીરના જંગલોમાં 650 સિંહ

2017માં કરવામાં આવેલી સિંહોની વસતી ગણતરી પ્રમાણે ગીરના જંગલોમાં 650 જેટલા સિંહ-સિંહણો છે. 2015માં કરવામાં આવેલી વસતી ગણતરી બાદ તેની સંખ્યામાં 150નો વધારો થયો છે. આ 650 સિંહ-સિંહણમાં એકથી બે વર્ષ સુધીના 180 જેટલા સિંહબાળનો પણ સમાવેશ થાય છે. 2010માં કરવામાં આવેલી વસતી ગણતરી પ્રમાણે ગીરના જંગલોમાં સિંહની સંખ્યા 411 હતી.

1995ની ગણતરી પ્રમાણે ગીરના જંગલોમાં સિંહની સંખ્યા ફક્ત 304 નોંધવામાં આવી હતી. જોકે, બાદમાં આ વાતને ગંભીરતાથી લઈને વર્ષ 2000માં સિંહને 'ખતરા'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં વન વિભાગ, સરકાર અને સિંહપ્રેમીઓના વિવિધ પ્રયાસોને લઈને ગીરના જંગલોમાં સિંહોની સંખ્યા સતત વધારો થયો છે.
First published:

Tags: Truck Driver, Video viral, સિંહ